રિમઝીમની શરૂઆત અને મેઘોની મસ્તી
હવે મોટા, આ ફેરે તો મેઘો મોજમાં લાગે છે, નકર કચ્છ જેવા પ્રદેશમાં જ્યાં કાયમ વરસાદની તંગી રે'તી હોય ન્યાં પૂર જેવું કરી દીધું..! ઉત્તર ગુજરાતમાં ઓણ ઓછો છે એમ કે છે, ને સોરઠનેતો લીલાલે'ર છે. કે છે હજી તણ દી કાશપ(સૂર્ય) કોર્યું(કિરણ) નહિ કાઢે..!
પણ અમારે મોટા આ રિમઝીમ અલગ ભાત્ય નું છે. વાળંદ પાંહે જાવ, ને ઓલ્યો ફૂસ ફૂસ પાણીનો સ્પ્રે છાંટે એમ રોજ સવારે પાંચેક વાગ્યાની આળેગાળે અદલ વાળંદના સ્પ્રે જેવી બિલકુલ ઝીણી છાંટ ચાલુ થાય, ને આઠેક વાગ્યા સુધી આવું ચાલુ રે..! નો વધે નો ઘટે..! હવે આનું પરિણામ ઇ આવે છે કે ગારો ને ખાબોચિયા નથી સુકાતા નથી નવા ભરાતા..! પાછો આ વરસાદ ગુજરાતી વિષયમાં એક પાઠ હતો "લુચ્ચો વરસાદ" એના જેવું કરે છે.
મોટાભાગની બાઇકવાળી દુ:ખભરી સફર
વળી આ વરસાદની સીઝનમાં સૌથી કઠણ કામ છે બાઇક ચલાવવું. આપણે ધારીએ કે અહીંયા વરસાદ નથી એટલે ગંતવ્યસ્થાન સુધી કોરેકોરા પહોંચી જશું.. એ કદાચ આ પૃથ્વી પરનો મોટામાં મોટો વહેમ કહી શકાય. વળી ચોમાસા માં હાઇવે ની સફરમાં તો ભરપૂર એડવેન્ચર કહી શકાય..! નેશનલ હાઇવે હોવા છતાં ગડકરી સાહેબની નજર ચૂકવીને રસ્તા માં પડેલા બે-ચાર ખાડાઓ દિવસભરમાં એકાદ મોટરસાઇકલ વાળાને તો પછાડે જ. એમાં ખાડાનો વાંક નથી, મોટરસાઇકલ વાળો જ આંધળો હોય..! પાણીભરેલા હાઇવેમાં હાલવું જરૂરી થોડું છે? એ ખાડો તો બચાડો બે દી થી નિરાંતે ત્યાં બેઠો હોય પણ આ બાઇક વાળા એને હખ લેવા જ નો દે..! પછી ધીમે ધીમે ઇ ખાડો પોતાનો વિસ્તાર વધારે..!
ખાડા અને ખોટા વિકાસની કથા
વચ્ચે ઓલ્યા વિપક્ષ વાળાઓ એ સ્લોગન બહાર પાડ્યું હતુંને "ગાંડો વિકાસ".. બસ એમ જ આ ખાડો પણ વિકાસ કરે. ધીમે ધીમે એ ખાડો બાઇક વાળાને બદલે હવે તો ગાડી વાળાઓને પણ પોતાનો લાભ આપે અને 'બેલેન્સીંગ એલાયનમેન્ટ' તથા 'ટાયરમાં કાપા' વગેરે જેવા ઉપહારો જબરજસ્તી આપે. વળી ખટારાવાળા શું કામ બાકી રહે, મોટાભાગે તો ટ્રકમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા લોકો જ હોય છે એટલે એ લોકો ખાડા ને ખાસ ગણકારે નહીં, બલ્કે સરકારનો આભાર પણ માને કારણ ટાયર ફાટે એટલે ડ્રાઇવર મોટરમાલિકને ફોન કરીને કરુણ વિતક સંભળાવે.. એટલે પચી નો જોટો મોટરમાલિકને ત્રીસ માં પડે..ને.. ને ખાડો ડ્રાઈવર માટે તો લાભદાયક નીવડે. જો કે હવે દરેક ધંધામાં પારદર્શિતા આવતી જાય છે. નકર પહેલા તો ડ્રાઈવરો ઢાબા-પાર્કિંગમાં ઉભા ઉભા એકબીજાના મોટરમાલિક માટે પોલીસ બનીને ફોન કરતા, ખોટેખોટા ૧૫-૨૦ હજારની તોડપાણી કરતાને ખીસામાં નાખી એકબીજાનો આભાર વ્યક્ત કરતા પોતપોતાને પંથે વહેતા..!
મોંઘવારીમાં ડ્રાઇવરનું નવતર લાભશાસ્ત્ર
આ રિમઝીમનો ફાયદો શું હોય મોટા ઈતો રામજાણે.. પણ પસંદ સૌને આવે..! મને તો મુશળધાર પસંદ છે, પણ આ પણ એક આહલાદક અનુભવ તો ખરો જ..! એય ને મકાનના ધાબા માથે, કે ઘરની બહારનું દ્રશ્ય દેખાતું હોય તેવી બારીમાં, કે કોઈ દુકાનવાળાએ સહેજ છપરું બહાર કાઢીને માથે તાળપત્રી ઢાંકી હોય ત્યાં, કે પછી કોઈ નાની સી ટેકરીની ધાર પર સીધા કાળા આસમાન હેઠે, કે કોઈ ખુલ્લા મેદાનમાં એકાદ વૃક્ષના આશ્રયે, એકહાથમાં ચાની પ્યાલી લઈને બીજા હાથે માથા ઉપર નેજવું કરીને આ ઠંડક ભર્યા વારવરણમાં ઉષ્માનું આહ્વાન કરતી ચાની-ચૂસકીથી રસના(જીભ)ને રસબોળ કરીને, ગળા વાટે છાતીમાં ગરમી કરતી ઠેઠ જઠર સુધી વહી જાયને જાણે મીરાંને માધવ મળ્યા ને રોમે રોમ દિવા થાય .. !!
શબ્દોમાં વરસાદ અને કાવ્યોની નમી માટી
પાછો આ રિમઝીમ કવિઓ-લેખકો-વિચારકોને પણ ખુલ્લો દોર આપે છે, કે તેવડ હોય એટલું લખો, રંગો હું બતાવું છું..! ઘડીકમા આભ કાળું થાય, ઘડીકમાં ઇન્દ્રધનુષી, ને પવનની લેહરખીયું વાદળાને તાણી જાય તો નીલુ આભ તો છે જ..! ભીની માટી, બિલકુલ ઝીણું ઉગેલું હરિત ઘાસ, ને એમાં મખમલીયા રાતા રંગના જીવડા હાલ્યા જાતા હોય, ક્યાંક કોઈ ઘોઘો છાણ નો દડો બનાવીને વાંહલે પગે ઠેલતો એના દર સુધી લઈ જાતો હોય, ક્યાંક કોઈ બાળકો કોઈ ખાબોચિયું ચૂંથતા હોય, માટીના મહેલ બનાવતા હોય કે કાગળની હોડી તેરવતા હોય, ને વળી પાછો ઝીણી છાંટ નો ફુવારા જેવો વરસાદ ખાબકે .. ને ના ના કરતા પણ પલાળી જાય ત્યારે અદલ લુચ્ચો વરસાદ કેવાનું આજે પણ મન થઇ જાય..!
#RimzimVaras #GujaratiMonsoon #DilawarsinhWrites #ChaiAndRain #SatiricalBlog #PotholesReality #GujaratiDiary #MonsoonFeels #LuchchoVarsad #RainyThoughts