"કચ્છના વનપંથમાં ભેડમાતાની શાંતિથી લઈ ખેંગારસાગર ડેમના ઝરણાં સુધી: સ્વતંત્રતાદિને એક સાહસિક મોટરસાયકલ યાત્રા"

0

કચ્છની ગુપ્ત પવનયાત્રા: ભેડમાતાથી ખેંગારસાગર ડેમ સુધી સાહસ અને શાંતિની મોટરસાયકલ સફર

    ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૩.

Rakhadpatti na shokhin Dilawarsinh..!

પ્રારંભ: 15 ઓગસ્ટની સવાર અને યાત્રાનો આરંભ

    હમણાંથી ખાસ કાંઈ લખવાનું ઉકલતું નથી, ને નથી ઉકલતું ક્યાંય રખડવાનું.. બસ, રોજ આ ખીલેથી ઓલે ખીલે ઢોર બંધાય એવો જ જીવનક્રમ હાલ્યે રાખતો હતો..! સવાર પડે ને ઇનું ઇજ ઠઠડીયું મોટરસાયકલ લઈને નોકરીએ નીકળી જવાનું ને રાત પડ્યે પાછું ઘર..!


    કોઈ દી નહિ ને કાલ વળી કંપની માલિક ને શું સૂઝ્યું તે કે, "अरे कल तो पंद्रहवी अगस्त है, ध्वजवंदन करेंगे, सारी तैयारियां करवा देना हाँ, और हाँ, एक काम करते है, भंडारा किये काफी वक्त हो गया है, तो नास्ते का भी इन्तेजाम करवा लो..! ઈય સમી સાંજે ધડાધડ આદેશો છૂટી ગયા, કાંક ઉજમ તો આવ્યો હો મનેય..! ઘા એ ઘા એક ને બજાર દોડાવ્યો, રાષ્ટ્રધ્વજ મંગાવ્યો, ચડ્યે ઘોડે ચોટીલા લેવું'તું તે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે લોખંડનો પાઇપ નો તો બંદોબસ્ત નો થયો પણ લાકડા-મિલ માંથી એક ૧૫-૧૬ ફૂટ ની વરી મળી ગઈ ઇ ખોડાવી. થોડેક દૂર એક નાસ્તા વાળો છે, બિહારી છે, પણ સમોસા અફલાતૂન બનાવે..! તે એને ફોન કરીને ૫૦૦ સમોસાનો ઓર્ડર કરી દીધો, ને ભેગોભેગ જલેબીયું ય! હવે ગરમાગરમ સમોસા હોય તો ભેળું કાંક ઠંડુ ય હોવું પડે ને.. તે ઓલ્યા થમ્સઅપ, ને મીરીંડા, ને સ્પ્રાઇટ ના મોટા બાટલા ય ઓર્ડર કર્યા..! 


    આજ સવારે જાગવામાં થોડુંક મોડું થઈ ગયું, નિત્યક્રમ પતાવીને જગન્નાથને નમીને ઓફીસ ગયો તયે ૧૦ વાગી ગ્યા'તા. ધ્વજવંદનની તૈયારીયું થઈ ગઈ'તી. લેબર એટલી ઉત્સાહિત હતી કે કોક રંગોળી કરતો'તો, કોક ફૂલડાં થી સજાવટ કરતો'તો, એક જણા એ અસલ રાષ્ટ્રધ્વજ માં ફૂલડાં વીંટીને સરકણી ગાંઠ બાંધીને અસલ ધ્વજ બાંધી દીધો, એકે એમ્પ્લીફાઇર અને સ્પીકર ગોઠવી ને દેશભક્તિના ગીતો ચડાવ્યા..! માહોલ એવો ગોઠવાઈ ગયો હતો, એટલો ઉત્સાહ હતો બધામાં કે વાત લખાય એમ નથી..! અને જ્યારે તિરંગો દોરી ખેંચતા જ લહેરાવા લાગ્યો, અને બધા એ એકીસાથે રાષ્ટ્રગીત નું ગાન કર્યું.. ઓહોહો..! આ ભાવના મનમાં ભરીને, શેઠિયાની રજા લીધી, સરકારી છુટ્ટીને લીધે કામ તો બંધ હતું, એટલે થયું હાલો રખડવા..!


યાત્રા માટે મોટરસાયકલની તૈયારી

    ઈચ્છા ઉપડી જ હતી, પછી શું, ઠઠડીયાને કીક મારી..! હાઇવે ખાલીખમ હતા. નકર તો કંડલા ના હાઇવે ઉપર ખટારાની કતારો લાગેલી હોય. અંજારતો પાણીનો રેલો પુગે એમ પુગ્યો, અંજારથી મુન્દ્રા નેશનલ હાઇવે ઉપર ચડો એટલે ગામડાના પાટિયા આવ્યે જાય. અંજારથી નીકળો એટલે મીંઢિયાળા, વિડી ને સીનોગ્રા.. મારે જાવું'તું ન્યા જાવા હાટુ સીનોગ્રાથી ય એક રસ્તો જાય, પણ મેં હાઇવે પકડી રાખ્યો, સીનોગ્રાના પાટિયાથી થોડેક આગળ જતાં જ આવે ખેડોઈ, આ નેશનલ હાઇવે ઉપર ગામડે ગામડે ઓવરબ્રિજ બનાવી રાખ્યા છે, ખેડોઈ હાટુ હાઇવેથી ઉતરીને જમણે વળતા જ ખેડોઈ આવે, ખેડોઈ ગામમાંથી હાલવાનું ને ચાંદીયા ભણી મોટરસાયકલ દોડવા લાગ્યું, રોડને બેય કાંઠે અંબવનો ની ભરમાર છે, કેસર કેરિયું ના આંબા, ક્યાંક ખારેક, ક્યાંક દાડમડી, ક્યાંક ચીકુડી, ક્યાંક પપૈયા, ને ક્યાંક બસ લાંબો વરસાદ પછી ઊગી નીકળેલા ઘાસનો વિશાળ પટ..!!! ઘડીકમાં તો ચાંદીયા આવ્યું, એના પછી વરલી.. એના પછી સુમરાવાંઢ, એના પછી ચકાર.. ને નોનસ્ટોપ મારું ઠઠડીયું દોડતું રહ્યું..!


ભેડમાતા મંદિર: શાંતિથી ભરેલું પવનપ્રવાહિત સ્થાન

    ચકાર થી ડાબે વળતા જ ટેકરીયુંની મધ્યમાં બિરાજે છે ભેડ માતાજી, સ્થાનકનું નામ છે. કચ્છના રાજવી જાડેજાઓની કુળદેવીમાં મોમાયમાં નું મંદિર છે. ચારેકોર બસ નાની-મોટી ટેકરીયું..! ઘણું જ મનોરમ્ય..! માતાજીના દર્શન કર્યા બપોરે સાડા બારે..! મંદિરથી નીકળતા જ એક કાચો કેડો નદી ના તળ સુધી જાય છે..! ને આપણું ઠઠડીયું તો ઊંચા ડુંગરા ચડી આવ્યું છે તે આ કાચો કેડો ક્યાં ગણકારે..! ઉબડખાબડ રસ્તા માથે માંડ્યું દોડવા. અહાહા.. આ ફેરે કચ્છને ધરાબોળ મેહ મળ્યો છે. પણ કચ્છની નદીયું.. ખાલી ની ખાલી. નદીના ખાલી તળમાં લગાતાર ઘસાઈને પથ્થરો લીસા બન્યા છે, નાનામોટા ગોળાકાર પથ્થરો ઉપરથી પાણી ની એક ઝીણી ધારા વહે છે, એક ઠેકાણે થોડોક ખાડો છે તે ન્યા ઇ ધારા પછડાયને પાણી ને પણ વાચા ફૂટતી હોય એમ ખડખડાટ હાસ્ય સાથે વહી જતું હતું..!


    ભેડમાતાજી સુધી આવ્યો'તો તે થયું લાવ ને ખેંગારસાગર ડેમ સુધીય આંટો થઈ જ જાય. ગૂગલ મેપ માં રસ્તો શોધ્યો, ૧૮ કિ.મી. દેખાડતા'તા, ને ઠઠડીયું કર્યું શરૂ..! સાવેય કાચો કેડો..! અડધોક કિલોમીટર હાલ્યો હોઈશ, અને મોટું બોર્ડ આવ્યું, "વનવિભાગ" મોટરસાયકલ ઉભી રાખીને ફરીથી ગૂગલ મેપ ચેક કર્યું, રસ્તો તો આ જ બતાવતું હતું. પડશે એવા દેવાશેની ગણતરીએ આપણે તો ઉપડ્યા ભાઈ..!


વનવિભાગના રસ્તાઓ: કુદરતની છાંયાઓમાં મોટરસાયકલ ચાલવી

    પણ, રસ્તો એટલે રસ્તો હો બાકી, કેવા કેવા કેડા ઉપર મેં મોટરસાયકલ હાંકી છે ઈ હું જ જાણું છું. પણ આ મારગ તો.. આવા રસ્તે આજ લગી કોઈ દી નતો હાલ્યો, તે એનાય અભરખા પુરી દીધા કુદરતે.! વરસાદ પછી ઉગી નીકળેલું ઘાસ, ક્યાંક ગારો, ને રસ્તો.. રસ્તો હતો જ ક્યાં? બસ પગદંડી જેવો જ કાચો કેડો..! ઇય સમતળ નહીં, એક ટેકરી ચડીને ઉતરીએ ન્યાં સામે બીજી ટેકરી ચડવાની, ઇય જેવું તેવું ચઢાણ નહીં, ચાળીસ-પિસ્તાળીશ ડિગ્રીનો કોણ હશે..! જો કે મારુ ઠઠડીયું ખમતીધર છે તે વાંધો નો આવે..! કચ્છમાં કોઈ બીજા હિંસક પશુઓનું તો સાંભળ્યું નથી, પણ દીપડા ઘણા..! કચ્છીઓ "ચતરો" કહે. પાછળ જ વનવિભાગ નું બોર્ડ વાંચ્યું હતું, ચારેકોર વિવિધ પક્ષીઓના કલરવ સંભળાતા હતા, ક્યાંક ક્યાંક તો પડઘા પણ..! 


માર્ગમાં મળેલ કુદરત - નાના આશ્ચર્યો

    બે-ત્રણ પાટલા-ઘો સામી મળી, એક રોઝડુંય દેખાણું..! જો કે ખાસ બીક હતી નહીં, કારણ ગામડાઓ ખાસ દૂર હતા નહીં, ને આ માર્ગ ઉપર મોટરસાયકલ ના ચીલા ઓ દેખાતા હતા. લગભગ આઠ-નવ કી.મી. હાંક્યા પછી એક વાડી આવી. થોડોક માનવ સંચાર કળાયો. શહેરના ઘોંઘાટિયા વાતાવરણના હેવાયા ને, ઘણી જાજી વાર આ એકલવાયું વન જીરવાય નહીં હો. સતત બસ લીલા ઝાડવા, વનરાયું, ન સાંભળ્યા હોય એવા પક્ષીઓના અવાજો, ને સરીસૃપો સામા મળે એટલે હ્ર્દયમાં કાંક નવું ખેડ્યાં ના અંદેશાઓ ઉભરવા લાગે. બીક તો નહીં કહી શકાય, પણ કદાચ એક જાતનો ન અનુભવેલું આ એકાંત અકળાવતું હતું..!


    વનવિસ્તાર પસાર થતા જ, મોટા બંદરા ગામ આવ્યું, માંડ થોડો પાકો સડક મળ્યો, ને ગૂગલ મેપ ને ક્યુ વેર વાળવું હતું તે પાછા વાડી-વિસ્તારમાં લઇ ગયું..! સાવેય ધૂળીયો મારગ, બેય કોર્ય વાડીયુંની કાંટાળી વાડ્ય. પણ લીલોતરીની ખુશ્બો સતત નાક વાટે હૈયામાં આનંદ ઉલેચતી હતી. મહામહેનતે કણજરા ગામ આવ્યું.. ને મળ્યો પાકો ડામર નો રોડ, હૈયે એક ઘરપત મળી કે, હાશ.. હવે પાકો રસ્તો છે, વાંધો નહીં આવે, પણ આ આશા ય ઠગારી નીવડી, ને વળી ગૂગલ મેપે એકાદ-બે કી.મી પછી પાછા ગાડા-માર્ગ માથે લાવી દીધા..! આ વખતે રસ્તો કમસેકમ એક ફોરવહીલર આરામ થી જઇ શકે તેવો હતો, એટલે આપણું મોટરસાયકલ ગાજતું ગયું હો.! 


ખેંગારસાગર ડેમ : વરસાદથી ભરેલું લીલુજરું સ્નાન

    ખેંગારસાગર ડેમનું ઓવરફ્લૉ થયેલું પાણી નદી વાટે વહી જતું હતું, ને ડેમ સુધી જાવામાં એજ પાણી નો વોંકળો રસ્તામાં પડ્યો, ખાસું વીશેક ફૂટ પહોળો પાણીનો પટ હતો, ખાડો ન હોય ઈ જોવા હાટુ, મોટરસાયકલને સ્ટેન્ડ કરીને પાણીમાં થોડુંક અંદર હાલ્યો, ઘૂંટી થી ચારેક આંગળ જાજુ પાણી હતું, પ્રવાહ સામાન્ય હતો, ને ઝીણી ઝીણી માછલિયું આમથી તેમ ફફડાટી કર્યે જાતી'તી. મોટરસાયકલને પાણી માંથી પસાર કરી, ને ઠઠડીયું એક ડચકું લઇ ગયું હોય એવું લાગ્યું પણ.. ઈતો એના માટે સામાન્ય છે.


    એક બે લાંબી ગોળાઈ પર કરતા જ સામે જે દ્રશ્ય હતું..!!! ગજબ ગજબ ને નકરું ગજબ. એક પાણી આડી લાંબી પાળ હતી, ઘણાંક જુવાનિયા ઈ પાળ માથે ઉભા'તા. મોટરસાયકલ એક ઊંડો ખાડો ઉતરીને સામે ચડી, ત્યાં પાળ ઉપર ચડવા લાયક ઢાળ હતો, ને મોટરસાયકલ ઠેઠ પાળ માથે પુગી ગયું..! અહાહા, પાણી જ પાણી.. અંદાજે, એક લાખ પંચાશી હજાર વર્ગ મીટર માં ફેલાયેલું આ રિસર્વોઇર.. ૧૯૩૭માં હીઝ હાઈનેસ મહારાજાધિરાજ મિર્ઝા મહારાઓ શ્રી ખેંગારજી સવાઈ બહાદુર દ્વારા ચીફ એન્જીનીયર એચ.એમ.અંતાણી ના માર્ગદર્શન હેઠળ આશરે રૂ. ૭૩૮૨૦૦ ના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. 


    આજુબાજુના ગ્રામજનો આ પાણી નો આનંદ ઉઠાવતા હતા. લગભગ બે-સવાબે વાગ્યે હું ત્યાં પહોંચ્યો હતો. તરવૈયાઓ માછલીઓને પાછળ છોડી દે એવી તરાપું મારતા'તા. પાળ ની આ બાજુ વિશાલ પાણી નો સ્ત્રોત, અને બીજી બાજુ પણ ઉપરથી ઓવરફ્લો થતા પાણીની ધારાઓ પ્રવાહિત થતી હતી..! નાના ઝરણાં.. નહીં, ઝરણાં નહીં પણ નાની નાની ધારાઓ માં વહેતુ પાણી ખડખડાટ કરતું હતું..! આવડો વન વચાળાનો પંથ, ને ગૂગલે ચડાવેલ ગોથાઓનો તમામે થાક, તણાવ હંધુંય ઘડીકની વારમાં જ ઉડી ગયું.. જ્યાં પાણીની આ ધારાઓ પ્રવાહિત થઇ રહી હતી, ન્યાં, એકદમ કાળ-મીંઢ પાણાઓ પથરાયેલા છે, કદાચ પાણીના પ્રવાહે આમને કોતર્યાં હશે..! ઉઘાડા પગે ચાલતા તો ઘડીકની વાર તો પગમાં એવા ખૂંચ્યા..! પણ પછી તો પાણી એ એવો આકર્ષ્યો કે, બસ, કેટલીય વાર સુધી ઈ પાણીમાં પગ પલાળતો બેસી રહ્યો..! 


અચાનક વરસાદ અને આંખોને ભીંજવી દેતી ઝરણાંની ગીતલહેરીઓ

    નાની નાની માછલિયું પગમાં ભટકાતી હતી, પહેલા તો થોડુંક અચરજ થયું કે આટલા માણસોની અવરજવર છે ત્યાં માછલી કેવી રીતે? પણ ધ્યાન થી જોતા માલુમ પડ્યું, એ કાળા પથ્થરોની તળે પોલાણ છે, ભયના ભણકારા થતા જ માછલિયું ઈ પોલાણમાં હેમખેમ થઇ જતી..! પલળવાની ગણતરી હતી નહીં, એટલે બસ બુટ-મોજા કાઢીને ત્યાં પાણીના આ વેગવંત પ્રવાહમાં પગ નાખીને એક છીપર પર બેસી રહ્યો હતો..! ઉપર કાળા-ડિબાંગ વાદળો પવનની તેજ ગતિ સાથે પસાર થઇ રહ્યા હતા, સામે એક પવનચક્કી પણ એ વેગને ઝીલતી વિદ્યુતનું ઉત્પાદન કરી રહી હતી.


    હું, બસ ખોવાઈ રહ્યો હતો, ખળખળ વહેતા શ્વેત પાણીમાં, ત્યાં ખાબોચિયામાં સ્થિર થયેલા પાણીમાં પ્રતિબિંબિત અવકાશે ઉડી રહેલા કાળા વાદળોમાં, પવનની તીવ્રતા સાથે હળી-મળી રહેલી પવનચક્કીના પાંખિયામાં, સામે દૂર એક બાવળની વાડ્ય હેઠે બે ચરી રહેલા તેતરો માં, થોડે જ દૂર પાણીના બીજા પ્રવાહમાં સ્ત્રીઓ અધિક માસ નિમિત્તે પુરુષોત્તમને આરાધવા ગાઈ રહેલ ભજનોમાં, સાથે થતા લયબદ્ધ તાળીઓના તડાકામાં, પાણીમાં રમતા બાળકોની કિલકારીઓમાં, પાળને પેલે છેડે બેઠેલ એક યુગલની પ્રેમગોષ્ઠિમાં, અંભોદથી આકર્ષાઈને કંઠને ત્રણ-ત્રણ વાર ઝુલાવીને ગહેકતા મયુરના ટહુકારમાં.. બસ હું ખોવાઈ રહ્યો હતો.. આભથી અચાનક જ વરસેલા ટાઢા-બોળ જળબુંદોએ જાણે મને દિવા-સ્વપ્નમાંથી જગાડ્યો, પણ મારી નહીં પલળવાની મિથ્યા પ્રતિજ્ઞાને અણભંગ રાખવા જ એ વરસેલા બે ફોરાં બાદ વાદળી વહી ગઈ..!!


સફર પછીનો સ્વાદ અને આત્માને સ્પર્શતો શાંતિભર્યો અંત

    ઘડિયાળમાં જોતા જ ધ્યાન ગયું, સાડા-ત્રણ વાગી ગયા હતા, ગૂગલે આટલા ગોથે ચડાવ્યા બાદ હવે એના ઈશારે હાલવાની ઈચ્છા નહોતી, ખેંગારસાગરથી નીકળ્યા બાદ, સામેથી કેટલાય વાહનો આવતા હતા, લાગે છે સાંજ વેળાએ ન્યાં જાજી ભીડ જામતી હશે..! આવતા વાહનોની દિશામાં જ મારુ ઠઠડીયું દોડાવી મૂક્યું, લગભગ ચાર-સાડાચાર કી.મી. જેવી કાચી સડક પર હાંક્યા બાદ પાકો ડામર-રોડ મળી ગયો, કઈ દિશામાં જાવું ઈ નક્કી નહોતું, પણ ડાબો માર્ગ લીધો, થોડુંએક જતા જ પત્રી ગામ આવ્યું..! ચાની હોટલ દેખાણી, અચાનક યાદ આવ્યું, પાણી તો પીધું જ નથી..! મોસમ ટાઢું હોય એટલે ઓમેય તરસ ન જ લાગે. 


    તરત જ ન્યાં એક સ્ટોપ લીધો, ગરમાગરમ કડક ચાનો આસ્વાદ લીધો, પછી સિગરેટ સળગાવી..! રોડ ઉપર ચાલતા ટ્રકોના ધુમાડા સાથે મારી સિગરેટનો ધુમાડો ક્યાં મિશ્ર થઇ ગયો ખબર જ ન પડી..! પાકી ટુ-લેન સડક પર મારી મોટરસાયકલ સડસડાટ માઈલસ્ટોન્સ પસાર કરવા લાગી! થોડી જ વાર માં મોખા-ચોકડી આવી ગઈ, ડાબે વળતા જ મુન્દ્રા વાળો નેશનલ હાઇવે આવી ગયો, અને થયું હાશ.. હવે તો વા હાર્યે રેસ કરશ્યું, પણ આ આશા ય ઠગારી નીકળી, વરસાદ ના ઝાપટા ઝીલી ને રોડમાં એટલા ખાડા હતા કે એક-બે ખાડા માં તો મોટરસાયકલ ઘોડો વાડ્ય ઠેકે એમ ઠેક્યુ.. પણ જેમ-તેમ કરતાંય સાંજે સાડા પાંચેક વાગ્યે હું મારા ઠેકાણે ઠરી-ઠામ થઇ ગયો હતો..!


    સાતેક વાગે જગન્નાથની આરતી માં હાજરી પુરી ને દિવસ સમાપ્ત થવાની ઘોષણા થતા જ વાળું-પાણી કરીને પોઢી ગયો ભાઈ..!

    ઠીક તયે મળશું, કાંક નવું લખવાનું ઉંબાડિયું ઉઠશે તો..!!

    આજ તો અત્રે જ અસ્તુ..!

***

#KutchDiaries #BhedMataToKhengarSagar #MotorcycleYatra #GujaratiTravelBlog #DilaayariSafar #NatureMeetsSoul #IndependenceDayRide #KutchNiVatein 

Read more Travel Diaries : 'जागृति' की चाय

Post a Comment

0Comments
Post a Comment (0)