જીવનનો યોગ કે રોગ? પ્રેમ અને લાગણીઓની સાહસભરેલી સફર

0

આજનું યોગ દિવસ અને જીવનની સાહિત્યયાત્રા

વળી આજ યોગ દિવસ હતો તે, મોટભાઈ કહે "સમગ્ર જીવન યોગ છે."


     મોટા તમે કયો છો એટલે યોગ હશે, બાકી મોટાભાગે તો રોગ જ છે હો..! યોગના અષ્ટાંગ છે, માણહ ના દહ, પાંચ કર્મેન્દ્રિય ,ને પાંચ જ્ઞાનેન્દ્રિય.. ને મોટા ના તો આજ સુધી કોઈ ઇન્દ્ર ને કાબુ કરી શક્યું, ને ના ઇન્દ્રિયને.. (અપવાદ બાદ કરતાં) ઇન્દ્ર સુખભોગી છે, ઇન્દ્રિયો પણ સુખ સાધક. ઇન્દ્રને પીડા છે, ઇન્દ્રિયોને પણ..! બંનેને ભય પણ છે, ભોગ પણ છે. ઇન્દ્ર અવળે પાટે ચડે છે, ઇન્દ્રિય પણ અને મારું લખાણ પણ..!

માનવ જીવનમાં સૌથી મોટું સાહસ – પ્રેમ અને લગન


     જીવનમાં બધું કરાય, પણ ભૂલ નહિ. ભૂલ જોકે ભૂલ થી જ થાય, જાણીજોઈને કોઈ કરે નહિ, પણ તોય ઘણીખરી જાણી જોઈને ય કરતા હોઈએ છીએ. સાહસ માં ખપાવવા..!! માનવ-જીવનમાં સૌથી મોટું સાહસ કયું? લગન. આ લાડવો ખાય છે ઈય પસ્તાય છે ને નો ખાય ઈય..! મોટા, આ સાહસ એવું છે, જેમાં તમારે જિંદગીભર બળ, બુદ્ધિ, ધન, શાંતિ, આરામ, નિરાંત ટૂંકમાં તમામે તાકાતો હસતા મોઢે ખર્ચતી જ રે'વાની. 

પાછું લગભગ સુખદ પરિણામો તો કોક ને જ આવતા હશે, બાકી તો લમણાંઝીંક જીંદાબાદ..! સાહસમાં પણ ઉચ્ચતમ સાહસ કયું? પ્રેમ કર્યો ને પાછા લગન પણ..! ને પ્રેમની તો પરિભાષા જ અલબેલી છે..! આપણે તો મોટા પ્રેમમાં માનતા નથી, એટલે જાજી ચંત્યા જેવું નથી. જે છે ઇ આકર્ષણ મોહ અને સ્વાર્થની સાધના. હું કોક વાર સાચે વિચારે ચડી જાઉં છું મોટા, કે આ પ્રેમ પાછળ કયું પરિબળ હશે?.. મુદ્દો યોગ હતો કાં?

પ્રેમ: યોગ કે રોગ? તેની પરિભાષા અને અર્થ


     જુઓ મોટા, જીવન આખું યોગ હોય કે નહીં ઇ ખબર નથી, પણ જીવનમાં મબલખ યોગ થાય છે, ક્યારેક વિયોગ, ક્યારેક ઉપયોગ, ક્યારેક વિનિયોગ, ક્યારેક પ્રયોગ, તો ક્યારેક સંયોગ.. ને ક્યારેક તો યોગાનુયોગ પણ..! આમ તો યોગ વિશે અનેકો પુસ્તકોમાં, ગ્રંથોમાં ને અટાણના ગૂગલમાં મબલખ સાહિત્ય મળી રહેશે, જિંદગીની તુલના પણ એમાં ય મળી રહેશે.. અહીંયા નહિ.. આપણે તો આડેધડ ઝીંકનારા..!!

      આડેધડથી યાદ આવ્યું, આ અંગ્રેજીએ તો ભાષાવની કાંઈ ડાટ દીધી છે મોટા, યોગનું યોગા કરી નાખ્યું, શિવ નું શિવા. શિવા એટલે પાર્વતી થાય ઇ એને કોણ હમજાવે..? તોય દીધાદીધ થયા છે..! એમાં પાછા આપણા અમુક સળંગ પાંચમતો ના આખું અંગ્રેજી બોલે ના આખું ગુજરાતી/હિન્દી.. બંનેનું મિશ્રણ..! "You know ના.." એમ વાંહે દેશી લહેકોય ચોંટાળે..! મોટા મારી વાતની દિશા નક્કી નો હોય, ગરિયો(ભમરડો) મન પડે એની કોર્ય વળે હો..! મોટા, જીવનની ય દિશા ક્યાં નક્કી હોય છે કા..!! 

સમર્પણ અને પ્રેમ: જીવનની મૂળ શીખ


હાથી ઉપર બેઠેલો મહાવતના હાથમાં અંકુશ કે પછી કઠપૂતળીની દોરીયું જેના હાથમાં હોય એનું ધાર્યું થાય, આપણે તો હા એ હા કર્યે કરવાની.. એનથી યાદ આવ્યું, લગનજીવનમાંય એવું જ છે, હા એ હા કર્યે રાખો એટલે જરા જેવડી નજીવી નિરાંત જડે હો..! ઇ કે દિ કે તો હા દિ, ઇ કે રાત થઈ ગઈ તો બપોરે બાર વાગેય હા પાડી દેવાની.. આનું જ નામ સમર્પણ હયશે લગભગ..!! સમર્પણ પાછું પ્રેમનું સોપાન કેવાય, ને પ્રેમ છે ત્યાં હિંસા તો હોય જ, અને જો હિંસા વર્જ્ય હોય તો પ્રેમ કેમ નહિ? પ્રેમ વત્તા યોગ એટલે પ્રેમયોગ, ઇ પણ યોગ હશે? વળી પ્રેમ રોગ પણ છે તો એની રસી કઈ?

આજે તો યોગનો જ વિનિયોગ થઈ ગયો..!!

#જીવનયોગ #પ્રેમસાહસ #લગન #યોગઅનેરોગ #માનવજીવન #આધ્યાત્મ #સંબંધ #સમર્પણ #પ્રેમયોગ #દિલઆયારી #લેખન

Post a Comment

0Comments
Post a Comment (0)