"જીવનસાથી કેવો હોવો જોઈએ? સંબંધોના મર્મને સ્પર્શતો વાસ્તવિક વિશ્લેષણ" || LifePartner

0

જીવનસાથીના પસંદગીમાં શું બદલાયું છે?

જીવનસાથી કેવો?
#વાતનું_વતેસર

સંબંધોનો તણાવ: કમેળ છે કે ખામી છે?


     આમ તો મોટા ભાગ્યમાં હોય એવો કહી શકાય..!! પણ હવે ધીમે ધીમે સંબંધોમાં ધારા ધોરણો બદલી રહ્યા છે, વરહ દી સગાઈ રાખી ને એકમેકના સ્વભાવો જાણી આગળ વધે છે. અમુક 'MI એટલે હલકો' કરીને સંબંધોનો સત્યાનાશ કરે છે, અમુક સત્તા સામે કરિયાવર વડે લળી પડે છે, અમુક સહનશક્તિની સીમાઓ સુધી પહોંચીને અગ્નિસ્નાન કરે છે.

     મોટા! ગૃહસ્થ જીવન હાટુ આપણાં વડવાવે જૂનું ને જાણીતું વિશેષણ ગાડાં તરીકે કિધેલું છે, ને છે પણ ખરેખરું, સમાંતરે બેય પૈડાં હાલે તેમાં જ ગૃહસ્થી જીવનની ભલાઈ છે, વિશ્વાસની ધરીથી જોડાયેલા બંને પૈડામાંથી એકાદ પણ જો ખાંગુ હાલે તો થઈ રહ્યું, બીજું આપમેળે અટકી પડશે.

અતિશય અપેક્ષાઓ અને સોશિયલ મીડિયા ભાવનાઓનું ફાટલું


     મોટા, હમણાં થોડાક સમયથી જોઉં છું જીવનસાથી માટે આજકાલ અપેક્ષાઓ ઘણી વધતી જાય છે, પાત્રતા, આવડત, શિક્ષણ, લક્ષણ, દેખાવ આવું આવું જોવા માં ક્યાંક માનવતા જોવાની ચુકાઈ જાય છે. પેલા તો કેવું હતું કે ઘર સાચવી લે એટલું ઘણું.. આમાં બધું આવી ગયું..! અને ખરેખર સચવાઈ પણ જતું. ક્યાંક કમેળ બેસતો તો બીજું પાત્ર જિંદગીભર ગમ ખાઈને જીરવી લેતો. હવે એવું નથી, કમેળ થયો, હાલો કોર્ટમાં, કરો છુટ્ટા..!! લગન થયાંને છ દિવસમાં જ નોખા થઈ જાય છે. ક્યાંક પ્રેમ થયો, ભાંગીને લગ્ન કર્યા, પોતાના મનપસંદ પાત્ર હોવા છતાં લગ્ન ભાંગે છે..! ખામી ક્યાં છે? જીવનસાથી માં કે પોતાના માં?

     પહેલા પાત્ર, પછી પસંદ, પછી પ્રસ્તાવ, પછી પ્રણય, ને પછી પરિણય.. આટઆટલા પડાવો છતાં કેટલીય ગાડીઓ પાટા ચુકી જાય છે? ને બચે છે ક્યારેક કાયમી પીડા.. કારણ શું? મારા મતે અત્યધિક અપેક્ષા, કે પછી સ્વ મતે ઘડેલી કલ્પનાઓ, કે પછી અન્યો દ્વારા ઉભા કરવામાં આવેલા પ્રતિબિંબ. (મતલબ કે આધાર કાર્ડનો ફોટો, સોશિયલ મીડિયામાં ફિલ્ટર વાળો ફોટો અને હકીકતના ફોટોમાં જેવો ફરક હોય એમ.) અમુક વખતે સ્વયંની નિર્ણયશક્તિનો અભાવ, કે પછી વિષયવસ્તુનો પ્રભાવ, કે પછી બદલતો સ્વભાવ પણ જીવનસાથી પર અસર કરે છે.

ગૃહસ્થ જીવન: બે પૈડાની ગાડીને કેમ હમેશા બેલેન્સ કરવી પડે?


     મોટા, અમુક વાર એકબીજાઓ માટે પોતાના ઉછેર સાથે ઉછરેલી આદતો પણ બદલવી પડે. પોતું કર્યું હોય ન્યા પગ મુકતા પહેલા વિચાર કરવો પડે, માંની બનેલી રોટલી બબ્બે મોઢે ખાતા હોય એને બદલે કાચી શેકેલી કે બળેલી રોટલી ય મીઠી કહીને ખાવી પડે, વળી ટાણે ટાણે મુકેલ ટમકા ય ટાઢા થઈને સાંભળી લેવા પડે, કાયમ હસતું મોઢું રાખીને હાં માં હાં કહેવી પડે, પ્રિન્સિપાલ ની જેમ ક્યારેક ઢીકા પાટુય ખમવા પડે, જોની ડેપની જેમ પ્રતિષ્ઠા પણ ખોવી પડે.. આતો એક પુરુષ-પક્ષ, સામે સ્ત્રી પક્ષે પણ આવું જ હોય.. ખાલી વાંક પુરુષનો હોય..(મજાક મજાક હો.)

લગ્ન પ્રત્યેનો મોહભંગ અને ભવિષ્યની વિચારણા


     થોડા દી અગાઉ એક સર્વે રિપોર્ટ વાંચ્યો હતો. લોકોમાં લગ્ન પ્રત્યે મોહભંગ થતો જણાય છે, આજીવન કુંવારા રહેવાની ઈચ્છાનો મહા ઉદભવ થયો છે. કદાચ જવાબદારીઓનો ભય કે આર્થિક સ્થિતિ આનું કારણ હોય શકે. વળી વસ્તી વધારા નિયંત્રણ જેવા ધારાઓથી, તથા જીવનધોરણમાં બદલાવથી લોકોમાં સંતાનની ઉત્પત્તિ બાબત પણ બદલાવો આવી ગયા છે, બે ને બદલે એક સંતાનની વધુ પસંદગી કરે છે, એ પણ પુત્ર તરીકે..! આવનારું ભવિષ્ય અઘરું છે મોટા..! વળી યુવાવસ્થામાં ત્રણ ચાર પ્રણયસંબંધો (લફડા) વિશે 'પરાક્રમનો' દ્રષ્ટિકોણ કેળવાઈ રહ્યો છે, જે ઘાતક સિદ્ધ થવાનો છે.

જોઈ લ્યો મોટા આવું બધું છે જીવનસાથી કેવો વાળી વાતનું વતેસર.

#જીવનસાથી #સંબંધોનીગાંધી #ગુજરાતીબ્લોગ #દિલાવરસિંહ #GujaratiReflections #VadGamNoVichar #GujaratiRelationshipTalks #LagnaVichar #GrihasthJivan #SamvedansheelLekh

Post a Comment

0Comments
Post a Comment (0)