મોટાભાઈ, દોડવું સહેલું નથી : હરખ અને સંઘર્ષની કહાણી

0

વળી એક દી મોટભાઈ કે' "સહેલું નથી આમ દોડતા રહેવું.."



તો જુઓ મનમોજીની મોજ :-


હંમ, સે'લુ તો નથી જ હો..!!
આમતો હું હાવ આળસુ જીવ, પણ એક દી દોડવા નીકળ્યો.
ઓલ્યા શેર વાળાવ કે ને ઇમ જોગિંગ કરવા..
 
હવે અમારે ગામડાવમાં આયા લાદીયું(પેવરબ્લોક) વાળા દોડવા માટેના ઇસ્પેશિયલ ટ્રેક તો હોય નહીં તે આપણે રમકાવી વાડીયું સોંપટ.. પણ કરમની કઠણાઈ તે એક કૂતરું ક્યાંક થી જોઈ ગયું. 

એનેય હરખ થયો એ મારી વાંહે.. હવે હું આગળ ને ઇ પાછળ.. મેંતો ઉભા મોલના ખેતર લીધા હો, ઉભા વાંભ જેવડો વજાભાઈનો કપાસ ખૂંદ્યો.

એનાથી આગળ તેજાભાઈએ બચારે તલ લણી ને ઢગ કર્યા તા તે બે-ચાર ઢગ ઠેક્યા, તલ બધાય ખરી ગયા, તે તેજાએ તો છુટ્ટો તગારાનો ઘા કર્યો તો હો.

એનાથી આગળ મગણભાઈએ માંડવી(મગફળી) કયરી તી એનોય સોથ બોલી ગયો. હજી આગળ એકે તો તાજીતાજી પાણી વાળવા ક્યારી કરી તી, પણ આપણે તો હરિ ભજતાં ભાગતા તા તે કાંઈ ભાળી નહિ ને દીધા ડગલાં, ક્યારી માં છીંડું.. તે હવે એય પાવડો લઈ ને વાંહે થયો છે.

પણ ઇ બધાય વાંહે દોડી દોડીને થાકીન પાછા વળી ગયા પણ ઓલ્યું ડાઘીયું કૂતરું.. એ મારી વાંહોવાંહ હો.. એને કરડવાનો હરખ ને મને કરડવા નહિ દેવાનો હરખ.

એનો ને મારો હરખ પરસ્પર કટ્ટા વેરી તે સામસામા બાયધા.. મોટું ધીંગાણું જામ્યું.. આખુંય આભ રાતું ચોળ થઇ ગયું.. સુરજદેવતા પોતાનો રથ થોભાવીને ઘડીક આ ધીંગાણું જોવા ઉભા રહી ગયા.. નારદમુનિએ દેવતાઓને ખબર કરી કે મરત્યુંલોકમાં(મૃત્યુલોકમાં) મગ જેવડું માભારત થયું છે તે, ઇન્દ્ર, વાયુ, અગ્નિ, વરુણ હંધાય જોવા આવ્યા.

હરખ છુટા પાણાંનો ઘા કરે હો..

હું ને ડાઘીયો બેય દોડવાનું ભૂલીને જોવા થોભી ગયા.. એનો હરખ છુટા પાણાંનો ઘા કરે હો, ને મારો હરખ એક ઝાડવેથી ડાળી લઈ આવ્યો, ઓલ્યો પાણો ઘા કરે ને આ બેટ ફેરવે એમ શોટ મારે.. તે હવે તો ઓલા નો હરખ ખારો થ્યો, એને મોટો ખટારા જેવડો પાણો ઘા કર્યો, મારો હરખ મુંજાણો, એને કેચ કરી લીધો ને સામો ફેંક્યો, એનો હરખ પાણાં હેઠે દટાય ગયો, મારો હરખ જીતી ગયો...  

દેવતા ઓ પોતપોતાના થાનકે પાછા વળી ગયા.. સૂરજદાદા એ તો હડી કાઢી તે ઠેઠ આથમણી ક્ષિતિજે પોગી ગયા.. 

ને ઓલ્યું ડાઘીયું પાછું મારી વાંહે થયું, હવે એને પોતાના હરખનો વેર વાળવો છે ને હવે હું એકલો નથી દોડતો, મારી ભેગો મારો હરખેય દોડે છે.. 

દોડવું સેલું નથી મોટા..!! જરીકેય નહિ..!!

#વાતનું_વતેસર #દોડવુંસહેલુંનહિં  #GujaratiStories  #LifeWithJoy  #DilawarsinhDiary  #Harakh  

Post a Comment

0Comments
Post a Comment (0)