“પોર્ટુગીઝ ભારત: ગોવા મુક્તિ – ઓપરેશન વિજયની કથા" || Portuguese India and Operation Vijay ||

0

પોર્ટુગીઝ ભારત અને ઓપેરશન વિજય 


પવિત્ર ભૂમિ ભારત અને વિદેશી આક્રમણો

    ભારત ભૂમિ.. સોનાની ચકલી, પણ જેને જેમ મન પડ્યું એમ એની પાંખ્યુંનાં પીંછા તાણ્યા, કાંઈ જેમ તેમ આ ભૂમિ માથે આક્રમણો થયા છે? પેલા મુસ્લિમ આક્રાંતાઓ આવ્યા, પછી ધોળી ચામડીના ભુરકા..! કોકે ઈ ચકલીનાં પગ ખેંચ્યા, કોકે સોનેરી રૂંવાટી તાયણી, કોકે માળો વીંખ્યો, કોકે ઈંડા ચોર્યા..! ઠેઠ પોર્ટુગલ, યુરોપનો બીજો છેડો, ન્યાંથી એક દરિયાખેડુ ભુરીયો નીકળ્યો, નામ એનું વાસ્કો દ ગામા, ઈ દરિયામાં રખડતો ભટકતો આખરે કાલીકટ ઉતર્યો હતો.

 

દરિયાખેડૂ વાસ્કો દ ગામા અને ભારતની "શોધ"

    નિશાળે ભણતાંને ત્યારે ઝાંખું-ઝાંખું યાદ છે, સાહેબો એમ કહેતા કે, વાસ્કો દ ગામા એ ભારતની શોધ કરી..! તયે હારું એમ થાતું કે આપણે ન્યાં, કરોડો વર્ષો ની સભ્યતા ને એવું બધું મંદિરોના બાવાજી ને ઈ બધા કેતા'તા, ને નિશાળ વાળા એમ ક્યે કે 1498-1500માં ભારતની શોધ થયી. ઈતો ઘણું પાછળ થી સમજાણું કે ઓલ્યા વાસ્કો એ તો ભારત હુધી પુગવાનો જળમાર્ગ શોધ્યો હતો. મથલ મુદ્દો એમ હતો કે યુરોપથી મધ્ય-પૂર્વને જેરુશલેમ સમેત હંધેય મુસ્લિમ શાસકોનું રાજ આવી ગયું'તું, ને યુરોપની પૂર્વ એટલે ભારત ને ચીન થી આવતા મસાલા, રેશમ ને આભૂષણોના વેપાર ઉપર અરબી અને અન્ય મુસ્લિમ વેપારીઓનો દબદબો હતો, તે ઈ ભારતને ચીનનો માલ મોંઘા ભાવે ભુરીયા યુરોપિયનને વેંચતા. તે યુરોપિયનોને ભીંહ પડી, એટલે ભારત હુધી પુગવા સિવાય કોઈ વિકલ્પ વધ્યો નહીં.

 

બોમ બહિયા થી મુંબઈ – એક રાજકીય કરિયાવર

    ટૂંકમાં વાસ્કો દ ગામા કાલીકટ ઉતર્યો.. પછી ધીમે ધીમે વેપારીવેડા કર્યા, કોચીન હાર્યે સંધિઓ કરી, કોચી ના રાજાની પરવાનગી લઈને અફોન્સો દે અલ્બુકર્કી એ દરિયાકાંઠે ઈમેન્યુએલ નામે ગઢ બાંધ્યો, ધીમે તટ-કાંઠો જીતવા મંડ્યા, બિજાપુર પાંહેથી ગોવા જીત્યું, મુંબઈ, ને ઠેઠ દીવ લગી પુગ્યા. પોર્ટુગલથી ભારત આવતા ઈ હંધાંયનું મુખ્ય મથક ગોવા બન્યું, ને 1530માં પોર્ટુગીઝ ભારતની રાજધાની ગોઆ થયું. 1535 સુધી તો અટાણનું મુંબઈ, બોમ બહિયા તરીકે પોર્ટુગીઝ બંદર હતું, પણ જોન ધ રિસ્ટોરર ઓફ પોર્ટુગલની દીકરી કેથરિન ડી બ્રાગાન્ઝાના લગન ઇંગ્લેન્ડના ચાર્લ્સ બીજા વેરે પરણાવી તયે કરિયાવરમાં મુંબઈ (બોમ બહિયા) અંગ્રેજોને દીધું. 


પોર્ટુગીઝોનું ભારત પર પ્રભુત્વ

    હવે ક્યાં પોર્ટુગલ, ક્યાં ઇંગ્લેંડ, ને ક્યાં ભારત, ઉભડી આઠમ્યું ન્યાં બેઠી બેઠી મુંબઈના સોદા કરે છે બોલો.! તોય પાછું અઢારમી સદી સુધી તો ગોવાનો વાઇસરોય દક્ષિણ આફ્રિકાથી દક્ષિણપૂર્વ એશિયા સુધી હિંદ મહાસાગરમાં અને તેની આસપાસની તમામ પોર્ટુગીઝ સંપત્તિઓ પર સત્તા ધરાવતો'તો. 1850 સુધીમાં, મોઝામ્બિક, મકાઉ, સોલોર, તીમોર હાથમાંથી છૂટી ગયા. ને પછી પેલા કીધા'તા ઈ જ ગોવા, દાદરા નગરહવેલી, દીવ, દમણ, આટલું જ પોર્ટુગીઝ ભારત તરીકે રહ્યું હતું.

 

ઓપરેશન વિજય : ગોવાની મુક્તિ

    હવે હંધાય ભારતમાંથી તો ભુરીયા ભાગી નીકળ્યા, પણ પોર્ટુગીઝનું દબાણ જેમનું તેમ રહ્યું'તું. એને ઉથલાવવા તેદી નેહરુએ યોગી આદિત્યનાથની જેમ બુલડોઝર ફેરવ્યું'તું, તે'દી ઈ બુલડોઝર હતી ભારતીય સેના. 17 થી 19 December 1961, માં ઓપરેશન વિજય ના નેજા હેઠળ ગોવાની મુક્તિ થઇ જેને પોર્ટુગલે ગોવા પર આક્રમણ તરીકે જાહેર કર્યું. 36 કલાક સુધી હવાઈ, દરિયાઈ અને ભૂમિ માર્ગે સેનાએ સખ્ત સ્ટ્રાઇક્સ કરી હતી.

 

ટી.બી. કુન્હા અને ગોવાની રાષ્ટ્રીય ચેતના

    એક નામ ખાસ મહત્વનું છે આયાં, ડૉ. ત્રીસ્તાવ બ્રગેન્ઝા કુન્હા (Tristão de Bragança Cunha) ફ્રેન્ચમાં શિક્ષિત ગોઅન એન્જીનીયર ટી. બી. કુન્હાએ (અહીંયા એમનું નામ ઉચ્ચારણ બાબતે મારા માટે થોડુંક અઘરું છે એટલે ટી.બી. કુન્હા કે'વું મારા માટે ઠીક રહેશે.) એક પુસ્તક લખ્યું 'Four hundred years of Foreign Rule' અને એક પેમ્ફલેટ પણ છપાવ્યું હતું 'Denationalisation of Goa' નામે, એનાથી ગોવાના લોકોમાં પોર્ટુગીઝ શાશનમાં થતી પ્રતાડનાઓ વિશે જાણતા થયા. 12 ઓક્ટોબર 1938ના રોજ, ગોવા કોંગ્રેસ સમિતિના અન્ય સભ્યો સાથે કુન્હા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ સુભાષ ચંદ્ર બોઝને મળ્યા અને તેમની સલાહ પર, 21, દલાલ સ્ટ્રીટ, બોમ્બે ખાતે ગોવા કોંગ્રેસ સમિતિની શાખા કચેરી ખોલી. 


સશસ્ત્ર સંગઠનોનો ઉગ્ર વિરોધ

    રામ મનોહર લોહિયા, જુલિયાઓ મેનેઝીસ, કુન્હા આ બધા ગાંધી માર્ગે અહિંસક ચળવળો શરુ કરી. હવે ગાંધી નો ચીલો હોય તો ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝનોય કેડો ન્યાં હોય જ ને, એટલે આઝાદ ગોમંતક દળ (ધ ફ્રી ગોવા પાર્ટી) અને યુનાઈટેડ ફ્રન્ટ ઑફ ગોન્સ જેવા સશસ્ત્ર જૂથોએ ગોવામાં પોર્ટુગીઝ શાસનને નબળું પાડવાના હેતુથી હિંસક હુમલાઓ કર્યા હતા. ભારત સરકારે આ દળોને થોડીક સહાયતા કરી એટલે, આર્થિક લક્ષ્યો, ટેલિગ્રાફ અને ટેલિફોન લાઇન, માર્ગ, પાણી અને રેલ પરિવહનને નષ્ટ કરવાનો પ્રયાસ થયો. હવે ઈ ટાણે ગોવામાં સૈન્ય ટુકડી સાથે તૈનાત એક પોર્ટુગીઝ આર્મી ઓફિસર કેપ્ટન કાર્લોસ અઝારેડોને એમ કીધું'તું કે, "ગોવામાં અમારા ઉપર અત્યંત વિકસિત ગેરિલા યુદ્ધનીતિ તળે હુમલાઓ થયા હતા, હું અંગોલા અને ગીની (પોર્ટુગીઝ ગીની)માં પણ લડ્યો હતો, જે આઝાદ ગોમંતક દળના સ્વાતંત્ર્ય સેનાનીઓનો મોટો હિસ્સો ગોઅન લોકો ન હતો. ઘણા લોકો બ્રિટિશ સૈન્યમાં જનરલ મોન્ટગોમેરીના નેતૃત્વ હેઠળ, જર્મનો સામે લડ્યા હતા." ટૂંકમાં લ્યો ને ઈ કેપ્ટનને હારા-માંહ્યલી ભીંહ પડી'તી.

 

મહાભારત જેવી રાજનીતિ : ગોવાની મુક્તિની પૃષ્ઠભૂમિ

    આવડું મોટું મા'ભારત ની બાધણ થઇ ને ઈ પેલા, ક્રષ્ણએ કેટલીય વાર માથાકૂટ ટાળવા ટ્રાય કરી'તી, પછી છેલ્લે શું થયું? લગામ લઈને ચારકોર કચ્ચરઘાણ વળાવી નાખ્યો ને ધર્મ ની પુનઃસ્થાપના કરી. હવે ગોઆને રાજનૈતિક રીતે ભારતમાં ભેળવવા કાંઈ નાના-સૂના પ્રયાસો નો'તા કર્યા, આખી દુનિયાને નોતરું દીધું'તું કે આને કોક સમજાવો નકર ઘડો-લાડવો કરતા વાર નહીં લાગે..! 27 ફેબ્રુઆરી 1950ના ભારત સરકારે ભારતભૂમિમાં પોર્ટુગલની વસાહત (COLONY) ના ભાવિ હાટુ વાર્તાલાપ શરુ કર્યો, પણ પોર્ટુગલે એમ કીધું કે ભારતીય ઉપખંડમાં તેનો પ્રદેશ તેની વસાહત નથી પણ મેટ્રોપોલિટન પોર્ટુગલનો ભાગ છે, એટલે એની સત્તાનું હસ્તાંતરણ જ સંભવ નથી, ને ઉમેર્યું કે જયારે ગોવા પોર્ટુગીઝ શાશન હેઠળ આવ્યું ત્યારે ભારતીય પ્રજાસત્તાકનું અસ્તિત્વ જ ન્હોતું, એટલે ભારતનો કોઈ હક જ નથી બનતો. પછી તો ભારત સરકારે 11 જૂન 1953ના લિસ્બન (પોર્ટુગલની રાજધાની)માંથી તેનું રાજદ્વારી મિશન પાછું ખેંચ્યું.

 

15 ઑગસ્ટ 1955 : નિઃશસ્ત્ર આંદોલનકારીઓ પર ગોળીબાર

    1954માં ગોવાથી ભારતના પ્રવાસ ઉપર વિઝા પ્રતિબંધ મુકાયો, પોર્ટુગલ ઉપર 1961 સુધી પ્રતિબંધો મુક્યા, ઇન્ડિયન યુનિયન ઓફ ડોકર્સે પોર્ટુગીઝ ભારતની સિપ્પીન્ગ નો બહિષ્કાર કર્યો, 15મી ઓગસ્ટ 1955ને દી 3 થી 5000 નિઃશસ્ત્ર ભારતીય કાર્યકરોએ છ સ્થળોએ ગોવામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને પોર્ટુગીઝ પોલીસ અધિકારીઓ દ્વારા હિંસક રીતે ભગાડવામાં આવ્યા, પરિણામે 21 થી 30 લોકોના મૃત્યુ થયા. ઓલી બાજુ પોર્ટુગલના વડાપ્રધાન એન્ટોનિયો ડી ઓલિવિરા સાલાઝારને પરસેવો મંડ્યો છૂટવા કે ભારત ગોવા ઉપર કબ્જો કરી લેશે, એટલે એણે પેલા યુનાઇટેડ કીંગ્ડમને મધ્યસ્થી કરવા કીધું, પછી બ્રાઝીલ દ્વારા વિરોધ કરાવડાવ્યો, ને પછી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને દખલગીરી કરવા કીધું. 


કૃષ્ણ મેનનનો સાફ સંદેશ : "બળનો વિકલ્પ બાજુએ નથી મૂક્યો"

    ઈ વખતે, ભારતના સંરક્ષણ પ્રધાન અને ભારતના યુએન પ્રતિનિધિમંડળના વડા કૃષ્ણ મેનને બાંધી મુઠ્ઠીમાં કીધું'તું કે ભારતે ગોવામાં "બળના ઉપયોગને અવગણ્યો નથી". પછી તો ભારતમાં બેઠેલા જગત જમાદાર અમેરિકી રાજદૂત જ્હોન કેનેથ ગાલબ્રેથે ભારત સરકારને સશસ્ત્ર સંઘર્ષને બદલે મધ્યસ્થી અને સર્વસંમતિ દ્વારા શાંતિપૂર્ણ રીતે આ મુદ્દાને ઉકેલવા માટે અનેક પ્રસંગોએ વિનંતી કરી હતી. અધૂરામાં પૂરું 24 નવેમ્બર 1961ને દી એક પેસેન્જર બોટ કોચી બંદરે જાતી'તી, પોર્ટુગીઝ કબ્જાના અંજીદિવ ટાપુ પાસેથી નીકળી, ન્યાં તો પોર્ટુગીઝ સૈનિકોએ એ બોટ ઉપર ગોળીબાર કર્યો, એમાં એક પેસેન્જર રામશરણ પામ્યો અને બોટ નો મુખ્ય એન્જીનીયર ઘાય થયો. પછી તો ભારત સરકારને ગોવામાં લશ્કરી કાર્યવાહી કરવા હાટુ ભરપૂર જન-સમર્થન મળ્યું. 10 ડિસેમ્બરે નહેરુએ પ્રેસ મિટિંગ કરીને જાહેર કરી દીધું કે ગોવાનું ભારતમાં ભળવું જરૂરી છે. ને બીજી બાજુ અમેરિકાએ ભારતને ધમકીના સ્વર માં કીધું કે જો લશ્કરી કાર્યવાહી કરી તો ભારતને યુએનની સિક્યુરિટી કાઉન્સિલમાં આ મુદ્દો ઉઠશે અને યુએસ ડેલિગેશન કોઈ પણ પ્રકારનું સમર્થન ભારતને નહીં આપે..! આ અમેરિકા પેલે થી જ દોઢું તો છે જ કા?

 

દાદરા અને નગરહવેલી : એક ધીમી ક્રાંતિ

    1952માં, દાદરા અને નગરહવેલી ને પોર્ટુગીઝ ભારતમાંથી મુક્ત કરવાવવાની પ્રક્રિયા આમતો ચાલુ થઇ ગઈ હતી, કેમ કે દાદરા અને નગરહવેલી ઈ ચારેબાજુથી ભારતીય પ્રદેશોથી ઘેરાયેલા પોર્ટુગીઝ એન્કલેવ્સ હતા, એન્કલેવ એટલે એક દેશમાં અન્ય દેશની  અથવા સંસ્થાનની વસાહત અથવા તો ભૂ-ભાગ. પેલા તો આ બેયના ભારતમાંથી પરિવહનના મારગ બંધ કરી દીધા, એટલે ગોવામાં આર્થિક મંદી ઉઠી, જુલાઇ 1954માં, યુનાઇટેડ ફ્રન્ટ ઓફ ગોઆન્સ, નેશનલ મૂવમેન્ટ લિબરેશન ઓર્ગેનાઇઝેશન, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને આઝાદ ગોમાંતક દળ જેવા સંગઠનોના સભ્યો સહિત ભારત તરફી દળો, ભારતીય પોલીસ દળોના સમર્થનથી, દાદરા અને નગર હવેલી પર હુમલાઓ કરવાનું શરૂ કર્યું. 


આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનો ચુકાદો : India vs Portugal

    22 જુલાઈની રાત્રે, UFG દળોએ નાના દાદરા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો, જેમાં પોલીસ સાર્જન્ટ એનિસેટો ડુ રોઝારિયો અને કોન્સ્ટેબલ એન્ટોનિયો ફર્નાન્ડિસની હત્યા થઈ, જેમણે હુમલાનો પ્રતિકાર કર્યો. 28 જુલાઈના રોજ RSS દળોએ નરોલી પોલીસ સ્ટેશન કબજે કર્યું. નગર હવેલીમાં પોર્ટુગીઝ એડમિનિસ્ટ્રેટર અને પોલીસ દળોએ ભારતીય સત્તાવાળાઓ દ્વારા ઘેરાયેલા અને સૈન્ય ન આવી મળતા આખરે 11 ઓગસ્ટ 1954ના ભારતીય પોલીસ દળો પાસે પલોંઠી વાળીને બેહી ગયા (આત્મસમર્પણ કર્યું). ઈ પછી પોર્ટુગલે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં અપીલ કરી, ને 12 એપ્રિલ 1960ના નિર્ણયમાં જણાવ્યું હતું કે દાદરા અને નગર હવેલીના પ્રદેશો પર પોર્ટુગલનો સાર્વભૌમ અધિકાર છે પણ ભારતને ભારતીય પ્રદેશો પર પોર્ટુગલના સશસ્ત્ર કર્મચારીઓને પસાર થવા દેવાનો ઇનકાર કરવાનો અધિકાર છે. એટલે પોર્ટુગીઝ સત્તાવાળાઓ કાયદેસર રીતે ભારતીય પ્રદેશમાંથી પસાર થઈ શકતા ન હતા.

 

ભારતના લશ્કરી બાધણની ઐતિહાસિક તૈયારી

    હવે સૈન્ય આક્રમણની તૈયારી થઇ જ ગઈ'તી, પછી તો ભારતીય સેનાના દક્ષિણી કમાન્ડના લેફ્ટનન્ટ-જનરલ ચૌધરીએ મેજર-જનરલ કે.પી. કેન્ડેથ અને 50મી પેરાશૂટની કમાન્ડવાળી 17મી પાયદળ ડિવિઝનને મેદાનમાં ઉતાર્યું, ને ધીંગાણામાં ધમાલ મચાવવાની આદરી. બ્રિગેડિયર સગતસિંહ (જેમણે નાથુલા માં ચીનકાવને જબરા ઢીબ્યા'તા) એમને કમાન્ડ સોંપાણી, મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીની 1લી બટાલિયનને દમણના એન્ક્લેવ પરના હુમલાની જવાબદારી દીધી, રાજપૂત રેજિમેન્ટની 20મી બટાલિયન અને મદ્રાસ રેજિમેન્ટની 5મી બટાલિયનને દીવમાં કામગીરી દીધી કે વીણી વીણી ને મારજો. 


ભારતીય નૌકાદળની ચારેય દિશામાં તૈનાતી - એર ફોર્સ અને INS વિક્રાંતના યુદ્ધ સમૂહોની રણનીતિ

    ભારતના પશ્ચિમી હવાઈ કમાન્ડના કમાન્ડર-ઈન-ચીફ, એર વાઇસ માર્શલ એર્લિક પિન્ટોને ગોવામાં કામગીરી માટે સોંપવામાં આવી. ઇન્ડિયન નેવી ગોવાના દરિયાકિનારે બે યુદ્ધ જહાજો - INS રાજપૂત, એક 'R' ક્લાસ ડિસ્ટ્રોયર અને INS કિરપાન, બ્લેકવુડ ક્લાસ એન્ટી-સબમરીન ફ્રિગેટ - તૈનાત કર્યા'તા. ભારતીય નૌકાદળ દ્વારા ગોવા ઉપર હુમલો કરવા ચાર જૂથ બનાવ્યા હતા, જેમાં એક સરફેસ એક્શન ગ્રુપ જેમાં પાંચ જહાજોનો સમાવેશ થાય છે: મૈસુર, ત્રિશુલ, બેતવા, બિયાસ અને કાવેરી. બીજું જૂથ પાંચ જહાજોનું કેરિયર ગ્રૂપ: દિલ્હી, કુઠાર, કિરપાણ, ખુકરી અને રાજપૂત એરક્રાફ્ટ કેરિયર વિક્રાંત પર કેન્દ્રિત. ત્રીજા જૂથમાં માઇન સ્વીપરોને સમાહિત કર્યા જેમાં કારવાર, કાકીનાડા, કેનોનોર અને બિમીલીપાટન હતા, અને ચોથા જૂથમાં સહાયક તરીકે ધારિણી હતું.

 

17 ડિસેમ્બર 1961 : મૌલિંગ્યુમ પર પહેલો હુમલો અને પુલોના વિસ્ફોટ

    હવે બાધણ નક્કી જ હતી પછી તો વાત જ શું? 11 ડિસેમ્બર 1961ના, 17મી પાયદળ વિભાગ અને ભારતીય સૈન્યની જોડાયેલ ટુકડીઓને પણજી અને મોરમુગાઓ કબજે કરવા માટે કહી દીધું, પણજી પર મુખ્ય ભાર ઉત્તર તરફથી બ્રિગેડિયર સગત સિંહની આગેવાની હેઠળના 50મા પેરા બ્રિગેડ ગ્રૂપે બનાવવાનો હતો, ને પૂર્વમાંથી 63મી ઈન્ડિયન ઈન્ફન્ટ્રી બ્રિગેડ દ્વારા વધુ ભીંહ પાડવાની હતી. 17 ડિસેમ્બર 1961ની સવારે પોણા દસે મૌલિંગ્યુમ શહેર પર હુમલો કર્યો, અને કબજો કર્યો, જેમાં બે પોર્ટુગીઝ સૈનિકો માર્યા ગયા, 04:40 વાગ્યે, પોર્ટુગીઝ સેનાએ બિચોલિમનો પુલનો ફૂંકી માર્યો, ને ઈ પછી કોલવાલેના ચાપોરા ખાતે અને 05:00 વાગ્યે એસોનોરા ખાતે પુલનો નાશ કર્યો, 18 ડિસેમ્બરની સવારે, ભારતીય સેનાની 50મી પેરા બ્રિગેડ ત્રણ કોલમમાં ગોવામાં ધસારો કર્યો, પૂર્વીય કોલમમાં 2જી પેરા મરાઠાનો સમાવેશ થતો હતો જે મધ્ય ગોવાના પોંડા શહેર તરફ ઉસગાઓ થઈને આગળ વધ્યા હતા.


પોંડા અને પણજી તરફ મેજર જીંદના નેતૃત્વમાં આગળ ધપતી પેરા મરાઠા ટુકડી

    1 લી પેરા પંજાબનો બનેલો કેન્દ્રીય કોલમ બનાસ્તરી ગામ થઈને પણજી તરફ આગળ વધ્યો. પશ્ચિમી કોલમ - હુમલાનો મુખ્ય ભાર - 2જી શીખ લાઇટ ઇન્ફન્ટ્રી તેમજ બખ્તરબંધ વિભાગનો સમાવેશ કરે છે જે 06:30 વાગ્યે સરહદ પાર કરીને તિવિમ પર આગળ વધ્યો હતો. સદા પાંચ આજુબાજુ પોર્ટુગીઝ સૈનિકોએ પોન્ડાની પોતાની બેરેક છોડીને ભાગ્યા, સાતમી કેવવેલરીની ટેન્કો સાથે બીજી પેરા મરાઠાના કોલમ મેજર દિલીપસિંહ જીંદના નેતૃત્વ હેઠળ પોન્ડા કબજાવવા આગળ વધ્યા. માપુકા શહેરમાં 2જી શીખ લાઇટ ઇન્ફન્ટ્રીએ 12:30 વાગ્ય સુધીમાં 1લી EREC ના પોર્ટુગીઝ દળોને પીછેહઠ કરાવી દીધી, 13:30 વાગ્યે, પોર્ટુગીઝ સેનાની 2જી ERECની પીછેહઠ પછી, પોર્ટુગીઝોએ બનાસ્તરીમ ખાતેના પુલને નષ્ટ કરી દીધો, જેનાથી પણજીની તમામ રોડ લિંક્સ બંધ થઇ.

 

પૂર્વમાંથી 63મી બ્રિગેડની આગળ ધપતી વ્યૂહરચના

    પૂર્વમાં 63મી ભારતીય પાયદળ બ્રિગેડ બે કોલમમાં આગળ વધી. જમણો કોલમ, 2જી બિહાર બટાલિયનનો હતો, અને ડાબો કોલમ, જેમાં 3જી શીખ બટાલિયન હતી, જે સરહદી નગર મોલેમ સાથે જોડાઈને પછી પોંડા પર અલગ-અલગ માર્ગો દ્વારા આગળ વધે છે. સાંજ પડતા સુધીમાં, 2જી બિહાર કેંદીપુર શહેરમાં પહોંચી ગઈ હતી, જ્યારે 3જી શીખ દરબોંદરા પહોંચી હતી. વર્ના ગામમાં 500 પોર્ટુગીઝ સૈનિકોએ ટક્કર લીધી પણ 15:30 વાગ્યે પોર્ટુગીઝોએ શરણાગતિ સોંપી દીધી અને 4થી શીખ પછી મોર્મુગાઓ અને ડાબોલિમ એરપોર્ટ તરફ આગળ વધ્યા. પોર્ટુગીઝોને ગેરમાર્ગે દોરવા માટે ચોથી રાજપૂત કંપનીએ માર્ગોની દક્ષિણે એક ગેરિલા હુમલો કર્યો. આ કોલમે માઇનફિલ્ડ્સ, રસ્તાના અવરોધો અને તોડી પાડવામાં આવેલા પુલો પર કબ્જે લીધા અને આખરે શહેરને કબ્જે કરવામાં મદદ કરી.

 

ભારતીય વાયુસેનાનું ડાબોલિમ એરપોર્ટ ઉપર વિસ્ફોટક હુમલો

    એલા ઐરવોરફેર કેમ ભુલાઈ, પ્રથમ ભારતીય એર-રેઇડ(હુમલા)નું નેતૃત્વ વિંગ કમાન્ડર એન.બી. મેનન 18 ડિસેમ્બરે ડાબોલિમ એરપોર્ટ પર 12 અંગ્રેજી ઇલેક્ટ્રિક કેનબેરા એરક્રાફ્ટનો ઉપયોગ કરીને 63,000 પાઉન્ડના વિસ્ફોટકો મિનિટોમાં છોડવામાં આવ્યા હતા, જેણે રનવેનો સંપૂર્ણ નાશ કર્યો હતો. વિંગ કમાન્ડર સુરિન્દર સિંઘની આગેવાની હેઠળના આઠ કેનબેરા દ્વારા એ જ લક્ષ્ય પર બીજો એર અટેક કરવામાં આવ્યો હતો, છ હોકર હન્ટર વડે ત્રીજો ભારતીય એઇર-રેડ બામ્બોલિમ ખાતેના વાયરલેસ સ્ટેશનને રોકેટ અને તોપો વડે સફળતાપૂર્વક નિશાન બનાવીને તોડી પાડવામાં આવ્યો હતો.

 

અંજીદિવના હુમલામાં શહીદ થયેલા સાત મરીનોએ લખી દેશભક્તિના પાને

    અંજીદિવ પોર્ટુગીઝ ભારતનો એક નાનો 1.5 વર્ગકિ.મી.નો ટાપુ હતો, ઈ ટાણે લગભગ નિર્જન જેવો જ હતો,ને ગોવા જિલ્લામાં પડતો, ઈ ભારતના કર્ણાટકના દરિયાકાંઠે છે. ટાપુ માથે 16મી સદીનો અંજીદિવ કિલ્લો ઊભો હતો, જેનો પોર્ટુગીઝ આર્મીના ગોઅન સૈનિકોની પ્લાટૂન દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો. ભારતીય નૌકા કમાન્ડે ક્રુઝર INS મૈસૂર અને ફ્રિગેટ INS ત્રિશુલને અંજીદિવને કબ્જે લેવાનું કાર્ય સોંપ્યું હતું. જહાજોમાંથી કવરિંગ આર્ટિલરી ફાયર હેઠળ, લેફ્ટનન્ટ અરુણ ઓડિટ્ટોના કમાન્ડ હેઠળ ભારતીય મરીન 18 ડિસેમ્બરના રોજ 14:25 વાગ્યે ટાપુ પર હુમલો કર્યો અને પોર્ટુગીઝ ચોકી સાથે બાધણમાં ઉતરી, આ હુમલો નિષ્ફ્ળ થયો હતો અને સાત ભારતીય મરીન શાહિદ થયા હતા અને 19 ઘાયલ થયા હતા. 


પોર્ટુગીઝોના અંતિમ પ્રતિરોધનો અંત

    ભારતીય શહીદોમાં બે અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ભારતીય જહાજોએ ઓફશોર તરફથી ભીષણ તોપમારા પછી પોર્ટુગીઝ ચોંકીને આખરે ઉથલાવી દીધી,  બીજા દિવસે 14:00 વાગ્યે ભારતીયો દ્વારા આ ટાપુ કબ્જે લેવામાં આવ્યો હતો, બે કોર્પોરલ અને એક ખાનગી સિવાયના તમામ પોર્ટુગીઝ ડિફેન્ડરોને પકડવામાં આવ્યા હતા. ખડકોમાં છુપાયેલા, એક કોર્પોરલે 19 ડિસેમ્બરે આત્મસમર્પણ કર્યું. બીજાને 20 ડિસેમ્બરની બપોરે પકડવામાં આવ્યો હતો, ત્રણમાંથી છેલ્લો, ગોઆન ખાનગી "મેન્યુઅલ કેટેનો (નામ)" 22 ડિસેમ્બરે, તરીને ભારતીય કિનારે પહોંચ્યા પછી, પકડાયેલો ભારતમાં છેલ્લો પોર્ટુગીઝ સૈનિક બન્યો.

 

મોર્મુગાઓ બંદર યુદ્ધ : અફોન્સો ડી આલ્બુકર્ક સામે INS બેટવા-બિયાસનો સામનો

    18 ડિસેમ્બરની સવારે, પોર્ટુગીઝ સ્લૂપ એનઆરપી અફોન્સો ડી આલ્બુકર્કને મોર્મુગાઓ બંદર પર લંગર કરવામાં આવી હતી. 09:00 વાગ્યે, INS બેટવા (F139) ની આગેવાની હેઠળના ત્રણ ભારતીય ફ્રિગેટ્સે બંદરની બહાર સ્થાન લીધું, અફોન્સો પર હુમલો કરવાના આદેશની રાહ જોતા બેઠા, 11:00 વાગ્યે, ભારતીય વિમાનોએ મોર્મુગાઓ બંદર પર બોમ્બમારો કર્યો. 12:00 વાગ્યે, ક્લિયરન્સ મળ્યા પછી, INS બેટવા અને INS બિયાસ (F137) બંદરમાં પ્રવેશ્યા અને શોટ વચ્ચે મોર્સ કોડમાં શરણાગતિની વિનંતીઓ પ્રસારિત કરતી વખતે તેમની 4.5-ઇંચની બંદૂકો સાથે અફોન્સો પર ફાયરિંગ કર્યું. જવાબમાં, અફોન્સોએ એન્કર ઉપાડ્યું, દુશ્મન તરફ આગળ વધ્યું અને તેની 120 મીમી બંદૂકો સાથે ગોળીબાર કર્યો. 


વિસ્ફોટ, આગ અને શરણાગતિ : પોર્ટુગીઝ નૌકાદળનો અંત

    12:25 વાગ્યે, ભારતીય જહાજમાંથી ફાયર કરવામાં આવેલ એન્ટી-પર્સનલ શ્રાપનલ બોમ્બ સીધો અફોન્સો પર વિસ્ફોટ થયો, તેના રેડિયો અધિકારીનું મૃત્યુ થયું અને તેના કમાન્ડર, કેપ્ટન એન્ટોનિયો દા કુન્હા અરાગોને ગંભીર ઈજા થઈ, ત્યારબાદ પ્રથમ અધિકારી પિન્ટો દા ક્રુઝે પોર્ટુગીઝ નેવી જહાજ અફોન્સો ડી આલ્બુકર્કની કમાન સંભાળી. આખરે 12:50 વાગ્યે, અફોન્સોએ ભારતીયો પર લગભગ 400 રાઉન્ડ ગોળીબાર કર્યા પછી, બે ભારતીય જહાજોને અથડાયા અને તેને ભારે નુકસાન પહોંચાડ્યું, પછી જહાજને છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો. સ્લૂપના ક્રૂએ 19 ડિસેમ્બર 1961ના રોજ 20:30 વાગ્યે બાકીના પોર્ટુગીઝ દળો સાથે ઔપચારિક રીતે આત્મસમર્પણ કર્યું. ભારતીય નૌકાદળ દ્વારા અફોન્સો- કબ્જે લઇ તેનું નામ બદલીને 'સરવસ્ત્રી' કરવામાં આવ્યું, ઈ 1962 સુધી ડોના પૌલા નજીક દરિયાકિનારે પડ્યું હતું, પછી એને બોમ્બે લઈ જઈને ભંગારમાં વેચવામાં આવ્યું હતું. જહાજના અમુક-ભાગોને પુનઃપ્રાપ્ત કરીને મુંબઈના નેવલ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

 

શાંતિના સંકેત : ગ્રેગોરીયો મેગ્નો દ્વારા યુદ્ધવિરામની ઓફર

    20:00 એટલે કે રાતે આઠ વાગ્યે, ગ્રેગોરીઓ મેગ્નો એન્ટાઓ નામના વ્યક્તિએ પણજીથી માંડોવી નદી પાર કરી અને પોર્ટુગીઝ આર્મીના મેજર એકાસિયો ટેનરેરો તરફથી ભારતીય 7મી કેવેલરીના કમાન્ડિંગ ઓફિસર મેજર શિવદેવ સિંહ સિદ્ધુને યુદ્ધવિરામનો પ્રસ્તાવ પત્ર આપ્યો. પત્રમાં લખ્યું હતું: "ગોવા શહેરના લશ્કરી કમાન્ડર જણાવે છે કે તેઓ શરણાગતિના સંદર્ભમાં ભારતીય સંઘની સેનાના કમાન્ડર સાથે વાતચીત કરવા ઈચ્છે છે. આ શરતો હેઠળ, પોર્ટુગીઝ સૈનિકોએ તાત્કાલિક ગોળીબાર બંધ કરવો અને ભારતીય સૈનિકો શહેરના વિનાશને રોકવા માટે તે જ રીતે કરો."

 

કિલ્લો અગુઆડા : શરણાગતિની અપેક્ષા અને શહીદોના સંઘર્ષ

    પણ એક તરફ મેજર શિવદેવ સિંહ સિદ્ધુને બાતમી મળી કે અસંખ્ય ભારતીય સમર્થકોને ફોર્ટ અગુઆડામાં કેદ કરી રાખ્યા છે, એટલે તેઓએ 7મી ઘોડેસવાર દળ સાથે ફોર્ટ અગુઆડા પર કબજો કરવા અને તેની શરણાગતિ સ્વીકારવાનું નક્કી કર્યું. પણ કિલ્લાના પોર્ટુગીઝ રક્ષકોને શરણાગતિનો આદેશ મળ્યો ન હતો અને ભારતીય દળો પર ગોળીબાર કરીને જવાબ આપ્યો હતો, મેજર સિદ્ધુ અને કેપ્ટન વિનોદ સહગલ આ ગોળીબારમાં શહિદ થયા હતા. ભારતીય દળોને મંડોવી નદી પાર કરવાનો આદેશ 19 ડિસેમ્બરની સવારે મળ્યો હતો, જેના પર 2જી શીખ લાઇટ ઇન્ફન્ટ્રીની બે રાઇફલ કંપનીઓ 07:30 વાગ્યે પણજી પર આગળ વધી હતી અને કોઈપણ પ્રતિકારનો સામનો કર્યા વિના શહેરને કબ્જે કર્યું હતું. બ્રિગેડિયર સગત સિંહના આદેશ પર, પણજીમાં પ્રવેશતા સૈનિકોએ તેમના સ્ટીલ હેલ્મેટ દૂર કર્યા અને પેરાશૂટ રેજિમેન્ટના મરૂન બેરેટ્સ પહેર્યા. તે દિવસે અગુઆડાનો કિલ્લો પણ કબજે કરવામાં આવ્યો હતો, જ્યારે ભારતીય 7મી કેવેલરીએ બેટીમ ખાતે તૈનાત સશસ્ત્ર વિભાગની સહાયથી હુમલો કર્યો હતો અને તેના રાજકીય કેદીઓને મુક્ત કર્યા હતા.

 

દમણના યુદ્ધભૂમિ પર ધમાકેદાર પ્રવેશ : પોર્ટુગીઝોની તૈયારી અને રક્ષણ

    ગોવા સિવાય દમણમાંય લપ ચાલુ હતી, દમણમાં પોર્ટુગીઝ ચોકીનું નેતૃત્વ મેજર એન્ટોનિયો જોસ દા કોસ્ટા પિન્ટો (ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને લશ્કરી કમાન્ડરની ભૂમિકાઓનું સંયોજન) ના હાથમાં હતું, એમાં પોર્ટુગીઝ આર્મીના 360 સૈનિકો, 200 પોલીસકર્મીઓ અને લગભગ 30 કસ્ટમ અધિકારીઓ હતા. સૈન્ય દળોમાં કાકાડોર્સ (light infantry) ની બે કંપનીઓ અને આર્ટિલરી બેટરીનો સમાવેશ થતો હતો, જે યુદ્ધ જૂથ "કોન્સ્ટેન્ટિનો ડી બ્રાગાન્કા" તરીકે ગોઠવવામાં આવતું'તું. આર્ટિલરી બેટરી 87.6 મીમી બંદૂકો હતી, પણ એની પાંહે અપૂરતો અને જૂનો દારૂગોળો હતો. પોર્ટુગીઝોએ તોપખાનાના રક્ષણ માટે આક્રમણના દસ દિવસ પહેલા 20 મીમીની વિમાન વિરોધી બંદૂક પણ મૂકી હતી. દમણને નાના માઇનફિલ્ડ્સથી સુરક્ષિત કરવામાં આવ્યું હતું અને રક્ષણાત્મક આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા હતા. 


પ્રિ-ડોન ઓપરેશન : 1લી મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીનો ધસારો

    18 ડિસેમ્બરના રોજ pre-dawn ઓપરેશનમાં લેફ્ટનન્ટ-કર્નલ એસજેએસ ભોંસલેના કમાન્ડ હેઠળ 1લી મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી બટાલિયન દ્વારા દમણને કબ્જે કરવા આગળ વધી. 04:00 વાગ્યે એક બટાલિયન અને ભારતીય સૈનિકોની ત્રણ કંપનીઓ એરફિલ્ડને કબજે કરવાના લક્ષ્ય સાથે ઉત્તરીય પ્રદેશના મધ્ય વિસ્તારમાંથી આગળ વધી. ભારતીય 'એ કંપનીએ' કંટ્રોલ ટાવરને કબજે કરવાનો પ્રયાસ કર્યો અને ત્રણ જાનહાનિ થઈ, પોર્ટુગીઝોએ એક સૈનિક ગુમાવ્યો અને છને બંદી બનાવી લીધા. ભારતીય ડી કંપનીએ બીજા દિવસે સવાર પહેલા "પોઇન્ટ 365" નામકે સ્થાન કબજે કર્યું. પરોઢના સમયે, ભારતીય વાયુસેનાના Mystère fighters દ્વારા બે ઉડાણ માંમોટી દમણ કિલ્લાની અંદર પોર્ટુગીઝ મોર્ટાર પોઝીશન અને બંદૂકો પર પ્રહાર કર્યો. 04:30 વાગ્યે, ભારતીય આર્ટિલરીએ ડામાઓ ગ્રાન્ડે પર બોમ્બમારો શરૂ કર્યો, 07:30 વાગ્યે, સાઓ જેરોનિમોના કિલ્લા પર એક પોર્ટુગીઝ યુનિટે એરસ્ટ્રીપ કબજે કરવાનો પ્રયાસ કરી રહેલા ભારતીય દળો પર મોર્ટાર છોડ્યા હતા. 


વરાકુંડા સરહદે ટક્કર અને પોર્ટુગીઝોની પલાયન કથા

    11:30 વાગ્યે, પોર્ટુગીઝ સેના વરાકુંડામાં પૂર્વીય સરહદ પર ભારતીય સેનાનો સામનો કરતી'તી ને એનો દારૂગોળો ખતમ થઈ ગયો પછી તો પશ્ચિમ માં કાત્રા તરફ પાછા ભાગ્યા. 12:00 વાગ્યે પોર્ટુગીઝ કેપ્ટન ફેલ્ગુઇરાસ ડી સોસાએ ભારતીય સેના પાસે આત્મ-સમર્પણ કર્યું. ભારતીયોએ બીજા દિવસે સવારે એરફિલ્ડ પર હુમલો કર્યો, જેના પર પોર્ટુગીઝોએ 11:00 વાગ્યે કોઈ લડાઈ વિના આત્મસમર્પણ કર્યું. આશરે 600 પોર્ટુગીઝ સૈનિકો અને પોલીસમેન (24 અધિકારીઓ સહિત)ને કેદી તરીકે લેવામાં આવ્યા હતા. 1લી લાઇટ મરાઠા પાયદળને કમાન્ડિંગ ઓફિસર માટે એક VSM, બે સેના મેડલ વડે યુદ્ધ માટે શણગારવામાં આવી હતી. દમણ સેક્ટરમાં, ભારતીય Mystères વિમાનોએ પોર્ટુગીઝ આર્ટિલરી પોઝિશન્સને સતત હેરાન કરીને 14 ઉડાનો ભરી હતી. વળી નેવલ બેટલમાં સેકન્ડ લેફ્ટનન્ટ એબ્રેયુ બ્રિટોના કમાન્ડ હેઠળ દમણ સ્થિત પોર્ટુગીઝ પેટ્રોલિંગ બોટ NRP એન્ટારેસને બહાર નીકળવા અને નિકટવર્તી ભારતીય આક્રમણ સામે લડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પણ ભારતમાં તમામ પોર્ટુગીઝ એન્ક્લેવ પર કુલ કબજો દર્શાવતી તમામ માહિતી સાથે, લેફ્ટનન્ટ બ્રિટોએ ભાગીને તેમના ક્રૂ અને જહાજને બચાવવાનું નક્કી કર્યું; વેગાએ 530 માઈલ (850 કિમી)નું અંતર કાપ્યું હતું, જે ભારતીય દળોની શોધમાંથી બચીને 20 ડિસેમ્બરે 20:00 વાગ્યે કરાચી પહોંચ્યું હતું.

 

દીવના કિલ્લામાં ધમાકેદાર યુદ્ધ અને INS દિલ્હીનો બેરેજ ફાયર

    દીવમાંય પોર્ટુગીઝો જ હતા ન, તે ન્યાંથીય ભગાડવાતો પડે ને, દીવમાં પોર્ટુગીઝ ગેરીસનનું નેતૃત્વ મેજર ફર્નાન્ડો ડી અલમેડા ઈ વાસ્કોનસેલોસ (જિલ્લા ગવર્નર અને લશ્કરી કમાન્ડર) દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 400 સૈનિકો અને પોલીસ અધિકારીઓ હતા, જેનું યુદ્ધ જૂથ "એન્ટોનિયો દા સિલ્વેરા" તરીકે આયોજન કરવામાં આવ્યું હતું. દીવ પર 18મી ડિસેમ્બરે 20મી રાજપૂત બટાલિયનની બે કંપનીઓ દ્વારા ઉત્તર પશ્ચિમથી હુમલો કરવામાં આવ્યો હતો-જેમાં દીવ કોબ ફોર્ટ અને એરફિલ્ડને કબજે કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો-અને ઉત્તરપૂર્વથી ગોગલ અને આમદેપુર સાથે રાજપૂત બી કંપની અને 4થી મદ્રાસ બટાલિયને હમલો કર્યો હતો. 


તોફાની હુમલાં: વાયુસેનાની બોમ્બબારી અને વેગાનું પલાયન

    વાયુસેના એ પ્રથમ હવાઈ હુમલો 18 ડિસેમ્બરના રોજ સવારના સમયે કર્યો, તેનો ઉદ્દેશ્ય દીવની કિલ્લેબંધીનો નાશ કરવાનો હતો. પૂણે સ્થિત ટેક્ટિકલ એર કમાન્ડના આદેશ પર, બે તુફાનીઓએ 4 1000 lb Mk 9 બોમ્બ વડે એરફિલ્ડ રનવે પર હુમલો કર્યો અને તેનો નાશ કર્યો. ભારતીય નૌસેના ના ક્રુઝર INS દિલ્હીને દીવના કિનારે લાંગરવામાં આવ્યું હતું અને તેણે પોર્ટુગીઝના કબજા હેઠળના દીવ કિલ્લા પર તેની 6 ઇંચની બંદૂકોથી બેરેજ ફાયર કર્યું હતું. 18 ડિસેમ્બરના રોજ 04:00 વાગ્યે, પોર્ટુગીઝ પેટ્રોલિંગ બોટ NRP વેગાએ દીવના દરિયાકિનારે લગભગ 12 માઈલ (19 કિમી) દૂર દિલ્હીનો સામનો કર્યો અને તેના પર ભારે મશીનગન ફાયરથી હુમલો કરવામાં આવ્યો. 07:00 વાગ્યે, સમાચાર પ્રાપ્ત થ્યા'તા કે ભારતીય આક્રમણ શરૂ થઈ ગયું છે, અને વેગાના કમાન્ડર, 2જી લેફ્ટનન્ટ ઓલિવિરા ઈ કાર્મોને દારૂગોળાના છેલ્લા રાઉન્ડ સુધી બહાર નીકળીને લડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 


દીવમાં પોર્ટુગીઝોની ઔપચારિક શરણાગતિ અને કેદીઓની સંખ્યા

    07:30 વાગ્યે વેગાના ક્રૂએ Fltના નેતૃત્વમાં બે ભારતીય વિમાન જોયા. લેફ્ટનન્ટ પીએમ રામચંદ્રન પેટ્રોલિંગ મિશન પર હતા અને જહાજની 20mm ઓર્લિકોન ગન વડે તેમના પર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં ભારતીય વિમાને વેગા પર બે વાર હુમલો કર્યો, જેમાં કેપ્ટન અને ગનર માર્યા ગયા અને બાકીના ક્રૂને બોટ છોડીને કિનારે તરવા માટે મજબૂર કર્યા, જ્યાં તેમને પકડીને યુદ્ધના કેદીઓ તરીકે લઈ કેદ કરવામાં આવ્યા. 19 ડિસેમ્બરે, 12:00 વાગ્યા સુધીમાં, પોર્ટુગીઝોએ ઔપચારિક રીતે આત્મસમર્પણ કર્યું. ભારતીયોએ 403 કેદીઓને લીધા હતા, જેમાં 18 અધિકારીઓ અને 43 સાર્જન્ટ્સ સાથે દીવ ટાપુના ગવર્નરનો સમાવેશ થતો હતો.

 

યુનાઇટેડ નેશનમાં ગોવા વિવાદ અને ભારતની દલિલોનો ધમધમાટ

    ભારતનો મામલો હોય એટલે યુએન ડહાપણ નો કરે ઈ કેમ હાલે? 18મી ડિસેમ્બરે ગોવાના સંઘર્ષ ઉપર ચર્ચા માટે પોર્ટુગલે UN Security Councilને વિનાનાંતી કરી, હવે આ વિનંતીને સાત દેશો (US, UK, France, Turkey, Chile, Ecuador, and Taiwan) એ સમર્થ આપ્યું એટલે મંજૂરી મળી, જો કે બે દેશોએ વિરોધ કર્યો (સોવિયેત યુનિયન અને સિલોન), અને બેએ abstain કર્યું (સંયુક્ત આરબ રિપબ્લિક અને લાઇબેરિયા). ચર્ચા-વિચારણા શરુ થઇ એટલે પોર્ટુગલના પ્રતિનિધિ 'વાસ્કો વિએરા ગેરિને' જણાવ્યું કે ભારતની ઉશ્કેરણીભરી કાર્યવાહી સામે પોર્ટુગલે શાંતિથીપૂર્ણ ઈરાદાઓ આગળ કર્યા હતા, વળી ઉમેર્યું કે ભારતીય સેનાએ સામે ઘણી જ જૂજ સંખ્યામાં હોવા છતાં બહાદુરીપૂર્વક સામનો કર્યો. 


ભારતના પ્રતિનિધિ સી.એસ. ઝાની "કોલોનીઅલિઝમ વિરુદ્ધ શ્રદ્ધા"ની ધ્વનિ

    ત્યારે ભારતના પ્રતિનિધિએ સી.એસ. ઝાએ કહ્યું કે, "ભારતમાંથી આ સંસ્થાનવાદ (colonialism)ને દૂર કરવો એ શ્રદ્ધાના વિષય સમાન છે." એટલે જગત-જમાદારે તરત સીટી વગાડતા યુએસ પ્રતિનિધિ, એડલાઈ સ્ટીવનસને, પોર્ટુગલ સાથેના તેના વિવાદને ઉકેલવા માટે ભારતના બળના ઉપયોગની આકરી ટીકા કરી, જવાબમાં, સોવિયેત પ્રતિનિધિ, વેલેરીયન ઝોરીને દલીલ દીધી કે ગોઆનો પ્રશ્ન સંપૂર્ણપણે ભારતના સ્થાનિક અધિકારક્ષેત્રમાં છે અને સુરક્ષા પરિષદ દ્વારા તેના પર વિચારણા કરવી ઠીક નથી. પછી બે ઠરાવ રજૂ થયા'તા, પણ સોવિયેતે વિટો કરીને ઠરાવ રદ કર્યો હતો.

 

Scorched Earth Policy: પોર્ટુગીઝ રાષ્ટ્રપતિનો વિનાશક આદેશ

    પાછું આ પોર્ટુગીઝ રાષ્ટ્રપતિ એક આદેશ જાહેર કર્યો'તો, કે ગોવાને ભારતીયોને સોંપવામાં આવે તે પહેલાં scorched earth policy ની રીતે ગોવાનો નાશ કરવામાં આવે. scorched earth policy એટલે તમામ ઉભા પાક, તથા સંસાધનોનો સંપૂર્ણપણે નાશ કરવો જેથી દુશ્મનોને તે નિરુપયોગી નીવડે.

 

મેન્યુઅલ એન્ટોનિયો વાસાલો ઇ સિલ્વાનું શરણાગતિ પત્ર

    સત્તાવાર પોર્ટુગીઝ શરણાગતિ 19 ડિસેમ્બરના રોજ 20:30 કલાકે આયોજિત ઔપચારિક સમારંભમાં કરવામાં આવી હતી જ્યારે ગવર્નર જનરલ મેન્યુઅલ એન્ટોનિયો વાસાલો ઇ સિલ્વાએ ગોવામાં પોર્ટુગીઝ શાસનના 451 વર્ષનો અંત લાવવાના શરણાગતિના કાગળો પર હસ્તાક્ષર કર્યા હતા. કુલ મળીને, 4,668 કર્મચારીઓને ભારતીયો દ્વારા કેદી લેવામાં આવ્યા હતા - જેમાં લશ્કરી અને નાગરિક કર્મચારીઓ, પોર્ટુગીઝ, આફ્રિકન અને ગોઆનનો સમાવેશ થાય છે. પોર્ટુગીઝ ગવર્નર જનરલના શરણાગતિ પર, ગોવા, દમણ અને દીવને સંઘ પ્રશાસિત કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા હતા જે સીધા ભારતના રાષ્ટ્રપતિ હેઠળ મૂકવામાં આવ્યા હતા, અને મેજર-જનરલ કે.પી. કેન્ડેથને તેના લશ્કરી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. યુદ્ધ બે દિવસ ચાલ્યું હતું અને તેમાં 22 ભારતીય અને 30 પોર્ટુગીઝના જીવ ગયા હતા.

 

વૈશ્વિક પ્રતિસાદ: આફ્રિકા, ઘાના, મોઝામ્બિક અને સાઓ જોઆઓના સંદેશા

    હવે ઈ વખતે ઘણા દેશોએ ભારતનું સમર્થ કરતા નિવેદનો દીધા હતા, એમાંથી આફ્રિકન રાજ્યોએ કહ્યું હતું કે, ભારત પોર્ટુગલ પ્રત્યે નરમ વલણ રાખતું હતું જેથી દુનિયાભરમાં અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના ઉત્સાહમાં ઓટ આવતી હતી. ઘણા આફ્રિકન પ્રદેશો ગોરાઓની ગુલામી હેઠળ હતા. રેડિયો ઘાનાએ આ કાર્યવાહીને "ગોવાની મુક્તિ" તરીકે ઓળખાવ્યું અને આગળ કહ્યું કે ઘાનાના લોકો "એ દિવસની રાહ જોશે જ્યારે અંગોલા અને આફ્રિકાના અન્ય પોર્ટુગીઝ પ્રદેશોમાં અમારા ભાઈઓ આઝાદ થશે." મોઝામ્બિક નેશનલ ડેમોક્રેટિક યુનિયનના નેતા એડેલિનો ગ્વામ્બે જણાવ્યું: "અમે પોર્ટુગીઝ કસાઈઓ સામે બળના ઉપયોગને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ." 1961 માં પણ, સાઓ જોઆઓ બાપ્ટિસ્ટા ડી અજુડાના કિલ્લાના નાના પોર્ટુગીઝ એન્ક્લેવને ડાહોમી (હવે બેનિન) પ્રજાસત્તાક દ્વારા જોડવામાં આવ્યું હતું. 


સોવિયેત યુનિયન, યુનાઇટેડ આરબ રિપબ્લિક અને ટ્યુનિશિયાનું સમર્થન

    પોર્ટુગલે 1975 માં જોડાણને માન્યતા આપી હતી. સોવિયેત યુનિયનના ભાવિ નેતા, લિયોનીદ બ્રેઝનેવ, જે યુદ્ધ સમયે ભારતનો પ્રવાસ કરી રહ્યા હતા, તેમણે ભારતીય કાર્યવાહીને બિરદાવતા અનેક ભાષણો કર્યા હતા. ડી ફેક્ટો સોવિયેત નેતા નિકિતા ખ્રુશ્ચેવે નેહરુને ટેલિગ્રાફ કરીને કીધું'તું કે દરેક સોવિયેત નાગરિક તરફથી "મૈત્રીપૂર્ણ ભારત" માટે "સર્વસંમત સ્નેહ" હતા. યુએસએસઆરએ અગાઉ ગોવાના ભારતીય જોડાણની નિંદા કરતા યુએન સુરક્ષા પરિષદના ઠરાવને વીટો પણ કર્યો હતો. યુનાઈટેડ આરબ રિપબ્લિકે ભારતના "તેના કબજા હેઠળના પ્રદેશને ફરીથી મેળવવાના કાયદેસરના પ્રયાસો" માટે તેનું સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું. મોરોક્કન સરકારના પ્રવક્તાએ કહ્યું કે "અહિંસક ભારતની ધીરજ ને હિંસા પાછળ ધકેલવા એકમાત્ર પોર્ટુગલ જ કારણભૂત છે." વળી ટ્યુનિશિયાના વિદેશી બાબતોના રાજ્ય સચિવ, સાદોક મોકાદ્દેમે આશા વ્યક્ત કરી હતી કે "ગોવાની મુક્તિ આફ્રિકામાં પોર્ટુગીઝ સંસ્થાનવાદી શાસનનો અંત નજીક લાવશે." સિલોનમાં ભારતની કાર્યવાહી માટે સંપૂર્ણ સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું, વડા પ્રધાન સિરીમાવો બંદરનાઈકેએ 18 ડિસેમ્બરના રોજ આદેશ જારી કર્યો હતો કે "ગોવામાં પોર્ટુગીઝ માટે સૈનિકો અને સાધનો વહન કરતા વાહનવ્યવહારને સિલોનના બંદરો અને એરપોર્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં."

 

યુએસની આકરી ટીકા અને ન્યૂ યોર્ક ટાઈમ્સનું આક્ષેપજનક લેખન

    ઘણા ભારતીય સૈન્ય કાર્યવાહીની નિંદા અને અસમર્થન પણ કરતા હતા એમાં એક હતું US, ગોવામાં ભારતીય કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરવા માટે, યુએસ સેનેટની વિદેશ સંબંધો સમિતિએ પ્રમુખ જ્હોન એફ. કેનેડીના વાંધાને ધ્યાનમાં રાખીને, ભારતને 1962ની વિદેશી સહાયની ફાળવણીમાં 25 ટકાનો ઘટાડો કરવાનો પ્રયાસ કર્યો. વળી 19 ડિસેમ્બર 1961ના રોજ ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે "India, The Aggressor" શીર્ષકવાળા લેખમાં જણાવ્યું હતું કે "ગોવા પરના તેમના આક્રમણથી વડાપ્રધાન નેહરુએ ભારતના સારા નામ અને આંતરરાષ્ટ્રીય નૈતિકતાના સિદ્ધાંતોને અપૂર્વીય નુકસાન પહોંચાડ્યું છે." તાજું તાજું ભારતમાંથી ભાંગેલું યુકે એ પણ ભારતની આ સૈન્ય કાર્યવાહીની નિંદા કરી હતી. નેધરલેન્ડનું સૌથી મોટું ડચ સીટી ધ હેગમાં એના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ખેદ વ્યક્ત કર્યો હતો, પાછી ડચ પ્રેસમાં આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ગોવા પર ભારતીય હુમલો ઇન્ડોનેશિયાને પશ્ચિમ ન્યૂ ગિની પર સમાન હુમલો કરવા પ્રોત્સાહિત કરી શકે છે.


બ્રાઝિલનો વિરોધ, પાકિસ્તાનની નારાજગી અને ચીન અને ચર્ચના અસ્પષ્ટ નિવેદનો

    પૃથ્વી ઉપર સૌથી વધુ મતલબી પ્રજા હોય ને તો ઈ યુરોપિયનો જ હશે? બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જુસેલિનો કુબિત્શેકે,10 જૂન 1962 Rio de Janeiroમાં એક ભાષણમાં ભારતીય પીએમ નેહરુને કહ્યું કે "સિત્તેર મિલિયન બ્રાઝિલિયનો ક્યારેય ગોવા વિરુદ્ધ હિંસાનું કૃત્ય સમજી શકતા નથી અને સ્વીકારી શકતા નથી." વળી બ્રાઝિલના કોંગ્રેસમેન ગિલ્બર્ટો ફ્રેયરે ગોવાના જોડાણ પર એવી ઘોષણા કરીને ટિપ્પણી કરી કે "પોર્ટુગીઝનો ઘા બ્રાઝિલની પીડા છે." એલા આજે લોટ હાટુ લાઈનું લગાડતું પાકિસ્તાન તે દી 18 ડિસેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં, પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ગોવા પરના ભારતીય હુમલાને "નગ્ન લશ્કરવાદ" ગણાવ્યો હતો. 2 જાન્યુઆરી 1962ના રોજ અમેરિકી પ્રમુખને લખેલા પત્રમાં પાકિસ્તાનના પ્રમુખ જનરલ અયુબ ખાને કહ્યું: "મારા પ્રિય રાષ્ટ્રપતિ, ભારત દ્વારા ગોવા પર બળજબરીપૂર્વક કબજો જમાવવો એ દર્શાવે છે કે, ભારતને જયારે લાગશે કે પ્રતિદ્વંદી નબળો છે તો તે ક્યારેય હુમલો કરવામાં અચકાશે નહીં." અને હા, ચીન અને કેથોલી ચર્ચે ત્યારે અસ્પષ્ટ નિવેદનો દીધા'તા.

 

    ભારતનું કામકાજ પેલ્લેથી જ સ્પષ્ટ છે, કોઈ પણ કામ કોઈ પણ ભોગે કરવું છે એટલે કરવું છે, નથી કરવું એટલે નથી જ કરવું. ચોખીને ચટ વાત. ભલે અહિંસક નીતિવાદના ધોરણ હેઠળ પણ જયારે ભારતીય હિત ઉપર વાત આવે ત્યારે ભારતના રાજચિન્હનાં ચારેય સિંહો ચાહું દિશામાં ગર્જના કરતા ભારતીય સામર્થ્યને ચિહ્નિત કરે છે, ટૂંકમાં ભારતીય સેનાએ સામે જે પડે છે એને ઘડીકમાં ધૂળ ચટાડતા કરી દે ઈ ભારતીય સેનાએ..

 

    જય હિન્દ, જય હિંદની સેના..!!


***


#OperationVijay1961 #PortugueseIndia #GoaLiberation #PortugueseColonialism #HistoryInGujarati #DilawarsinhInsights #Goa1961 #IndianMilitaryHistory #GlobalReactions #વૈશ્વિકરાજનીતિ


***

1857ની ક્રાંતિ અને આઉવાના કુશાલસિંહ.. (READ HERE)

Post a Comment

0Comments
Post a Comment (0)