વળી એક દી મોટભાઈ કે "મારું શહેર"
તે મનમોજીએ શહેરમાં આંટો માર્યો એ વાંચો :-
ગામડાનો માણસ શહેરમાં
આલેલે મોટા, આજ શે'ર શેનું સાંભર્યું? વ્હાલા ગામડાં જેવી મજા તમારા ઓલ્યા મસમોટા શેર માં હોય ખરી? અમારે તો ભઈલા આયાં સુવિધાયું ઝાઝી હોય નહીં પણ મોજ અખંડ હોય હો, જો ઓલ્યો ગઈ ફેરે કોરોનો હતો તી હંધુય પબ્લિક પાસું ગામડામાં ન્હોતું ગરી ગયું? એલા અમારે તો એમાં વાડિયુંમાં ભાગીયા વધી ગયા 'તા..!! શેર તો ઠીક પણ મોટા, હંધાય ઇમ જ કે કે આ ભારત દેશ રયો ને એની આત્મા તો ગામડું જ છે હો વ્હાલા.
તોય લ્યો તમે આજ મારું શહેરની વાત કરવાનું કીધું છે તયેં માંડું લ્યો વાત, ચાલો ચોખાના દાણા હાથમાં લઈ લેજો.
તે વાત ઇમ છે મોટા કે હું રયો ગામડિયો માણસ, તે એક દી મને થિયું હાલ ને આજ શેર કોરા આંટો મારી આવીએ, વાડીએ કાંઈ ખાસ કામ નહોતું. સવારે સાત વાગે પાદરે થી બસ ઉપડે, તે આપણેય ઉપડ્યા. ટીકીટ માસ્તર પાંહે પુરા તેર રૂપિયાની ટીકીટ કપાયવી. અડધા કલાક નો પલ્લો(દુરી). હૈય ને આરામથી બેઠો બેઠો ખુલ્લી બારી માંથી બારનો નજારો નિહાળતો જાતો તો, પણ આપણા કરમ માઠા તે વરસાદ થયો ઓચિંતો.. પણ એક મિનિટ આ કેવો વરસાદ છે? ચીકણો.. વાસ પણ આવે છે? ત્યાં તો હોહા થઈ ગઈ બસ માં.. આગળ બેઠેલું બાળક ઓક્યું.. અરે તારી ભલી થાય.. શેર જાવા હાટુ નવા કપડા પેર્યા તા, આણે તો ધુળેટી મચાયવી..
શહેર સાથેની પહેલી મુલાકાત
આવા સારા શકને શેર પુગ્યો હો મોટા.. હૈડે ઉત્સાહ સમાતો નહોતો હો.. બસ-ટેન્ડે ઉતર્યો, મસ મોટું મકાન, એક હારે દસેક બસુ ઉભી રયે એવડી જગા હો, પાકી સફેદ લાદીયું ચોડી'તી પણ ઉપરથી લાલ લાલ ચૂનો માર્યો'તો, જેટલાય ખૂણા પડતા તા એ બધેય ખૂણે લાલ પ્રવાહીનો થર જામેલા હતા.
શહેરનું સફેદ ચહેરું અને લાલ ખૂણાઓ
શે'ર છે કંઈક નવીન ખોજ હશે આ તે મેં એક મહાશય ઉભા'તા એમની પાસે જઈ ને પૂછ્યું, "મોટા, આ ખૂણાંમાં આવું લાલ રોગાન શેનું કર્યું છે?" એ ભાઈ એ મહામુશ્કેલી એ જીભ ઉપાડી, "આ..રો.. ઉન..ના..પી..રી.." હવે આ ભાષા મારી માટે નવીન હતી, પણ બોલવાની આવી છટા તો મારીય જાણીતી જ હતી. મેં કહ્યું "મોટા, સમજાયું નહીં !" તો એ મહાશય એજ ખૂણામાં જઇ ને પાનમાવો ખાધેલ હતો એની પિચકારી મારીને મારી પાસે આવ્યા. મારે હવે એ ખૂણાના લાલ રંગ વિશે જાણવાની જરૂર રહી ન'તી મેં ચાલતી પકડી. હું આગળ વધ્યો, શે'રના બહુમાળી મકાનો, બંગલાઓ જોતો જોતો.. અરે આ શેર માં તો કાંઈ માણસ .. માણસ.. બહુ માણસ હો ભઈ. જાણે કીડી-મંકોડા નું પુર ઉમટયું હોય.. પણ આય કાંઈક અલગ રીતભાત જોવા મળી હો. કોઈ કોઈને બોલાવતું નથી, બસ પોતાના મતલબે હાલ્યા જ જાય છે, કોઈ બસ ની રાહ જોતા ઉભા છે, કોઈ બજારે હટાણે જતા લાગે છે, કોઈ અમથે-અમથા આંટા મારે છે, અને એલા વાહનો ની તો લાઈનો લાગી છે, ઓલ્યા થાંભલે કાંઈક લાલબત્તી થઈ એમાં તો ટીડળાના ટોળાંની જેમ ગાડીયું નો થર થયો હો..ને પાછા પો-પો-પી-પી તો ચાલુ નું ચાલુ.. મારું તો માથું ફાટવા માંડ્યું..
મેં તો ત્યાથીય ચાલતી પકડી, પશુધન ખબર નહિ કોનું હતું આ રોડ ઉપર એય પોતાની મદમસ્તી માં ચાલતા હતા, એક બે જણા ને શીંગડેય ચડાવ્યા તા હો એણે.. શેનું શેર.. મને તો આ શેર સમજાતું નથી..
મોટર, રીક્ષા અને માણસનો કાફલો
એક બે મોટરસાઇકલ વાળા હું પેદલ હાલતો'તો ત્યાં મારી કટોકટ નીકળ્યા, એતો ઠીક પણ ઓલ્યા રીક્ષા વાળાવ તો જો રેસ લગાવે છે .. !! મોટો જબરો ઉકરડો શેર ના રહેણાંક ની બાજુમાં જ.
હજી આગળ તો ઘણુંય જોવાનું હતું પણ આપણે તો ભાઈ તોબા પોકારી ગયા મોટા, આપણે તો તાત્કાલિક ડોટ દીધી હો ગામડે.. હું ભલો ને મારુ ગામડું ભલું..
નિષ્કર્ષ: શહેરની ચમકતી ચામકથી દૂર એક સરળ સત્ય
(શહેરોની તુલના કરવાનો અર્થ નથી પણ પરિસ્થિતિઓ સફાઈ પ્રિય ગાંધીના 60-70 વર્ષ પછી બદતર જ થઈ છે, ધીમે ધીમે સુધરાઈ આવે તો છે હવે.)
#વાતનું_વતેસર #ગામડાવાળોશહેરમાં #વાતનુવતેસર #શહેરવિરુદ્ધગામ #હાસ્યભર્યોઅનુભવ #GujaratiWriting

