"ચલમ, ચાંદ અને ચકકરવાળો ચોથો ગરબો!" || DHUNTA SHURAPURA..ANE VANKO PRAVAS..||

0

નવરાત્રી તો પૂરી થઈ ગઈ… પણ ચલમ તો શરદપૂર્ણિમા પર ફૂંકાઈ!

    રાજનૈતિક નવરાત્રી પુરી થઇ ગઈ'તી, સમયને અભાવે હું વર્ણવી તો નો શક્યો, પણ અટાણે થોડોક ટેમ છે તે વાત માંડુ..!



    તે શરદપૂનમની રાતે રમઝટ બોલાવીને સૌ સૌને દેશ પાછા વળી ગ્યા'તાં. આખોય મેદાની શણગાર માણહ વિનાનો ભેંકાર લાગતો'તો, મોટા ફોકસ અને હેલોઝન તો બંધ કરી દીધા'તા, નાની સીરીઝું શરું રાખીયું'તી, તે ઈ ટમટમ થાયે રાખતી'તી, માથે તો ગ્રહણ વાળા ચાંદાનું અજવાળું પૂર-જોરમાં હતું જ. હું ને ગજાને આંયાં બધા ઓળખીતા થઇ ગયા'તા, તે હંધાયનાં વયા ગયા બાદ પણ સિક્યુરિટી વાળાવે અમને બેહવા દીધા'તા..! બે જુના ભેરુ મળ્યા'તા, ને પછી તો સુવાણ્ય જામી છે કાંઈ..!


ભીના મેદાનની સુવાણ – જ્યાં યાદો ફરી ગરબે ઊતરી

    ગજા એ ચલમ ચેતાવી..! હા, ઉપરાઉપરી અનેકો વાર હૃદયભંગ થયા બાદ, અને મારી હાર્યે અમુક બાવાઓને ભેટ્યા બાદ, ગજાને બાવાવાળી ચલમનો સ્વાદ કોઠે પડ્યો છે..! ફરતી કોર્ય કોઈ હતું નહીં, મેદાન પણ થાકીને પોઢી ગયું હતું, ઝાડવા સ્થિર થયા હતા, ગજે શર્ટની વાળેલી બાંયું માંથી એક કોથળી કાઢી, તમાકુ જેવા પાંદડાઓનો ચૂરો હાથમાં લઇને ચોળ્યો, ચલમમાં ભર્યો, માથે દિવાસળીનો ડામ દીધો, એક લાંબો કસ તાણી મારી તરફ ધરી. મેંય જોશમાં જોશમાં એક લાંબો કસ તાણ્યો તો ખરો, પણ જીરવ્યો નહીં ને ખાંસી ઉપડતા ચિલમમાં સામી ફૂંક મરાય ગઈને, બસ ચલમેં ફૂટેલી તોપ જેવા તણખા ફેંકી દીધા. ગજે કતરાઇને પાછી ઠારી દીધી, ને વાતુંયે વળગ્યા, ત્યાં જ પ્રીતમ પરદેશી આવ્યો..!  પ્રીતમ પણ હવે પેલા જેવો રહ્યો નહોતો.. એની પ્રીતની તમામે પાળ તૂટી ગઈ હતી, અને જ્યાં-ત્યાં પ્રીતની શોધમાં ફાંફાં મારનારો થઇ પડ્યો હતો. 


ગજાની ચલમ, પ્રીતમનો સ્નેપચેટ અને બુધાની મુડી વિલાપ

    લગભગ રાતનો દોઢ વાગ્યો હતો..! પૂર્ણિમાના ચંદ્રને ગ્રહણનું બટકું ભરાઈ ગયું હતું. ડાઘ વાળો છતાંય શોભાયમાન શીતળ ચંદ્ર પૂર્ણ કળાવાળો થવાનો હોવા છતાં અપૂર્ણ જ કળાતો હતો.! પ્રિતમે આવતાવેંત મારી બાજુમાં જ સ્થાન લીધું, એંઠા સફરજનવાળો મોંઘોદાટ ફોન ગજવામાંથી કાઢ્યો, સ્નેપચેટમાં સારો એવો ફિલ્ટર સાથે ફોટો પાડી દિલના ડાગલા વાળું સ્ટીકર ચોંટાડીને "ફુલ મૂન વાઈબ્સ" લખીને હંધાયને મોકલી દીધો..! 


    "પત્તા, આ શું માંડ્યું છે તે?" એની સ્નેપ. મિત્રોમાં નકરી મહિલાઓને જોતા મેં પૂછ્યું..!


    "બડી, ઇટ્સ નોર્મલ..!"


    "હા, અંગ્રેજ.. હશે હો..!"


    "યુ નો(KNOW), આજ કાલ આ સોશિયલ લાઈફ બહુ કેરિંગ થઇ ગઈ છે..!"


    "હા, ખબર છે ને, ફાંસ વાયગી હોય તો રાતના બબ્બે વાગ્યા સુધી મંડાણાં હોય, "બી કેરફૂલ"..!"


    "નાહ્, આઈ મીન ટુ સે..!"


    તોલામાં ટપલી ઝીંકતા, "બંધ કર્યને તારું આ અંગરેજું..!" બીજી બાજુ ગજો પાછી ચેતાવતો'તો..!


ભેરુ હરીશનો નાટક, ખમા ભાઈનાં ટપોરિયા તહેવાર

    એટલામાં જ એક જૂનો ભેરુ હરીશ આવ્યો..પણ અમે એને બુધો બંધાણી કેતા..! હરીશ આમતો અતિ-સભ્ય, સારો સૂચના-જાણકાર, અને તાજો ટ્રેડરિયો પણ ખરો..! ને હા, ભૂતપૂર્વ બાટલીબાજ પણ..! જો કે હમણાંથી મૂકી દીધું છે તે સારું છે, ઈ બાટલીના બચેલા એણે ટ્રેડિંગમાં ઉમેર્યા, લગાતાર મહિનો દી બેના ચાર, ચારના આઠ, આઠના સોળ કર્યા.. પણ એક દી કાંક બેધ્યાનીમાં સોળના પાંચ થઇ ગયા. તે એમાંય થોડો દી પોરો ખાધો..!


    હવે અમારી ચોકડી આ નવરાત્રીના ખાલી મેદાનમાં કુંડાળું કરીને સુવાણયે ચડી..! ઍયને જૂની જૂની બાળપણાની યાદોમાં ખોવાય ગયા..! એટલા માં બુધાને શું સૂઝ્યું તે નાટક આદર્યું..! એક ખેસ માથે ઓઢીને મંડ્યો બેય ખમ્ભા હલવવા, "ખમા ભઇ, ખમા.. મું તો આ પાદરમાં બેઠેલો મગન માધાનો શૂરાપૂરા સુ ભઈ.."


    ને અમે ત્રણેય આ તરકટમાં જોડાયા..! "હા દાદા, ખમા ખમા..."


    "અલ્યા ભઈ ધારું તો આકાશ પાતાળ એક કરું હો.."


    "હા દાદા હા.." (અમારે તો હા એ હા જ કરવાની હતી.)


    "સુ કઉં સુ ભઈ, ધારું ઈ કરું ભઈ.. કાળો કોબ્રા કરડ્યો હોય તો ઇનુંય ઝેર ઓલવી આલુ ભઈ, સુ કવ સુ ભઈ..!"


    "હા, દાદા ખમ્મા.."


    "ભઈ, આ તો વખત સે, મેનત વના બદ્ધુ મળી રે સ, અમે તો દાતરડા લે લે ને વળી જ્યાં'તા ભઈ..!"


    "ખમા દાદા, હા દાદા"


    "સુ કવ ભઈ, ખરો બપોરનો વાડીયે જ્યોતો ભઈ, માથે ચેવો તા બળ ઉનારે..! સુ કવ ભઈ, ભર બપોરે મુ નેકર્યો ભઈ, ઠેસ વાગીને માથું ફૂટી જ્યુ ભઈ, તે દાડાનો ઓંય કન બેઠો સુ ભઈ..!"


    "હા દાદા.."


    "હવ કોઈ નેકરે ઈને ઠેસ વાગવા દઉં, તો તો મુ બેઠો ન બેઠો કેવાંઉ ભઈ, સુ કવ ભઈ..?"


    "ખમા દાદા ખમા..!"


    "અલ્યા ભઈ, માગ માગ માગે ઈ આલુ.."


    ને ગજા નો મગજ ગયો, "એલા દાદા, અમારે લીલી વાડિયું, ખાવા પૂરું ધાન છે, ને રેવા પાકું ધાબુ, પણ તમે જેના પનમાં આયવા એના પગમાં બે કપાસિયું છે ઈ મટાડી દ્યો તો હારું..."


    ને એલા.. બુધો દાંત કાઢી કાઢીને બઠ્ઠો વળી ગયો..! પ્રિતમે આ આખો પ્રસંગ કેપ્ચર કરીને યુ-ટ્યુબમાં નાખી દીધો..!


    ગજાને સેજ ચિલમની અસર તો આવી'તી..! કે, "હાલો, ક્યાંક રખડવા જાવી..!"


    "ક્યાં જાહુ?" મેં આ અચાનક ઉપડેલ ચળ ને ડામવા પૂછ્યું..!


    "જયારે મુંજાય જીવ, ત્યારે હાલો દીવ..!" અંગ્રેજી એક્સેન્ટમાં પત્તો (પ્રીતમ) તરત બોલ્યો.


    "ના ભાઈ, માંડ મૂક્યું છે, જીવ જાલ્યો નહીં રે.." બુધાએ પોતાની અણ-શક્તિ જાહેર કરી..!


    "ઠીક છે, એક કામ કરીયે, ઓમેય ચાર વાગવા આવ્યા છે..! ગાડી લઈને નીકળી પડીએ, દી ઉગતા જે દશ્ય દેખાય ઈ ભણી વ્યા જાહુ..!"


નવરાત્રી પછીની શરમજનક ટ્રિપ – જયારે વાહન નહીં, અમે જ વળ્યા!

    ડ્રાઈવર સીટ ઉપર બેસીને મેં મોટર શરૂ કરી, ગજો મારી બાજુમાં ગોઠવાયો, વાંહે બુધો બંધાણી ને, પત્તો પ્રીતમ..! ને મોટર હંકારી મૂકી. ગજા એ પાછી ચલમ ચેતાવી. થોડોક સારી રીતે ઘસી-મસળીને માલ ભર્યો. દીવાસળીથી પ્રગટાવી, ને હર હર બમ બમ કરીને કસ તાણ્યો. મેય હાથ લાંબો કર્યો કે, એક ટ્રાય હજી થઇ જાય, સેકન્ડ ટ્રાય પેલા જેવી મજબૂત ન લાગી..! મામલો થોડો સરળ રહ્યો, પણ મારા માટે નવીન આઈટમ હતી એટલે જાજી માફક ન આવી. પત્તો પાછો મોબાઈલમાં વળગી ગયો હતો, ડ્રાઈવ-વ્લોગ બનાવતો હતો. બુધો પણ ટ્રેડિંગ માર્કેટના વિવિધ ચાર્ટ્સ ચેક કરી રહ્યો હતો.દોઢેક કલાક હંકાર્યા બાદ જોયું તો વાંહલા પેસેન્જર તો પોઢી ગયા'તા, જાગતા તા હું ને ગજો..! ગજે પાછી એક ચેતાવી, ગાડીના કાંચ બંધ હતા, તે ધુમાડો બધો ગાડીમાં ભરાઈ રહ્યો, ને વાંહયલ બેય ખાંસતા-ખાંસતા જાગી ઉઠ્યા, ફટાફટ ગાડીના કાંચ ખોલ્યા.


    તત્તણ ચલમ તાણીને ગજો તો ભાઈ લવારી એ ચડ્યો.! "તમને ખબર છે, મેં ગેરેજ શરુ કર્યું ને તયે RO પાણી થી એક્ટિવા હલાવ્યું'તું."


    બુધાએ તરત સૂરમાં સુર ભેળવ્યા, "હાલે જ ને ભાઈ, ઘાસલેટથી રાજદૂત નહોતા હાલતા?"


    પત્તોય બોલ્યો, "યુ નો, મેં તો છત ઉપર કોનોકાર્પસ ઉગાવ્યું હતું, તો RTO વાળાઓની નોટિસ આવી..!"


    "શું ફેંકે છો એલા.. RTO ને લેવા કે દેવા?" કાનમાં સીસું રેડાતા મેં પૂછ્યું.


    "અરે સાચે બસ, એક્ચ્યુઅલી એવું થયું હતું કે ઈ ઝાડ ઉભાને બદલે આડું ઉગી ગયું.! અને લંબાઈમાં રોડ સુધી પહોંચી ગયું, પછી તો RTO ને ટ્રાફિક જામ ની સમસ્યાઓ સતાવવા લાગી."


    "હેં.. પછી?" મેય ફાંકા-ફોજદારી જિંદાબાદ કહીને જંપલાવ્યું.


    "પછી શું, આઈ જસ્ટ ઇન્ફોર્મ્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કે આ RTO વાળા લોકો વૃક્ષ કાપવાનું કહે છે. અને પછી તેઓ એ અંદરોઅંદર ફાઇટ કરી છે કાંઈ."


    "હેં.. પછી?" ગાડી સહેજ ધીરી કરતા મેં પૂછ્યું.


    "ઓહ, ધેન તે લોકો ને ખબર પડી ગઈ, ઈટ વોઝ કોનોકાર્પસ, એન્ડ ધેન ફોરેસ્ટ વાળાઓએ પોતે જ તે ઝાડ કાપી કાઢ્યું. એન્ડ યુ નો મારે ઝાડ કપાવવની મેહનત જ ન કરવી પડી.


    "પત્તા તું લાગતો નથી પણ છો તો હુંશિયાર.."


    "ઈતો ઠીક છે, પણ ગેરેજમાં મારી પાસે એક એવું પાનું હતું કે ઈ પાનાથી બોલપેન ઉપર લખી શકાતું.." ગજે ગોફણથી ગોળો છૂટે એવો ફાંકો ઘા કર્યો.


    "યેહ, ટેક્નોલોજી બ્રો..!" પત્તાએ મિલે સુર મેરા તુમ્હારા કર્યું.


સવારના સાતે, ઉગતું સૂરજ અને ફરી પાછો એ જ ગેટ..!

    આમનમ ફાંકા-ફોજદારી હાલ્યા રાખતી'તી, લગભગ પરોઢના સાતેક વાગ્યા હતા,  સારું એવું અજવાળું પથરાય ગયું હતું..! સતત ત્રણેક કલાક ડ્રાઈવ કર્યા બાદ હવે એક સ્ટોપ લેવાની ઇચ્છા થઇ..! એક મોટો ગેટ જોઈને એની પાસે જ કાર સાઈડ માં લગાવી. પગ છૂટો કરવા અમે હેઠા ઉતર્યા. બુધો તરત બબડ્યો.. "આ ક્યાં લઇ આવ્યા.."


    "ઓહ શીટ બ્રો.. વૉટ્સ ધીઝ?" પત્તો પણ પોકારી ઉઠ્યો.


    "ચીલ બ્રો ચીલ.." કરતો ગજો હેઠે ઉતર્યો, ચારેકોર નજર ફેરવીને ગેટમાંથે ઠેરવતા બોલ્યો, "આ ગેટ ક્યાંક જોયેલો છે..!"


    ગેટમાંથેનું બોર્ડ વાંચીને ગજાને ધોલ મારતાં મેં કીધું, "તારો ડોહો આપણી નવરાત્રી નો જ ગેટ છે આ, ત્રણ કલાકથી આની ફરતે જ ઘુમરા માર્યે રાખ્યા'તા આપણે..! ખબરદાર બીજી વાર આવી ચલમ મારી આજુબાજુ પણ ફૂંકી છે તો..!


***


"ક્યારેય તમારી નવરાત્રી આવી વિસરામય બની છે? કોમેન્ટમાં કહો કે તમારું ગજું ક્યાં સુધી ગયું..
ને હા, શેર કરો આ પોસ્ટને તમારા ચાલાક મિત્રોની સાથે, જેમના મોઢામાં પણ ક્યારેક ચલમ હતી!"


***

#NavratriAfterParty #GujaratiBlog #ChalamChronicles #UrbanFolklore #AfterNavratriDrive #GujaratiSatire #MidnightRide #BuddhoBandhani #ChandChakraChalam #GarbaGoneWild #Dilayari #SharadPurnimaVibes #GujaratNiMoj #VadodaraVibes #FankarFojdari  



***

Post a Comment

0Comments
Post a Comment (0)