"જ્યારે જીવને રસ્તે 'મુલાકાત' આપી: એક પિતા, એક પરીક્ષા અને અમર ક્ષણો"

0

મોટાભાઈના ત્રણ પત્ર અને મનમોજીનું મૌન વલણ


પાછી મનમોજીએ ત્રણ દિવસ રજા રાખી, ને મોટાભાઈ ત્રણ ચિઠ્ઠી દઈ ગયા.. ૧. "મારી ભીની ભીની સાહસયાત્રા, ૨. મુલાકાત, અને ૩. પારકી પંચાત.


ને ભાઈ, મનમોજીએ આદરી.. વાંચો લ્યો તમેય..

     પ.પુ. ભાઈશ્રી મોટા, આજ સૌથી પહેલા એક વાત તો એ કરું કે હું જે લખું છું ને ઇ "ટાઈમપાસ" છે, અથવા આને અર્થહીન - અકારણ અને વ્યર્થ પણ કહી શકો.


શરદી, શરમ અને શહેરી જમણવાર – એક અકારણ કથા?

     બીજું મોટા, ક્યાંક પડીને છોલાણા હોયને ઇ પોહાય(પોસાય) પણ શરદી નહિ હો..! પેલે દિ' નાક, બીજે દિ ગળું ને ત્રીજે દિ છાતી માં બળબળીયા બોલે હો..!! (કીધું હતું ને વ્યર્થ લખું છું, અહીંયા આવું લખવાની જરૂર ક્યાં હતી.)


     ભાઈ, પમદી(પરમદિવસ) એક લગ્નપ્રસંગ મા ગયો'તો, આલીશાન ભોજન સમારંભ ગોઠવ્યો હતો, પાણીપુરીથી માંડીને જલેબી ને કાજુકતરી સુધીની આઇટમું..! (અકારણ કેવાય આને.)


     પણ મોટા, આવડો મોટાપાયે ભોજન સમારંભ હોય ને તયે પંગત હામ્ભરે(સાંભરે), ડખો હું થયો ને ઇ કવ, ઓલ્યા તંદુર માં શેકે ને એવા નાન રાખ્યા તા, ને નાન દાળ ભાત બીજે શેઢે(મતલબ કે ૮૦-૯૦ ફૂટ ની દુરી હશે, રોટલી શાક અને દાળ ભાત વચાળે).

તે મોટા હું બે નાન લઈ ને દાળ હુધી માંડ પુગ્યો. બુફે માં થાળી લઇ ને આમથી તેમ ધોડવું સેલું નથી હો. ઘણી વાર ગુલાબજાંબુ ને ખમણ ની ચટણી એકાકાર થઈ જાય પછી ખબર નો પડે મીઠાઈ ખાધી કે ફરસાણ..!!! તે મોટા બુફે માં બેહવાનો રિવાજ નહિ, તે થાળી લઇ ને ઉભા ઉભા આરોગવાનું..(બધાય ને ખબર હોય તોય અર્થહીન વાત કરી ને મેં..) હે વાંચક, હવે આગળ કાઉન્સ નહિ કરું, તમે તમારી રીતે અકારણ, અર્થહીન ને વ્યર્થ શોધતા રહેજો.

     મોટા, આવડા મોટા જમણવાર માં એકલા ખાવું ઈય અઘરું હો, અમૂકવાર કેટરર્સ વાળા પાંહે છઠી-સાતમી વાર ગુલાબજામ્બુ લ્યો એટલે ઈય ત્રાંહી નજરે જોવે..! પણ કરવું હું જીભડી રસાળ બૌ..! હા તે મોટા, હું નાન ની વાત કરતોતો, નાન ગધનું બૌ અઘરી આઈટમ, થોડીક વાર થાળીમાં એમનમ પડ્યું રે ને એટલે રિંહાય(રિસાઈ) જાય, પછી ગમે એટલું તાણોને(ખેંચો) તોય તૂટે નહિ હો.. બળ મેળવવા ખાતા હોય પણ જેટલું અર્જિત થાય એટલું જ ત્યજાય જાય આને તોડવામાં. પીછું ચાવવામાં ય એટલું જ બળ કરવાનું.. ચ્યુઇંગમ વાળા ને કદાચ નાન સેલું પડતું હશે..!!


     હવે એક તો ઉનાળાની રાત્ય, એમાંય નાન તોડવા બળ કરવું પડે ને પરસેવો છૂટે તયે જ કેમરાવાળો આવે, એટલે એની સામું પાછું મલકાઈને નાના નાના કોળિયા જમવાના, ભલે ઇ લોકો પછી એ 'સીન' કટ કરી જ નાખવાના હોય તોય દેખાડો તો દેવો પડે ને.!!


     પાછું જમ્યા પછી, આઈસ્ક્રીમ ને એકાદ ઠંડુ પીણું તે ગળું પાકે જ ને મોટા..! બીજે દિ બિનસચિવાલય ની પરીક્ષા દેવા જાવી હોય તો શું થયું, ગળચવું જરૂરી છે..!!


પરીક્ષાની સફર – એક શરદીલી સાહસયાત્રા

     તે મોટા, ૭પ કિ.મી.ની નો પ્રવાસ. મોટા, ૨૦૧૮-૧૯ ની પરીક્ષા ગુજરાત સરકારે ૨૦૨૨-૨૩માં લીધી, હું તો ભુલીય ગયો તે કે આપણે ફોર્મ ભર્યું હતું, ને પોસ્ટમાં પુરા ૧૧૨રૂપિયા ની ફી ભયરી'તી. આતો અચાનક મેસેજ માં પરીક્ષાનો કોલલેટર આયવો તે તયે ખબર્ય પડી કે બાવા ના બારેય બગડવાના.. શરદીને લીધે માથું સજ્જડ થયેલું પણ પરીક્ષા દેવાનો ઘણો હરખ તે આપણે ઉપડ્યા.


     મોટા, શરદીથી માથું ભારે થયું'તું તે બસમાં જાવાનું માંડી વાળ્યું.. વિચાર્યું મોટરસાઇકલ ઠીક રહેશે. પણ આ ધોમ ધખતો ઉનાળો ને ૭૫ કિમી કાપવા, ને શરદીથી થાકેલ શરીર એટલે ફોરવ્હીલ મા ઠીક રહેશે એમ લાગ્યું..! હવે કાર માં એસી ચાલુ કરું તો નાક બંધ થઈ જાય, ને બન્ધ કરું તો ગરમી થાય, તે આપણે કાચ ઉતારી નાખ્યા.. ઉની લુ આવતીતી પણ થાય હું(શું).. આમ પરસેવે રેબઝેબ "ભીની ભીની આ સાહસયાત્રા" ખેડી હો મેં..!!


પારકી પંચાત કે અંતરાત્માનું અવલોકન?

     પરીક્ષા સ્થળે પહોંચ્યો. હાઈવેની ડાબી સાઈડ પર રોડથી થોડીક નીચે ઉતારી ઝાડવા હેઠળ એક કાર પહેલેથી ઉભી'તી એની આગળ મેં પાર્ક કરી. પરિક્ષાસ્થળ રોડની બીજી બાજુ હતું. કોલલેટર, આઈડી કાર્ડ, પાસપોર્ટ ફોટો ને એક બોલપેન આ ચાર વસ્તુ ગજવામાં(ખિસ્સામાં) મૂકી ને રોડક્રોસ કરવા થોડીક ટ્રાફિક હળવી થવા જોઈ રહ્યો, પણ એકાએક મારી નજર મારી પાછળ જે કાર પાર્ક થયેલી હતી તેના પર પડી. તેમાં પાછળની પેસેન્જર સીટની બંને સાઈડ પકડવા માટે હેન્ડલ હોય છે ત્યાં એક ચૂંદડી બાંધેલ, તેમાં એક ૪-૫ મહિનાનું બાળક પોઢેલ અને કદાચ તેના પિતા કાર ને ટેકે ત્યાં ઉભા હતા. 


    પરીક્ષા સમય તો અગિયાર વાગ્યે હતો ને હું દસ વાગ્યે જ ત્યાં પહોંચી ગયો હતો. પણ આ દ્રશ્યએ મને ઘણી જિજ્ઞાસા જગાડી, મેં તેમની પાસે જઈ ને પૂછ્યું, પરીક્ષા છે? તેમણે જણાવ્યું, કે તેમની પત્નીની પરીક્ષા છે, તેઓ પણ સાઇઠેક કિમી નો પ્રવાસ ખેડીને પરીક્ષા આપવા આવ્યા હતા. તેઓના સ્થળે થી બસ નો પ્રવાસ થોડો દુર્લભ હોવાથી કાર માં આવ્યા હતાને ઘરમાં અન્ય સભ્યો ન હોવાથી બાળક પણ સાથે લઈ આવ્યા હતા. એક પુરુષ પિતૃત્વ ભાવથી સતત કાર ફરતે આમથી તેમ આંટા મારી રહ્યો હતો. એ બંધાયેલ ચૂંદડીના પારણા માં સહેજ હલન ચલન થાય કે તરત તે પુરુષ સહેજ હિંચકો હલાવતો અને બાળક પોઢી જતું. આ દ્રશ્ય મનમાં તરવરતું રહ્યું, ને હું પરિક્ષાખંડમાં બેઠેલાને પ્રશ્નપત્રમાં પૂછાયેલ સવાલ શિખરિણીનું બંધારણનો જવાબ આપો આપ મારામાં ઉત્સર્જિત થયો,


"કહોને કેવો એ, કઠણ ઘડિયો તાત જગમાં,
અનંતો આણેલી, વિપત વિફરેલી - અડગ હાં,
છતાં તે ઠેલીને, સતત હસતો ને હસવતો,
પિતા તે પોતાના, પર વડ તણી છાંય ધરતો…"

     મોટા, આપણે તો હાવ લૂખે-લૂખી પરીક્ષા દેવા જ ગયા'તા, વગર વાંચ્યે, ને વગર તૈયારીએ, પણ ન્યા થયેલી ઇ "મુલાકાત" મને કદાચ જિંદગીભર યાદ રહેશે, અથવા કદાચ એ યાદ રાખવા જ મેં અહીં આલેખી હોય..!!


     મોટા, પરીક્ષા આપીને બહાર આવ્યો, સામે જ શેરડીનો રસ વાળો ઉભો તો, એક લાર્જ ગ્લાસ બનાવડાવ્યો, એક મેં ઠબકાર્યો, ને રસવાળાને એક ગ્લાસ બીજો બનાવી સામે પેલી કારવાળો પિતા, કદાચ બાળક જાગી ગયું હશે તે એને તેડીને વૃક્ષ હેઠળ ખભે ફરી સુવડાવવા પ્રયત્ન કરતાને આપવા મોકલ્યો, તેણે આનાકાની કરી પણ રસવાળાએ મારી સામું આંગળી ચીંધ્યા પછી મારી સામું જોઈને સ્વીકાર્યો. કદાચ એ આંખો માં કંઇક ભાવ હતો જે મને સ્પર્શ્યો પણ સમજાયો નહિ.


     આમ મોટા આ "પારકી પંચાત" કયો કે ગમે ઇ પણ જે હતું ઇ આ હતું, લ્યો તયે રામ રામ હો..!!


#GujaratiBlog #Dilawarsinh #Dilaayari #BhiniBhiniSahasyatra #GujaratiEmotions #RealLifeStories #GujaratiWriter #GujaratiSahitya #ParakiPanchat #GujaratiThoughts #Fatherhood #GujaratiJourney



Post a Comment

0Comments
Post a Comment (0)