ઈશ્વરનો આભાર કેમ માનવો જોઈએ?
મોટભાઈ ગેરહાજરીમાં મોટાભાઈના નાનાભાઈ મળ્યા.. ને બોલ્યા, હે પરમેશ્વર તારો આભાર
લ્યો તયે મનમોજીને વાંચો.. :-
તે ભાઈ મુદ્દો એમ છે કે ઈશ્વરનો આભાર માનવાનો છે આંય, પણ હું અટાણે અસમંજસ માં છું કે આભાર માનું શેનો? (વાંચ્યા કરતા ભાવ સમજજો.)
ભગવાને બનાવેલ અદભુત જગત અને માનવ
હવે પરમેશ્વર નો આભાર તો શ્વાસે શ્વાસે માનવી તોય લગભગ તો ઓછો જ પડશે, એણે કેવકેવડી અદભુત રચના કયરી, સૃષ્ટિ, એમાં નદીઓ, પર્વતો, પ્રકૃતિ અને જીવન.. પછી બનાયવો માણહ, ને એને દીધી બુદ્ધિ. માણહ પણ કેવો માણહ હૈં? બુદ્ધિ વાળા માણહે સમાજ સ્થાપ્યા, પંથ, ધર્મ, જીવન જીવવાની રીતિઓ કરી, ને પાછું સીધે નો પુગાય ન્યા માણહ ગાળિયો કરે હો. ઘનચક્કરની વચ્ચે ચક્કર ચલાવીને પોતે રફુચક્કર થઈ જાય.. એલા ઈશ્વરનો આભાર માનવાનો હતો, મારી ગાડી આડે ઠેકાણે જ પુગે હો.. તે ઓલ્યો માણહ ગાળિયો કરે એમાં બીજો માણહ હલવાય તયેં નવો તો ઈશ્વરની માનતાયુ કરી લ્યે કે, "બાપ બચાવ, હલવાણો હું" ને ઓલ્યો ય આભાર જ માનતો હોય કે એક હલવાણો હજી આવા ચાર દ્યો." કયે કયે ઠેકાણે પરમેશ્વરનો આભાર માનવો? એક હોય તો પુગાય..!!(તકલીફ)
GST ની રેડ અને ઈશ્વરનાં આભારી ભાઈ!
પણ માણહ માણહ છે મોટેશના નાનેશ .. !! ઓલ્યો ભસ્માસુર નહોતો, હાથ મૂકે ઇ ભસમ થઈ જાય એવું વરદાન મયડુ તો કે દાદા તારી જ માથે હાથ મૂકી ને ચેક કરવું છે, આને પુગાય? આંય એક ફેકટરી માં જી.એસ.ટી ની રેડ પયડીતી, પાછળથી ખબર્ય પડી, ફેકટરીમાં કામ કરતા એક માણહે જ 30-70 ના ભાગલા માં જી.એસ.ટી વાળા બોલાયવાતા.. સરકારી ખાતે મીંડું જમા કયરૂ ને બેય ભાગ પાડી ને ભગવાનનો આભાર વ્યક્ત કરી હાલતા થયા... આ આવ-આવડા મોટા મોટા મંદિર મા માણહ જાય ન્યા ભગવાનની હામે ઉભો રહીને "આભાર" માને કોણ છે.. હંધાય માંગવા જ જાય છે ને? આભાર શેનો? મારા જેવા ચાલી-પચા રૂપિયા ભરેલી સુઇટકેસૂ માંગતા જ હોય છે, ખૂટે તયેં નવી માંગી લેવાની.. દાદો નવરો જ છે ને..
મનમોજીનું વિચિત્ર પણ સચોટ દર્શન
બાકી માણહ ને જીવતર શીખવાડવા વિષ્ણુ એ દસ અવતારો લીધા જ છે ને .. ઓલ્યું વોટ્સએપ વાયરલ હતું જ ને.. સૃષ્ટિની ઉત્પત્તિ પાણી માથી થઈ ઇ મત્સ્ય અવતાર, ને પછી વિકસિત જીવ થયો ઇ કૂર્મ, ને પછી વરાહ, પછી અર્ધ પશુ સમાન નૃસિંહ, પછી માનવ તરીકે વામન, ને પછી ક્રોધી પરશુરામ, પછી સમાજ નું સંસ્કરણ કરનાર રામ, પછી કર્મબોધ દેનાર કૃષ્ણ, ને બુદ્ધિ વાળો બુદ્ધ આમ આજનો આ માનવ.. પણ બુદ્ધિ આયવી એટલે ઉપર કીધું એમ ગાળીયા ગોઠવે ઇય માણહ.. ગાળીયામાંથી છટકી જાવી તોય ઈશ્વરનો આભાર માનવો, ને હલવાણાં પછીય ગજેન્દ્રમોક્ષ ની જેમ પણ ઈશ્વર નો તો આભાર માનવો જ..
હાલો તયેં પરમેશ્વર નો આભાર કે કાલ્ય હાંજનું કટકે કટકે લખતો તો એ ઇ અટાણે પૂરું કરું છું..
(હું મનમોજી છું મન માં આયવું ઇ જ લખું છું, જાજુ વિચારતો નથી, એટલે કોઈએ વિચારીને વાંચવુય નહિ હો..)
***
#મનમોજી #પરમેશ્વરનોઆભાર #GujaratiSatire #માણસમારુંજીવન #DivineComedy #GSTવાળીવાર્તા #DilawarsinhWrites #ઈશ્વરઅનેમાણસ