મારી પાસે ચિંતાનું ઓચિંતું આગમન: એકલવાયાપન, ભવિષ્ય અને અંતિમ નિર્ણયની કહાણી"

0

પ્રારંભ: એક શાંત સવારનું તોફાન



      રોજનીશી પ્રમાણે સવારનો પો'ર ફાટ્યો, મારી રોજ નિયત પ્રમાણે હું છાપું લઈને આંગણામાં ચા પીતો બેઠો હતો. મદ માં ચૂર વાયરો આજે મારુ કરેણ નું વૃક્ષ આમથી તેમ ફંગોળી રહ્યો હતો. છાપામાં રોજબરોજ ના સમાચાર હત્યા, ચોરી, લૂંટ આ બધું વાંચ્યું અને છાપું બાજુ પર મૂકી સરસ ચાય ની ચૂસકી લેતો હતો એટલા માં ગેટ ખખડયો, મને એમ કે આજુબાજુ વાળા ના છોકરા ઓ રમતા હશે. પણ કોઈ ગેટ ખોલી ને અંદર આવ્યું.

     કોઈ સ્ત્રી હતી, પડછંદ કદ કાઠી, મોટી મોટી આંખો, ઘાટા નેણ, એકદમ તીખું નાક અને જાણી મારી કોઈ પુરાણી ઓળખાણ હોય એમ સીધી આવી ને સોફા પર બેસી જ ગઈ મારી સામે, ન કોઈ ઓળખાણ, ન કોઈ કારણ આમ તો કેમ કોઈ આવી ને મારા જ ઘરમાં સીધું સોફા પર બેસવાની હિંમત કરે ?

     "એય પાણી લઇ આવ ખબર નથી પડતી ઘરે કોઇ આવ્યું હોય એની આવભગત કેમ કરાય?" કરડાકી ભર્યા શબ્દોથી એણે કહ્યું. હવે એક તો વણમાંગી મહેમાન, ઉપર થી રાક્ષસી કાયા, અને બોલબચ્ચન પણ ભારે.. ઘડીક તો મનેય મૂંઝવણ થઈ ગઈ. ડાઇનિંગ પર પાણી નો જગ ભર્યો હતો, મેં ગ્લાસ ભરી ને પાણી આપ્યું. રામ જાણે કેટલાય વર્ષોની તરસી આ બાઈ એક જ શ્વાસ માં આખો ગ્લાસ પાણી પી ગઈ, "લાવ એય હજી" ફરી થી એવા જ ગંભીર શબ્દોથી એણે હાકલ કરી. મેં ગ્લાસ લઇ ફરીથી જગ માંથી રેડી ને પાણી ભરી ને આપ્યું. પાછું એક જ શ્વાસ માં પી ને મારી સામે જોયું. આ વખતે મેં આખો જગ જ દીધો લે બાઈ ઢીંચ. આખો જગ રેડી ને હવે એને કંઈક નિરાંત વળી હોય ને જાણે પરિતૃપ્ત થઈ હોય એમ પ્રસન્ન મુદ્રા માં પણ જાણે વ્યંગ સાથે નિહાળતી હોય એમ એણે મારી સામે જોયું.

      હું હજી અસમંજસ માં હતો, મેં હળવેક થી પૂછ્યું, કોણ છો તમે, ક્યાંથી આવો છો આમ સીધુ મારા ઘરમાં પધારવવાનું કારણ શું?

     એણે હળવા હાસ્ય સાથે કહ્યું, "કેમ ભૂલી ગયા, મને? ના ઓળખી?" હું હજુ ય માથું ખંજવાળતો હતો, મેં કહ્યું, "ઓળખાણ તો ન પડી હજુ."

     "અરે એવું થોડું હોય, યાદ કરો કોલેજ કાળથી જ તમારી સાથે ને સાથે જ છું." મારા મનસપટલ પર આખો કોલેજ કાળ ચલચિત્ર માફક ફરી ગયો પણ આ ચહેરાની સ્મૃતિઓ ક્યાંય સાંભરી નહિ.

     મને મુંજાયેલ જોઈ એના ચહેરા પર એક ભયંકર હાસ્ય આવ્યું. "કેમ હજુ ય યાદ ન આવ્યું, અરે તમે પાસિંગ સર્ટિફિકેટ્સ લઇને પેલી કમ્પનીમાં નોકરી લેવા ગયા હતા ત્યારે પણ હું તમારી સાથે આવી હતી કેમ ભૂલી જાઓ છો?"

     હવે મેં મારી પુરી શક્તિઓથી સ્મરણ કરવા કોશિશ કરી પણ આવી કોઈ સ્ત્રી મને યાદ આવી રહી નહોતી તેથી ધીમે ધીમે ગુસ્સો આવવા લાગ્યો. આ વિના કારણે એક તો મારા ઘરમાં પ્રવેશી પાછી કોયડો કોયડો રમે છે, આ તો નવરી લાગે છે હું નથી. હવે મેં ક્રોધ થી પૂછ્યું જે હોય એ કહી દો, આવવાનું કારણ, તમારી ઓળખાણ?

અજાણ્યા ચહેરા પાછળનો પરિચય..

     "હું ચિંતા" એના આ ત્રણ અક્ષરો અને હવે મારુ ગળું સુકાઈ ગયું. એણે સસ્મિત મને ગ્લાસ ભરીને પાણી પાયું. હું વિસ્મય સાથે એની સામું જોઈ રહ્યો. 

     કોલેજકાળને આજ 30 વર્ષ થયાં, મેં કોઈ દિવસ આને સંભારી નથી, મારુ સુખી જીવન ચાલતું હતું, હાસ્ય વિનોદ માં રહેતો હું, મને કોઈ દિવસ આની મને-કમનેય જરૂર પડી નથી, તો આમ કેમ થયું, આ આજ ઓચિંતાની મારા ઘરે કેમ પ્રવેશી? સ્વગત મન માં જ હું બબડી ગયો.

ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની લપટ

     એ મારા મનના ભાવો જાણી ગઈ, ફરીથી એણે એક ગંભીર અટ્ટહાસ્ય કર્યું. હું છેક અંદર સુધી થથરી ગયો, નિર્બળતા અનુભવતો હું જીભે લોચા વળવા લાગ્યા. એકલતા માં હું આનંદ અનુભવતો, કોઈની કોઈ ફિકર મારે કરવી પડે એવા મારે બંધનો હતા જ નહીં, એકલવાયા જીવનમાં મને આનંદનો અતિરેક હતો. તો આજ હવે આ આવી છે તો જરૂર કાંઈ રહસ્ય જ હોવું જોઈએ. મારુ મનોમંથન ચાલી રહ્યું હતું એમાં એણે ખલેલ પાડી. "હું ભવિષ્યની ચિંતા છું, આટલા વર્ષો તમે ખૂબ આનંદ માં ગાળ્યા, પણ હવે તમારી ઉંમર જુઓ, આગળ તમે એકલવાયું કેમ જીવશો?" 

એકલો જીવન અને એક મોટો પ્રશ્ન

     મારો ક્રોધ સીમાઓ મુકવા લાગ્યો, આ તો મારા મૃત્યુનો પડછાયો લઇ ને આવી છે. શું એકલવાયું જીવતા લોકોએ ભવિષ્યની ચિંતા જરૂરી છે, મારી મિલકતો, મારો માન-મોભો આ બધાનું શું થશે, ચિંતા એ પોતાનો પ્રભાવ પાડવા માંડ્યો હતો. મારે કોઈ વારસ તો છે નહીં, આ બધું ખન્ડેરો માં પરિવર્તિત થશે? કોઈ લેભાગુઓ આંહીં અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવશે ? કે કોઈ સગું કબજો કરશે? ચિંતાની માયાજાળમાં હું લપટાતો જાતો હતો..

નક્કી થયો અંતિમ નિર્ણય

     અચાનક ક્યાંકથી મગજમાં એક વિચાર ઝબુકયો. મારા મુખ પર હળવું સ્મિત આવી ગયું. ચિંતાને પોતે પાથરેલ માયાજાળ સંકેલાવા લાગી હોય એવો તેને ભાસ થયો. હવે એ અસમંજસ માં હતી કે તેની જાળ માં હું ફસાયો છું કે છટકવામાં આબાદ રહ્યો છું.

અંત: ચિંતા ને પાઈપાંયાં આપતો જવાબ

     મેં તરત મારા વકીલને ફોન જોડ્યો. તેને રૂબરૂ મળવા જણાવ્યું. મારી વીલ તૈયાર કરાવી. મારી તમામ મિલકતો માંથી ચોથો ભાગ સગા - વ્હાલાઓને, ત્રીજો ભાગ અનાથાલયને, બીજો ધર્માંદે અને એક ભાગ મારા મૃત્યુ બાદ વૃદ્ધાશ્રમીઓને આપવાનું નિશ્ચિત કર્યું. 

     ફરી મારા ચહેરા પર તેજ આવી વસ્યું, આત્મા પરનો બોજો દૂર થયો, સસ્મિત ભવિષ્યની ચિંતાને ફરી જગ એક પાણી પાઈને વળાવી.

#ચિંતા  #GujaratiKahani  #DilawarsinhDiary  #FuturePlanning  #એકલવાયાપન  

Post a Comment

0Comments
Post a Comment (0)