દરેક માણસમાં છુપાયેલો એક નટ
તે મોટા, આજ લખીને થાકી ગયો છું તે ટૂંકમાં કહું તો અભિનય નામની કલા દરેક માણસ માં જન્મજાત હોય જ છે એલા.. હા અભિનય નો સમયગાળો વધુ ઓછો હોય સૌ સૌનો..!
બાઈક મેકેનિકનો મહાન અભિનય
મારું ખળભળીયું રાજદૂત લઈને ગેરજ વાળા પાંહે ગયો તો, ખાલી ચેઇન ટાઈટ કરી દે, પણ ઇ ચાલુશ્વર બાઇક ફરતે આંટો મારીને અભિનયનો આરંભ કરે, ચૈન-ચક્કર ગયા નવા નાખવા જોહે, રિયર બ્રેક ઉપર પગ દાબી ને કે લાઈનર પણ બદલવા જોહે, આગલી બ્રેક નો તો વાયર જ બદલવો પડશે, હેડલાઈટનો બલ્બ ડીમ થઈ ગયો છે, સિત્તેર નો નવો આવશે, એન્જીનઓઈલ તો તમે ગિયા મહિને નાયખું તું, કાળું પડી ગયું હયશે, ઇ ય નાખી દઉં.. સાઈડ સ્ટેન્ડ ને ચૈન કવર કટાઈ ગયું છે, નવું નાખવું પડશે.. હેન્ડલેય આઉટ છે, આ સાઈડ લાયટુ ક્યાં ગઈ? ગઈ ફેરે તો નાયખી'તી. જોવો, આ બધું બીજે કરાવશો તો આઠ હજાર થાશે, હું પાંચ માં કરી દઉં બોલો..!! હવે એને કોણ સમજાવે કે મારી રાજદૂત ની રિસેલ વેલ્યુ જ ૨૦ની કિલો થાય છે..!! પણ અભિનય .. અભિનય..
ફ્રૂટના વેપારીનું મિથું મનોરથ
ન્યાથી નીકળી ને બજાર માં પુગીએ એટલે અભિનય-સમ્રાટ ફ્રૂટની લારી વાળા, અરે તમે સફરજન લેતા તો જાવ, એક્સપોર્ટ ક્વોલિટીનો માલ છે, મિથુમો નીકળે તો પાછા લેતા આવજો બસ..!!બાકી એનેય ખબર હોયકે એક કિલોમાં કેટલા ખરવાબ નીકળવાના હોય ઇ..! આ છટા!
દુકાનદારના હીરોઇક ડાયલોગ્સ
વળી થયું લાવ, કપડા ની એકાદ જોડ્ય લઈ લઉં વાર તે'વાર માં તો લૂંટની તલવાર હસ્તે મોઢે ખાવી પડે છે, એકાદ રેડીમેડ જોડ્ય પસંદ કરી, માપ વગેરે માટે ટ્રાયલ કરીને કપડાં પહેરીને બહાર આવો એટલે દુકાનવાળો અભિનયનેય ઓળઘોળ કરીને કે"અસલ હીરો લાગો છો, તમારા માટે બેસ્ટ ફિટિંગ, શરીર મેન્ટેન છે ને એટલે આ જોડી એકદમ પરફેક્ટ છે. આછું બેસ્ટ કલર કોમ્બિનેશન સિલેક્ટ કર્યું છે હો. ચાલો પેક કરી દઉં, માત્ર ત્રણ હજાર નવસો નવ્વાણું..!! ને એક રૂપિયો તો આપણે શરમ માં પાછો માંગીએ નહિ..!!
સાડીઓની સાહસિકતા અને ઘરના સત્ય
વળી થયું, લાવ બજાર માં આયવા જ છીએ તો ઘરના હાટુય કાંક લેતા જાવી, તે એકાદ સાડી લઈએ, એનોય દુકાનદાર સોલિડ અભિનય કરે.. ને હજારની આઇટમ અઢારસો માં બટકાવી દે,ને ઘરે જઈને ગૃહમંત્રીને ઇ ગિફ્ટ આપીએ તયે ઇ શું કે ખબર? લાયવા લાયવા ને આવી તયણસો વાળી શું લાયવા? (તયે ખબર પડે કે અભિનય શાળા નો પ્રધાન શિક્ષક તો પંદરસો બટકાવી ગયો..)
જીવનનો શ્રેષ્ઠ અભિનય – પિતા અને માતા
પણ શ્રેષ્ઠ અભિનયની વાત કરું તો, દિવસભર તનતોડ મહેનત કરીને આવેલો પિતા શરીર તૂટતું હોવા છતાં હસતા મોઢે પોતાના નાના બાળક માટે ઘોડો બને, અને દિવસ આખો ઘરના કામકાજ અને બાળકોના ઉછેર, તથા વ્યવહારની જવાબદારીઓ સંભાળતી એ સ્ત્રી તેના પતિને રૂપિયાની અછત જાહેર ન થવા દે એ...!!
હાલો લ્યો આટલા અભિનય માટે એકાદ નાનકડો ઓસ્કાર આપશો તોય હાલશે હો..!!
#GujaratiBlog #RealLifeActing #GujaratiHumor #Dilaayari #DilawarsinhWrites #GujaratiSatire #LifeIsADrama #GujaratiThoughts #EverydayActing #GujaratiLifestyle #GujaratiStories #AkhadiZindagiNaNatak #DailyLifeDrama #GujaratiCreatives