ધૂણીના ખૂણામાં ચિંતાતુર રાત
#વાતનું_વતેસર
#pritampardeshi
ત્રિકાળી બાવાના યોગાસન અને મુદ્રાઓ
રાત આખી આ પરદેશી પ્રીતમે એ ધૂણી વાળા ખંડ માં એક ખૂણામાં ચિંતાઓમાં વ્યતિત કરી.. આગળ શું થાશે ને શું નહિ.. ત્રિકાળીએ તો ધૂણી પાસે વિવિધ આસનો જમાવ્યા, પહેલા પદ્માસનમાં થોડીક વાર જ્ઞાન મુદ્રા બનાવી, પછી વિતરાગ મુદ્રામાં કોઈ જાપ કર્યા.. થોડીવાર પછી વજ્રાસનમાં બેસીને વાયુમુદ્રા ધારણ કરી, ફરી થોડી વારે વિરભદ્ર આસનમાં બેસીને સંકલ્પ સિદ્ધિ માટે સમન્વય મુદ્રા માં ધ્યાનસ્થ થયા.. અને પછી સુખાસનમાં વિવિધ હસ્તમુદ્રાઓ કરીને બ્રહ્મરંધ્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આમાં જ રાત્રી વીતતા પ્રભાત થવાની છડી પોકારાય ન પોકારાય ઇ પહેલા "કુંવર, સુંવર ને કૂતરું - પ્રભાતે પોઢે" આ ઓઠા ને ખોટું સિદ્ધ કરી પરદેશી પ્રીતમ બેઠા બેઠા જ ઝોલું ખાઈ ગયો, અને નિંદ્રા ને શરણ થયો..!!
અજાણી વૃક્ષફળોનો પ્રભાવ અને શાંતતાનું આગમન
આ બાજુ, પ્રભાતનો નિત્યક્રમ પતાવી બટુક મહારાજ લીલો ગાંજો ગુરુજી માટે લઇ આવ્યો, બંને ગુરુ ચેલાએ નિયમસર અર્ઘ્યાદિ વિધિઓ કરીને ચૂંગીના લાંબા લાંબા દમ ખેંચી પરોઢને વધાવી..! ધુમાડાથી વિસ્તરણ પામતી તીવ્ર ગંધ નાક વાટે પ્રીતમના શિથિલ મગજને ચેતનવંતુ કરતા જ તે જાગ્યો. બટુક મહારાજે તેને નિત્યક્રમના સ્થાનો બતાવ્યા, અને પ્રીતમ નાહીધોહીને તૈયાર થઈ પાછો ધૂણી વાળા ખંડમાં આવી પહોંચ્યો…કાંક તો ખજીનાની આશા ને કાંક ઓલ્યા ભૂત નો ભય આ પ્રીતમને તે સ્થાન છોડવા દેતો નહોતો..! બટુક મહારાજે એક વાંસની સળી ઓથી બનેલ છાબમાં કંઈક અલૌકિક , ન ભાળ્યા હોય એવા જંગલી ફળો ને કંદ પીરસ્યા, ભયથી ભૂખ્યા આ પ્રીતમે તો ઘડીકમાં તેનો સફાયો કરી નાખ્યો… અને ત્રિકાળી તથા બટુક મહારાજ સામું સામું મલકાઈ રહ્યા..!!
પેટની ક્ષુધા તૃપ્ત થયાથી અને આ ફળો તથા કંદ કંઈક નવીન ચેતના અર્પ્યા હોવાથી પ્રીતમના રોમેરોમ માં જાણે ટાઢક થતી હોય તેમ લાગ્યું, મન શાંત અને સ્થિર થવા લાગ્યું, કોઈ કૃતનિશ્ચયતા આવવા લાગી હોય એમ ગંભીર થતો લાગ્યો. જાણે જૂનો લોભી અને ઘેલા પ્રીતમ નો લોપ થયો ન હોય..!
પ્રીતમના પ્રશ્નો અને બાવાના ભેળસેળીયા જવાબ
"બાવાજી મારું અહીંયા હોવાનું કારણ શું? હું તો મારા પંથે જ ભલો હતો, મારી પ્રેયસી મારી રાહ જોતી હશે કાં તો વિરહ માં રોતી હશે, હું પણ મારા અર્થ નો ધર્મ વહન કરી ને તેને જ પામવા જઇ રહ્યો હતો પણ આ માર્ગ તો મારો નહોતો..!!! આપ આપના લાભ માટે કોઈ અન્ય ના જીવનમાં આમ વિક્ષેપો કેમ કરી શકો?" પરદેશી પ્રીતમે સાદરભાવે પોતાના પ્રશ્નો કહ્યા.
(ઘણું ગંભીર થઈ ગયું કાં? થોડુંક હળવું કરુંને..)
"એ વહુઘેલા બચ્ચા, તુમારે રાસ્તે મેં મોટા વિઘન આવતા તા ઓર મેરેય મારગ મેં આવતા તા..! ઇસ લિયે મેને હમ દોનું કા પ્રારબ્ધ કો થોડા ભેળસેળીયા કિયા… ભેળસેળીયા સમજતા ને? તુમ ગૃહસ્થી લોગ કેસા અનાજમે કંકર મિલાકે બેચતા ઉસકુ હમ ભેળસેળીયા કે'તા… હમને તુમકો તુમારે માર્ગ સે હટા કે મેરે મારગ મેં ભેળવ દિયા… અબ હમ દોનું મિલકે મારગ પ્રશસ્ત કરેગા..!" ત્રિકાળી બાવો પણ પૂરો બાવો છે હો.. જમાનો ખાધેલ..!!
"બાવાજી કંઇ સમજાય એમ માંડીને કરો, એક તો આંય પૂરું ગુજરાતીના ફાંફા છે ને તમે પોણા હિન્દીમાં પા ગુજરાતી ભેળસેળો છો..!!" પ્રીતમને બોલતા તો બોલાય ગયું પણ બાવો ગુસ્સે નથી થયો એટલે થોડીક ધરપત રહી.
"અરે બચ્ચાં મેને તુમકો ઉધરસે નહિ લાયા હોતા તો તુમ ખજીના લેકે ચંદ્રપ્રિયા કને પુગી જતા, ઉધર તુમ વિરહ કે મિલન બાદ સુધબુધ ખોકર મિલતા, ખાના ખાતા, ગાના ગાતા, ઝરૂખેમે ઠંડા પવન વાતા, ઓર તુમ સો જાતા. વહાં એક કાળોતરા તુંમકું કાટતા ને તુમ પરલોક સિધારતા, હમ તુમકું બચાયા..!" કેટકેટલું મિશ્રણ વાળું હિન્દીમાં ત્રિકાળીએ વાત પીરસી.. પણ માને તો પ્રીતમ કેવો..?
તપસ્વીના માર્ગે સંશયનો સંગ્રામ
નક્કી આ બાવો કાંક જંતર મંતર હાટુ મને આંય ઢસડી લાયવો છે, ને હવે મારો ઉપર અખતરા આદરશે..! "પણ બાવા હું તમને ક્યાં કામ આવીશ? મને તો તમારી તપસાધના જેવું કાંઈ આવડતું નથી, કે નથી મેં કોઈ યોગ કર્યા..!" તોય તંત ન મૂકે એનું નામ પ્રીતમ.
"બચ્ચા હમને કબ કહા તુમ હમકું કામ આયેગા? હમકું તો તુમારા શરીર કામ આવેગા..!"
ભાગવાનો પ્રયાસ અને ગુફાના ગૂઢ વળાંક
ત્યાં તો આ પ્રીતમે ઠેકડો માર્યો.. "મને ખબર જ હતી આ બેય ભેળા થઈ ને મને મારી જ નાખશે..!!" મનોગત વિચારી ને આ તો માંડ્યો ભાગવા..જંગલ મધ્યે જ્યાં સૂઝકો પડ્યો ઇ દિશામાં આણે દોટ દીધી, પણ જ્યાં જાય ત્યાં છેડે આ જ ગુફા ભાળે ને એ રસ્તો બદલે, આડેધડ આ ગાઢ જંગલમાં એણે દોડ્યા રાખ્યું પણ ક્યાંય બહાર નીકળવા નો કેડો મળ્યો નહિ, જે દિશામાં દોડે ત્યાં દૂર આ જ ગુફાનું મુખ દેખાય..! અંતે થાકી હારી પાછો એની એજ ગુફા માં પ્રવેશ્યો, એનો એજ ધૂણી વાળો ખંડ, હાંફી ગયેલો, ત્રિકાળી ની સામે પાછો આવી ઉભો રહ્યો… ત્યાં ત્રિકાળીના ચહેરા પર હળવું હાસ્ય ભાળ્યું. "પરિશ્રમ ઉપર પાટું ઝીંક્યું આ બાવે તો.." એમ મનમાં બબડી ભાગ્યને કોષતો ત્રિકાળી બાવાની સન્મુખ આસને હાંફતો બેસી ગયો.
"અરે તુમ કિધર ગયા થા બચ્ચા? ઇતના હાંફતા ક્યું હૈ, જા ઉધર મટકે સે પાણી પી લે બચ્ચાં..!"
પાણી પીવા ઉભો થયેલ પ્રીતમ મનમાં જ બબડયો, "આખુંય જંગલ ખૂંદી ને આવ્યો ને આ બાવો જાણે છે તોય મજાક કરે છે, લાગે છે જીવનનો અંત આ જંગલમાં જ નક્કી છે, હવે ફરી એ ચંદ્રપ્રિયાને મળવા નહીં જ પામું..!" અને નિરાશવદને પાણી પી ને પોતાનો ખૂણો પકડી બેસી રહ્યો.. અને આંખો મીંચી વિરહઘેલો ઘેન માં ઘેરાણો, આ માનસિક બોજો હતો કે બાવાએ પાયેલ પાણી કે એ આખો દિવસ સૂતો રહ્યો..!!
જાગ્યો ત્યારે બરોબર મધ્ય રાત્રી થઈ હતી..!!
Read Full Story (Click Here)
***
#PritamParedeshi #Part7 #વાતનુંવતેસર #ત્રિકાળીબાવો #યોગીશક્તિ #આધ્યાત્મિકમુલાકાત #બટુકમહારાજ #ઉઘાડપગાપ્રીતમ #ધૂણિધ્યાન #આગંતુકમાનવાકૃતિ