"હાથમાં કલમ, હ્રદયમાં વારસો: લખવાનું લ્હાવો અને કલમની કારીગરી"

0

હાથમાં કલમ અને મનમાં મનોરથ

વળી એક દિવસ મોટભાઈ કહે, "હાથમાં કલમ.."



ને બસ, મનમોજીએ કલમ ઉપાડી..

મનુષ્યનો વિકાસ થયો, તયે એને શું સુયજુ ને કલમ કાગળ વિકસાવ્યા..!! બસ આ શોધ થયી ને.. હવે તો હોડ મચી છે મોટા.. મારા જેવાને કાંઈ નો આવડતું હોય તોય દીધા દીધ કરવું છે મોટા..!


વ્યાસથી લઈને શામળ સુધી – કલમનો ઈતિહાસ

કલમ તો મોટા દુંદાળે ઉપાયડી'તી, વ્યાસને કે પોરો(વિરામ) ખાધો તો આગળ નહિ લખું..!! તમિલ લિપિને વિકસાવવા એના બાપા એ ઉપાયડી હયશે! સેતુ બાંધવા ટાણે રામ નામ લયખું એય કલમ કેવી હશે હે? ઓલ્યા ચિત્રગુપ્ત તો કલમ કાયમ હાથ માં જ રાખતા હયશે ને? ને ઓલ્યા વિધાતા ય મારા જેવા હાટુ કાળા કુંડાળા કલમથીને જ કરતા હયશે ને? કે પછી તુલસીએ દોહરા લખ્યા તા ઇ કલમ વખાણવી? કે પછી ઇતિહાસોના આરાધકોની કલમ? કે કાલિદાસની કલમ? ને વળી ચાબખા હાટુ વાપરેલી કલમ ભોજા ભગતની ભુલાય? એલા અંગદવિષ્ટિ અને છપ્પાઓ લખતી શામળ ની કલમ કેવી હયશે? કાલેલકર થી લઈ મેઘાણી, ને મીરા થી નરસિંહ કે ગંગાસતી થી કલાપી આ હંધાએ હાથમાં કલમ લીધી હોય કે કરતાલ.. પણ એક વિસ્તૃત વિષય અને વારસો મૂકી ગયા હો..!!

ને પછી મેં કલમ ઉપાડી મોટા.. ને તમે જાણો જ છો, આમને તેમ થીગડા મારી મારી ને ચીંથરુ કરી મૂક્યું છે કાં? (પોતાની ય પબ્લિસિટી કરવી પડે ને..!!)

તે હમણાંથી મોટા ઓલી હિમાચલની સાંકડી શેરીમાંથી લાવેલી ડાયરી ભરું છું હો.. જયે ટેમ જડે તયે ઇ એમાં કાંક તો છબરડા વાળું છું, પણ મને પસંદ છે એટલે.. અનંત પાનાઓ ભરવા છે..!!

ઓલ્યું નથી એક મારા જેવો વાર્તા લખવા બેઠો પેલા પનામાં લખ્યું ઘોડો દોડ્યો જાય છે ને બાકીના એકસો નવ્વાણું પાના માં ખાલી તબડક તબડક જ કર્યું..!! બસ આડેધડ ને એમ જ હુંય ઠબકાર્યે જાવ છું ને તોય તમે હજી વાંચયે જ જાવ છો તો મુબારક - તમેય મારી જેમ નવરા જ છો..!!

એલા મોટભાઈ, એક સૂત્ર છે તલવાર કરતા કલમની તાકત વધુ..!! આપણને આ પોહાંણું(પોસાયું) નહિ, તલવારથી કલમના ઉભા કરો કે આડા પણ બે કટકા થાય, કલમ થી નહિ..!! તલવારથી જનોઈવઢ થાય પીડા વિનાની..! પણ કલમથી મૃત્યુપર્યંત ની પીડા..!! અમુક સળંગ ડાયા(ડાહ્યા) કલમથી એટલી બધી કલ્પનાયુ કરી મૂકે કે લોજિક ગયું તેલ લેવા આપણે ઝીંકો એમ..!! (જો કે એનાથી એક માર્ગ ખુલે છે કે ભવિષ્યમાં કોઈ એ માર્ગ ને સિદ્ધ કરી શકે. કોઈએ પાણી વેચાવાની કલ્પના કરી હતી આજ પ્રસિદ્ધ છે.)


જેસલ તોરલથી રાવ બારોટ સુધી – વારસાગાથાનું લેખન

હજી લખું કે તમે કંટાળ્યા? ના નો પાડ્તા હો, તમારોય "ટાઈમપાસ" થાહે..!! તો મોટાવ, આપણે અહીંયા શબ્દો ના સાધક જેસલ તોરલ, લાખા લોયણ, ગંગાસતી કહળસંગ જેવાઓ થઈ ગયા, પરંપરાગત વંશ-વારસાને લખતા તથા એક અનોખી જ શૈલીથી કલમની કારીગરી કરતા રાવ-બારોટો, કે પછી શબ્દોને શણગારી પહાડી સ્વરમાં ખોંખારીને આદિ આવળ થી લઈ આયું ની આરદ કરતા શારદ સેવનારા ચારણોમાં બ્રહ્માનંદ સ્વામી થી લઈ નારાયણ સ્વામીએ કલમની કલાકારી વર્ણવી છે..! મોટા, સત્તરમી સદીમાં દક્ષિણ માં એક કવિ થયા, વેંકટાધ્વરિ એમણે ૩૦ શ્લોક નો ગ્રંથ લખ્યો, નામ 'રાઘવયાદવીયમ'. મોટાવ, આમની કલમ અદભુત ચાલી હો.. એમણે લખેલા ૩૦ શ્લોક સીધા વાંચો તો શ્રી રામ ની સ્તુતિ છે, એ શ્લોક ને ઊંધા કરી નાખો તો શ્રી કૃષ્ણ સ્તુતિ..!! અનુલોમ વિલોમ કાવ્ય પણ કહે છે આને..! (ઉદાહરણ આપું છું, આખું કાવ્ય પણ ગૂગલમાં ઉપલબ્ધ છે..!)


અનુલોમ-વિલોમ કાવ્ય – રાઘવયાદવીયમનું ચમત્કાર

वंदेऽहं देवं तं श्रीतं रन्तारं कालं भासा य: ।
रामो रामाधीराप्यागो लीलामारायोध्ये वासे ।।1।।

अर्थात : मैं उन भगवान श्रीराम के चरणों में प्रणाम करता हूं जिनके हृदय में सीताजी रहती हैं तथा जिन्होंने अपनी पत्नी सीता के लिए सहयाद्रि की पहाड़ियों से होते हुए लंका जाकर रावण का वध किया तथा वनवास पूरा कर अयोध्या वापस लौटे।

विलोमम्

सेवाध्येयो रामालाली गोप्याराधी भारामोराः ।
यस्साभालंकारं तारं तं श्रीतं वन्देऽहं देवम् ।।1।।

अर्थात : मैं रुक्मिणी तथा गोपियों के पूज्य भगवान श्रीकृष्ण के चरणों में प्रणाम करता हूं, जो सदा ही मां लक्ष्मी के साथ विराजमान हैं तथा जिनकी शोभा समस्त जवाहरातों की शोभा हर लेती है।

મોટા, હજી લખવું તો છે પણ હવે વધુ સમય વ્યર્થ નથી કરવો..!!

અસ્તુ.


#GujaratiBlog #KalamNiKahani #DilawarsinhWrites #Dilaayari #GujaratiWriter #GujaratiKavya #GujaratiSahitya #WritingPower #AnulomVilom #GujaratiHeritage #GujaratiLiterature #CharanSahitya #MeghaniToKalapi #GujaratiCulture #DesiWritings


Post a Comment

0Comments
Post a Comment (0)