સાદગી: જીવન જીવવાની એક સરળ જાદૂઈ રીત | હાસ્ય અને હૃદયસ્પર્શી અનુભવ સાથે

0
વળી એક દિવસ મોટભાઈ કહે, "સાદગી.."


સાદગી શું છે? હાસ્યભર્યું વર્ણન

તો ભાઈ શ્રી મોટા, આળસ કરો ને એટલે સાદગી માં જ રહેવું પડે.. !!

     અમારે રુગો બહુ સાદો, એક દિ એને એક ફોર્મ ભરવાનું હતુ, તે મારી પાંહે લઇ આવ્યો, ને એક ભરેલું સેમ્પલ ફોર્મ લઈ આવ્યો મને કે આવું ને આવું મારુ ભરી દ્યો, તે નામ સરનામું ને નંબર વગેરે ભરીને બ્લડ ગ્રૂપ પૂછ્યું મેં એને, તો ઇ કે ઓલા સેમ્પલ ફોર્મ માં શુ છે હું કઉ ઓ પોઝિટિવ, તો મને કે એજ લખી દ્યો ને..!! - કેવડી સાદાઈ?

     હું કઉ એવું નો હોય, સૌના અલગ અલગેય હોય, તે મને કે ઘણા વરહ પેલા ડેન્ગ્યુ થયો, તયે ઇ લોકોએ લોહી કાઢીને મને જાણે નિશાળમાં હોય એવો એક ચિઠીમાં 'એ પ્લસ'(A+) આપ્યો હતો ઇ પછી કાંઈ થયું નથી, તે કદાચ ઘટીને ઝીરો તો નહીં થઈ ગયો હોય ને? - સાદાઈ ના સીમાડા આવી ગયા હો.

     વળી થયું કે આ હાવ સાદો માણહ છે, હાથચાળો નથી કરવો.


આજના જમાનામાં સાદગી કેવી રીતે જીવાય?


મોટાભાઈ, સાદગી જરીયે સહેલી નથી..! આજે જયારે નાના નાના ટેંશનો થી ભરેલી જિંદગી ની ઝંઝાવાતો છે, એમાં સાદગીપૂર્ણ રહેવું એ ભારે તણાવો માંથી મુક્તિ આપનારું છે. ગમે એવો તણાવ હોય એની મુક્તિ એટલે સાદગી.. બહુજ ઓછી અપેક્ષાઓ રાખવી, ઘણા ઓછા લાગણીઓનાં બંધન માં પડવું, અને નિઃસંદેહ એક શાંતિ માં જીવવું. આ સખ્ત દુનિયામાં સાદગી ને આજકલ પૂછે કોણ છે? પણ જો સાદગી માં જીવી જાણીયે તો એ નમૂનારૂપ બને.


 સાદગી – નબળાઈ નહીં, તાકાત છે


સાદગી એ કોઈ સ્ટાઇલ નથી. એતો એક જીવન જીવવાની રીત છે. જિંદગી જયારે ચકરાવો લઈને તરાપ મારે ત્યારે સાદગી અને હિમ્મત આ બને બાજુઓ બની ને લડે છે. સાદગી એ કોઈ ખામી કે નબળાઈ ની સ્થિતિ નહીં. પણ એ તો એક તાકાત છે, ખોટો દેખાડો કે ભપકો ન રાખતા એક શાંતિપૂર્ણ અનુભવ છે.


સાદગી માટે વ્યંગયુક્ત સ્વીકાર


હવે આપનો નિર્વાહ જો મારુતિ અલ્ટો માં ચાલી જતો હોય, તો પછી ફોર્ચ્યુનર કે થાર નો ભપકો કરીને શું મળશે? હા કદાચ સસ્તી પ્રસિદ્ધિ ની લાલચ હોય તો એતો જયારે ગરીબી વીંટળાઈ વળે ત્યારે સામે ચાલીને પૂછનારાઓ મળશે કે ઓલી suv ગાડી ક્યાં ગઈ? જીવનમાં ભયંકર ઊંચનીચ ચાલતી હોય ત્યારે સાદગી એક એક એવી દોર છે જે આત્મા ને પરમાત્મા સુધી મેળવી દે છે. 


સાદગી તો પાણી જેવી છે, જ્યાં જાય ત્યાં તેવું સ્વરૂપ ધારણ કરી લે.. પહાડોની વચ્ચે મુક્ત મનથી વહેતી નદી હોય કે સવારના પહોર માં પાંદડે બેઠેલી ઝાંકળ.. અને આખરે દરિયો બનીને બધું પોતાના માં સમાવી લે છે. એવી જ રીતે સાદગી માણસને બધું જ સમજાવી શકે છે, પણ કહે કૈં નહીં.


સાદગી એ તો એ મૌન છે જેમાં અવાજ નથી, પણ અર્થ બહુ જ વિશાલ છે. કોઈ માણસ દિવસ આખો મેહનત કરીને સાંજે મરચું ને રોટલો આરોગી ને જે પરમ સંતોષ અનુભવે ને એજ સાદગી..! 


સાદગી એ પંખી ના માળામાં બિરાજે છે,

કા પછી નાની શાળાની કોઈ મોટી પળશાળ માં રમતા બાળકો ના મુખ પર,

સાદગી માણવાની ન હોય, જાણવાની હોય..! એતો અંતરાત્માની ઓળખ છે...


સાદગી એ તો એક સળગતી દીવાસળી છે, પણ એનો જો પ્રકાશ હૃદય માં રહી જાય તો આખી જિંદગી નું અજવાળું છે..! સાદગી એ છે કે જયારે મોબાઈલ નેટવર્ક માટે પ્રોસેસિંગ લેતો હોય ત્યારે એને રિસ્ટાર્ટ કરવાને બદલે થોડી ઘડી ધીરજ ધારી ને એને પૂરતો સમય આપીએ..! ટૂંકમાં મોટા સાદગી એ સાર છે, જો જીવન જીવી જાણ્યા હોય તો.. અને હું તો હકીકતે આ પોસ્ટ ને લાંબી કરવા માટે ઘયડા કરું છું. કેમ કે સાદગી તો હું પોતેય નથી પાળતો..!


સ્પ્લેન્ડર માં મારું કામ હાલતું જ હતું, તોય નવી યામાહા લઈ આવ્યો.. ચશ્મા તો વારેઘડીયે બદલ્યા કરું છું. આ બધું સાદગી સિવાય ની જ તો વાતો છે..! 


#સાદગી #GujaratiBlog #GujaratiWriter #SatireWithSoul #SimplicityInLife #GujaratiHumor #DilawarsinhWrites #Dilaayari #GujaratiThoughts #જીવનનીસાદગી #GujaratiDiary #DailyWriting #GujaratiEmotion #GujaratiFeelings #GujaratiPost #GujaratiQuotes #LifeWithSimplicity


Post a Comment

0Comments
Post a Comment (0)