કુદરતના ખોળે – પૂરથી બચેલા પરિવારની હ્રદયસ્પર્શી વાર્તા

0

કુદરતના ખોળે: પૂર, પ્રેમ અને ધૈર્યની હ્રદયસ્પર્શી વાર્તા

    મોટભાઈ કહે :- કુદરતના ખોળે..


તો મોટાભાઈ, આ વાર્તા જુના ચીલે નવો શણગાર જેવી છે, વાંચો..

     "એલી એય આંમ આંય આવતી રે, આ ઊફાળા લેય છે ભાળતી નથી? ઠાકરજાણે આ છોડીની મતિ તોબા છે બાપ આનથી તો?" 

    શ્રાવણનો મેહ અષાઢમાં જ ઉલાળા નાખતો ત્રાટક્યો હતો, છ-છ દી થયા, પણ જાણે વિયોગી હૈયું વર્ષો બાદ મળે ને ભેટે એમ આ આભનું પાણી ધોડીને ધરતીને મળતું હતું. અનરાધાર વરસાદથી આળી નદી આડેપાટ ઉપડી, બેય કિનારાના બંધનો છોડવા તૈયાર થયેલી આ નદીને કિનારે જ ઝૂંપડું વાળીને રહેતો એક પરિવાર. જગત એની વહુ સોમા ને બાર વરહની દીકરી રંભા.. કિશોરી રંભા એકલી વગડા માં બેય બકરી ચારી આવતી, બાપ ખેતમજૂરી માં તનતોડ મહેનત કરતો ને માં સોમા ચકલીના માળા જેવડું આ ઝૂંપડું પણ સાંધી સાંધીને સાચવી રાખતી. 

     છ છ દિવસ થયા પણ મેહ અનરાધાર વરસતો'તો. આળી કિનારે ઝૂંપડામાં ત્રણે જીવ ઊંચકનીચક થતા'તા, ને રંભા દોડીને બકરીયુંનો ઝોંક ખોલી આવી, ઊફાળા મારતું પાણી ઝુંપડા સુધી પગ પલાળવા પુગી આવ્યું હતું.

     "પણ બા, ઇ તો આ મૂંગીયુંને છોડી મેકવી, પાણી માં વહી જાય એના કરતાં'તો, પાણીમાં પાછપ થાશે તયે બેય પાછી આવતી રેશ્યે..!" એમ કહીને રંભાએ બકરીયું છોડી દીધી ને બેય ઉલળતી ઠેકતી વગડા માં દોડી ગઈ.

     "સોમા, હાલો આપણેય ક્યાંક ઊંચાણ ગોતી લેવી, આજ આ માવડી વિફરી છે, કોણ જાણે ગરીબનું ઝૂંપડું ટાળવા બેઠી છે..!" આળી સામું આંગળી ચીંધીને જગત બોલ્યો.

     "થાય, કાંક એનેય ઉભરો આવ્યો હોય, માં છે કાંક સારા હાટુ જ કરતી હશ્યે."

જગત, સોમા અને રંભા: ત્રણે જીવ નદી સામે

    ને એટલામાં તો ઉફાળો લેતું પાણી ધસમસતું આવ્યું ને જગતનું ઝૂંપડું પરિવાર હોત તણાતું હાલ્યું.. કાયમ શાંત રહેતી આળી તોફાને ચડી, બેય કિનારાના બંધનો તોડીને પાણી સર્વનાશ કરીને જ માનશે એમ ઠેકડે ચડ્યું.

     હાંફળાફાંફળા જગતે તરત જ એક હાથે રંભાને પોતાને ખંભે બેહાડી દીધી, બીજે હાથે સોમાનો હાથ ઝાલી રાખ્યો..! ને તણેય જીવ તણાયા. પાણીમાં આમથી તેમ હિલોળા લેતો જગત બેયને એવા કચકચાવીને પકડી રાખ્યા હતા કે વિખુટા પડી જ નો શકે. પાણીને પણ જાણે પૂરેપૂરું જોર અજમાવવું હોય, ધસમસતા ધોધમાં ત્રણેયને આ પ્રવાહ ઉલાળતો, પછાડતો, ચકરાવે ચડાવતો હતો.

જ્યાં આશા હોય ત્યાં આશરે હોંશ પણ રહે છે…!

     લૂંગડાના લીરાથી મઢેલો એનો મહેલ - એનો એક માત્ર આશરો - એની નજર સામે વિખરાઈ ગયો હતો, નામશેષ થઈ ગયો હતો. મજૂરની મૂડી હોએ ય શું ને માથે આ મેહ..! તોય જગતમાં હિંમત ભારી, એણે એકેય ને છોડ્યા નહિ. તણાતાં એ જીવોને એક વાર તો પાણીએ કિનારે પછાડ્યા, પણ તરત જ પાણીમાં પાછા પણ ખેંચી લીધા..! જગતને આશા તો જાગી બા'ર નીકળી શકવાની. એકલા પગ તરી તરીને કેવડુંક બળ કરે? સોમાને તો જીવ તાળવે ચોંટ્યો'તો, બીકની મારી મુંજાઈ ગઈ હતી, શું થઈ રહ્યું છે ને શું થાશે - ઘડીકમાં ડૂબતી વળી જગત બળ કરીને બાર ખેંચતો મોત નો પડછાયો ભાળતી હોય એમ સાવેય નાહિમ્મત થઈ ગઈ.

     આળી જાણે ઉપહાસ કરતી હોય કે પછી એની હવે ક્ષુધા ઠરી હોય એમ કિનારા કને મોકલી રહી હતી, એક વિનાશને વ્હોરેલું ધરાશાયી વૃક્ષ કિનારે આડું પડ્યું હતું,એનું એક ડાળખાનું ઠુઠું પ્રવાહ માં નમેલું હતું, ન્યા પુગતા જ રંભાએ બેય હાથે ઠુઠું ઝાલી લીધું, બાપે એક હાથે રંભાને પકડી, બીજે સોમા. બળ કરીને સામા પ્રવાહે તરીને જગતે ઠૂંઠુ પકડી સોમાને ઊંચકી ઇ ડાળખે ચડાવી. રંભા અને સોમા એ ડાળીને આધારે પ્રવાહની બારે નીકળી ગયા, થાકેલો જગત હિંમત હારતો હતો છતાં મહામહેનતે ઇ ડાળ ને આધારે જ પ્રવાહની બહાર નીકળી શક્યો..! કુદરતને ખોળે ખેલતો એ પરિવાર કુદરતનો કે'ર જોઈ હલબલી ગયો, એનો મનનો માનેલ મહેલ તો વેલોય વિખરાઈ ગયો હતો, હવે આભનું જ ધાબુ માથે રહ્યું હતું જે છ છ દી થી લગાતાર ચૂંવતું હતું..! 

     "બાપુ, ચિંતા નો કરો, જીવ છે તો હંધુય છે, પાછું આપણે વસાવી લેશ્યુ હંધુય, કુદરતના છોરું કુદરતના ખોળામાં કાંઈ કોરા થોડા રે..!!" બોલતી રંભા બાપને ધરપત દેતી રહી.. ત્યાં વાદળાં વિખેરી પૃથ્વીને પોષવા આદિત્યના કિરણે આશાનું ડોકિયું કર્યું..!!

લી. મનમોજી

#GujaratiStory #GujaratiLiterature #KudratniKahani #FloodStory #ShortStoryGujarati #કુદરતનાખોળે #મનમૌજી

તમારું પણ કુદરત સામેનું કોઈ સંસ્મરણ છે? નીચે કોમેન્ટ કરો...


***

Post a Comment

0Comments
Post a Comment (0)