ગાંધીધામથી ભુજ અને ટપકેશ્વરી સુધી – ચોમાસાની બાઈકયાત્રા એક જુદી નજરે

0

ગાંધીધામથી અંજાર સુધીનો સૌંદર્યમય માર્ગ



    કોઈ કારણોસર એક વખત કચ્છમાં ગાંધીધામ જવાનું થયેલ. વિશ્વમાં સતત વ્યસ્ત રહેતા બંદરોમાંથી એક એટલે કંડલા. હવે તો દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ તરીકે ઓળખાય છે. આમ તો ગાંધીધામ પાકિસ્તાન થી આવેલ સિંધીઓને વસવાટ સાટું આ ભૂમિ ફળવાઈ હતી, બાજુ માં જ કંડલા બંદર નો ધોમ વિકાસ થયો, અને ઇ.સ. 2001 માં આવેલ ભૂકંપએ આખા કચ્છને હચમચાવી મુકેલ. પણ પડી ને ઉભું થવું, એ તો ગુજરાતીઓને ગળથુથીમાં મળેલ ગુણ છે. ભૂકંપ બાદ અહીં નવસર્જન કરવા સરકારે પ્રયાસો કર્યા, ઉદ્યોગો ને ખુલ્લો દોર દીધો. પરિણામે આજ કચ્છના આ ગાંધીધામ તાલુકા માં વિકાસે વેગ પકડ્યો અને એક ઔદ્યોગિક શહેર તરીકે પ્રખ્યાતી પામ્યું. ગાંધીધામ થી પંદરેક કિલોમીટરને અંતરે જ ઐતિહાસિક અંજાર નગર પણ આવેલ છે, જેસલ-તોરલની સમાધિ, અજેપાળ દાદા નું મંદિર ત્યાં ઇતિહાસનો એક અધ્યાય લઇ ને બેઠા છે.


અંજારનું ઐતિહાસિક ઋણ અને અજેપાળ દાદાનું મહત્વ


"અંજાર નગરીને અજેપાળ ધણી,
વસ્તી થોડી ને અદેખાઈ ઘણી"


    અંજાર માટે ઉપરોક્ત પંક્તિઓ કેમ કહેવાતી તે હવે તમે શોધજો.


    ગાંધીધામ થી બપોરે ત્રણેક વાગ્યે એક મિત્રની મોટરસાઇકલ લીધી, અને એક નાના એવા સફર પર નીકળી પડ્યો. ગાંધીધામ મા તો ગણ્યા ગણાય નહિ એવડા ટ્રક ટ્રાન્સપોર્ટેશન કરે છે. ક્યારેક જામ લાગે ત્યારે ફોર લેન રોડ પર ફસાઈ ઉભેલ ટ્રકોની વચ્ચેથી બાઇક કાઢવું એ પણ એડવેન્ચરથી ઓછું નથી હો..!! ગાંધીધામથી મુન્દ્રા નેશનલ હાઇવે પર નીકળતા અંજાર ચોકડી માટે હાઇવે છોડી ઓવરબ્રિજ નીચેથી જમણી બાજુ વળતા ઐતિહાસિક શહેર અંજાર આવે છે. અંજારની બારોબાર એક રોડ ભુજ તરફ જાય છે. કચ્છનું વડુમથક ભુજ છે. રાજાશાહી કાળમાં કચ્છ ના જાડેજા રાજવીઓની રાજધાની એટલે ભુજ.


ચોમાસે ભીંજાયેલ ભુજ તરફના રસ્તા

    અંજાર થી પચાસેક કિલોમીટરને આશરે ભુજ શહેર છે. અંજારથી ભુજ રસ્તા પર ઘણા નાના-મોટા ગામડાઓ આવે છે, ક્યાંક ખેતરો, ક્યાંક કોઈ ખેતરમાં કોઈ ના લીલો રજકો, ક્યાંક ખારેકના ઉભા ઝાડવા, ને ક્યાંક નકરું બંજર વણખેડયો ભુભાગ પણ નજરે ચડે છે. આમ તો કચ્છને લોકો સૂકોભઠ્ઠ વિસ્તાર જેવો માને છે પણ તેવું છે નહિ.


    મોટરસાઇકલ પર ભુજ પહોંચતા બહુ બહુ તો દોઢેક કલાક નો સમય લાગે. બપોર 3 વાગ્યે જમી કરીને નીકળ્યો હતો. ચોમાસું ચાલતું'તું, પણ વરસાદ મારી મોર્ય(આગળ) હાલતો'તો. જ્યાં પણ પહોંચતો હતો ત્યાં વરસાદ અડધોક કલાક પહેલા પલાળી ગયેલ હોય. એટલે આપણે તો ભીંજાવા જેવું હતું નહીં.


 રતનાલ પાસે ગરમાગરમ ચા અને રસ્તાની ખુશ્બૂ

    વરસાદે થોડીક ગરમીમાં રાહત કરી આપી હતી, બાકી કચ્છની ગરમી તો તોબા પોકારાવી દે. હેલ્મેટ નું વાઇઝર ખુલ્લું રાખ્યા થી ઠંડો ઠંડો પવન મોં પર વાતો હતો. અને ભીની માટી ની સુંગંધ નાક દ્વારા પ્રવેશી કાળજે ટાઢક કરતી હતી. સાડા ત્રણ-પોણા ચાર આસપાસ રતનાલ ગામ આવ્યું. આમ તો અંજારથી ભુજ જતા બરોબર મધ્યમા રતનાલ આવે. સુખીયું ગામ, એક તો રોંઢા ટાણું, ને વરસાદની ટાઢક હોવાથી અહીં એક ચાની હોટલે સ્ટોપ લીધો.


    વાતાવરણમાં હજી સહેજ ભીનાશ અનુભવાતી હતી. ગરમાગરમ ચાય, અને રોડ ઉપરથી પસાર થતા ટ્રકો, કાર અને ટુ-વ્હીલર્સની ચહલપહલ સતત ચાલુ જ હતી. ચા નો આસ્વાદ મમળાવતો હું આગળ વધ્યો. કુકમાં ગામ આગળ કુકમાં ટેકરી પર પ્રખ્યાત આશાપુરા બિરાજે છે, સમયને અભાવે દૂરથી જ શીશ ઝુકાવી પ્રણામ કરી આગળ મંજિલ તરફ કુચ ધપાવી. આગળ વધતા માધાપર ગામ આવે, ત્યાંથી થોડે આગળ નળકા સર્કલ છે, નળકા સર્કલ થી એક રસ્તો બારોબાર ભીરંડીયારા ને કાળો ડુંગર તરફ નીકળે છે, ભીરંડીયારાથી જ એક રસ્તો વિશ્વ-વિખ્યાત કચ્છના ધોરડોના સફેદ રણ માં જાય છે. નળકા સર્કલથી ડાબી બાજુ રસ્તો ભુજ શહેર તરફ. 


ભુજીયો કિલ્લો અને સ્મૃતિવનની અનુભૂતિ

    આ રસ્તા પર જમણે ભુજીયા કિલ્લાની દીવાલ આપણી સાથે સાથે જ ચાલતી હોય એમ બેક કિલોમીટર સુધી લાંબી જોવા મળે છે. ભુજીયો કિલ્લો નાની એવી ટેકરી ઉપર કચ્છ મહારાઓ સાહેબે બંધાવેલ. પણ અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જાળવી રાખવા ઘણા બધા કિલ્લાઓ તોડાવી નંખાવ્યા હતા. એમાં થી એક આ ભુજીયો પણ ભંગાયેલ ખંડર જેવો હતો જે ગુજરાત સરકાર દ્વારા રીનોવેટ કરવામાં આવી રહ્યો છે. અમુક કાંગરાઓમાં પડેલા ગાબડા પુરાવી, તથા સ્મૃતિવન નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભુજીયા ઉપર ભુજંગદેવનું મંદિર છે પણ મારે હજુ આગળ જવાનું હોવાથી ત્યાં જવાનું માંડી વાળ્યું.


ધુનારાજા ડેમ અને ટપકેશ્વરી ટેકરીના અલૌકિક દ્રશ્યો

    બાઈકરાઇડ લાંબી હોય કે ટૂંકી પણ ચા નામેય બ્રેક કરવો અહીંયા યોગ્ય હતો. બરોબર ભુજીયા ની સામે ચાની એક હોટલ (હોટલ એટલે નાની એવી લાકડાના ખોખાની કેબીન, જ્યાં પ્રાયમસ પર એક મોટું તપેલું ચા સાથે સતત ઉકળતું રહેતું હોય છે.) પર બાઇક સ્ટેન્ડ પર ચડાવી એક કટિંગ નો રસાસ્વાદ માણ્યો. ભુજ થી પણ એક રસ્તો કેરા(ગામ) થઈ મુન્દ્રા જાય છે. મુન્દ્રા રોડ પર ભુજ થી નીકળતા જ એરોપ્લેન સર્કલથી એક રસ્તો 'ટપકેશ્વરી' જાય છે. માંડ છ થી દસ કિલોમીટર ને અંતરે આ આહલાદક સ્થાન છે, કુદરતી દ્રશ્યો - અહાહા અવર્ણનીય. એમાંય ચોમાસે ખીલેલ પ્રકૃતિ..! ટપકેશ્વરી ના રસ્તે જતા એક રસ્તો ધુનારાજા ડેમ તરફ ફંટાય છે. કચ્છમાં જિલ્લાની દ્રષ્ટિએ સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કચ્છ છે પણ બારમાસી નદી કોઈ નથી, એટલે અહીં ડેમ પણ મુલાકાત યોગ્ય તો ખરો જ. ડેમ થી સોએક ડગલાં દુરી પર બાઇક ઉભી કરી ને થોડું પેદલ હાલવું પડે છે. અહીં ડેમની પાળી પર ચાલવું તરતા ના આવડે એના માટે જોખમી ખરું. પણ છતાં લોકો ચાલતા જ હોય છે, ક્યાંક લપસણી લીલ પણ જામેલ છે. 


    થોડી વાર અહીં ડેમ ની પાળ પર બેઠો. વાયરે પાણી માં તરંગો ઉઠતા હતા, ઠંડો પવન જાણે ઉનાળાની કારમી લુ વેઠેલાં શરીરોને ટાઢા શેરડા પાતો હતો. પાંચેક વાગ્યાનો સમય થતા ત્યાંથી નીકળી ટપકેશ્વરી પહોંચ્યો. ટપકેશ્વરી નો રસ્તો ઘણો જ સુંદર છે. બંને તરફ નાની ટેકરી, અમુક જગ્યાએ નાની ખીણ પણ ખરી. પાસે ની એક ટેકરી પર કોઈ માલધારી, ખંભે કડીયાળી ડાંગ, ડાંગને છેડે કંતાન વીંટેલી પાણી ની બોટલ, પગમાં તેલ પાયેલ ચામડા ના જોડા, માથે રાતી વીંટેલી પાઘ, ને મેલા-ઘાણ કપડા પર ઘણીય ભ્રમણાઓ કરીને ઉડેલી ધૂળ જાણે ચાડી ખાતી હોયને, લાંબી લાંબી સિસોટીઓ અને મોઢેથી વિવિધ અવાજો કરી ને પોતાના ઘેટાં-બકરાઓને નિર્દેશન કરતો એ વ્યક્તિ હાલ્યો જાતો હતો.


ધબકારથી ભરી ભવ્ય ગુફા અને ગુફાની શાંતિ

    આમ સાંજના સાડા પાંચને આળે-ગાળે હું આ નજરાઓને આંખોમા આંઝતો, ટેકરીઓથી ઘેરાયેલ ટપકેશ્વરી માતા ના સ્થાનકે પહોંચ્યો. ત્યાં નાનું એવું પાર્કિંગ છે ત્યાં મોટરસાઇકલ પાર્ક કરી. મંદિર માં દર્શન કર્યા. મંદિર થી બહાર નીકળતા ડાબે થોડા પગથિયાં છે, જે થોડી ઊંચાઈ પર કદાચ રાજશાહી કાળના બંધાયેલ ઓરડાઓ છે. હાલ તો સફાઈને અભાવે એ ઓરડામાં ચામાચીડિયાઓએ પોતાનું એક છત્ર સામ્રાજ્ય ઘોષિત કર્યું છે. તીવ્ર દુર્ગંધ રૂપી એમનું સૈન્ય એ ઓરડામાં દાખલ થનારને ત્વરિત પાછા વળી જવા મજબુર કરી દે છે.


    ત્યાંથી બહાર નીકળી એક કાચી કેડી ટેકરી ની ઉપર જાય છે. આ કેડી ઘણી જ ખતરનાક છે, કોઈ પગથિયાં, કોઈ રેલિંગ કે ચડવા માટે કોઈ સાધન નથી, માત્ર કાચા પથ્થરો, જે ઘસાઈ ઘસાઈને લપસણાં બન્યા છે, જો સહેજ ત્રાંસો પગ પડ્યો તો નીચે સુધી છોલાતા જવાનું.. ટેકરી પર લગભગ સો માણસ એકીસાથે સમાય જાય એટલી મોટી ગુફા છે. આ કદાવર ગુફા માં કોને ખબર કોણે તપસ્યાઓ કરી હશે? કોઈ જનાવરે રાતવાસો કર્યો હશે? પણ હાલ તો આ પર્યટન સ્થળ હોઈ માણસોનો ઘણો ધસારો છે. ટેકરીની ટોચ ઉપર પહોંચવા રસ્તો દુર્ગમ છે, ત્રણ ચાર ફૂટ ઊંચા ખડકો એકબીજા ઉપર કુદરતી ગોઠવાયેલા છે, એક વખતે એક માણસ જ ચડી શકે એવડી જ જગા છે. મહેનતનું ફળ સુખદાયી હોય એમ ટેકરીની ઉપર થી ચારે તરફ ની ક્ષિતિજ ઘણી જ રમણીય છે. નાની નાની ઘણીય ટેકરીઓ ત્યાં પથરાયેલી છે. ટેકરીની ઉપરથી જોતા ભુજ શહેરની ઝલક પણ જોવા મળે છે તથા પાસે નો ધુનારાજા ડેમ પણ રમ્ય લાગે છે.


    હું આળસુ જીવ, કદાવર કાયા લઇ ને માંડ ટેકરી ચડ્યો હતો. ટેકરી પરથી ચોતરફનું દ્રશ્ય જોતા ઘણી ઘણી શાંતિ થઇ અને આ ચડ્યા નો થાક પણ ભુલાઈ ગયો. ટેકરીઓ સંકળાયેલી હોય એક ટેકરી થી બીજી ટેકરી ઉપર જવાની કેડીઓ છે ત્યાં. એક ઠેકાણે મોટી શીલા પર ઘડીક આ આહલાદક નજારો જોવા બેસી રહ્યો.


એક દિવસની ટૂંકી પણ યાદગાર બાઈક સફર

    સાતેક વાગ્યે આથમતા સૂર્યને નિહાળી નીચે નું ઉતરાણ કર્યું. ચડવું તો સહેલુ છે પણ ત્રણ-ચાર ફૂટ ના ખડકો ઉતરવા એ પણ કોઈ આધાર વિના થોડા અઘરા તો છે જ.


    પછી તો એનો એજ રસ્તો, એજ ભુજ શહેર થી, ભુજીયા ની તોતિંગ દીવાલ, ત્યાંથી નળકા સર્કલ, મોટરસાઇકલ દોડતી રહી. કુકમાં માં સાંજરે કચ્છની પ્રખ્યાત દાબેલીનો નાસ્તો કરી, ફરી કીક મારી. એટલે રતનાલ, સાપેડા, અંજાર અને ગાંધીધામ રિટર્ન.


લી. મનમોજી


***


Read : એક બે ને સાડી ત્રણ..!!!


#GandhidhamToBhuj #KutchDiaries #MonsoonRide #TapkeshwariTemple #KutchTravel  #BhujAdventure #BikeTripIndia #ExploreGujarat

Post a Comment

0Comments
Post a Comment (0)