તડકો, થાળીઓ અને બટર પનીર
મોટા, દિ આખો તો ગરમી ઘોબા ઉપાડે છે.. ને ઝાલરટાણે વા સુસવાટા નખવે છે.. શું થાવા બેઠું છે હાળું સમજાતું નથી હો એલા.. એમાંય લગનિયો ગાળો.. તે એય ને પનીર બટર મસાલાની ઝીંક બોલે છે... આજકાલ સમયનું ચક્ર ફર્યું છે ને, થાળીયું લઇ લઈને આખું મેદાન ફરતા જાવ, ગળચતાં જાવ, ને પચાવતા જાવ..! ઈ પેટમાં પડેલું બટર પનીર તો લગભગ સામે છેડે રાખેલા દાળભાત ના કાઉન્ટર સુધી પુગો ત્યાં જ પછી જાય..!!!
એક નોટિફિકેશન અને પંદર વર્ષ જૂની યાદ
ફર્યું તો છે હો મોટા, સમયનું ચકેડું...! હમણાં કાલ-પમદી જ અનુભવ થયો. એય ને સાવ નવરો સવારના પોરમાં તડકો તાપતો'તો. ન્યાં ફોનની ઘંટડી રણકી.. નોટિફિકેશન મોટા.. અમુક નોટિફિકેશનું મોઢા ઉપર વીઘા એક નો મલકાટ લાવી દે, અમુક તો એમ થાય કે આણે ક્યાં અટાણે મેસેજ કર્યો. ચેક કર્યું, ગૂગલ ફોટોઝની નોટિફિકેશન હતી... લગભગ પંદરેક વરહ પેલા નો ફોટો. જજકી ગયો ઘડીક તો હું, સમય નું ચકેડું જબ્બર ઝપાટે ફરી ગયું હોય એવું લાગ્યું એલા..! ઝીણી ઝીણી મુછું ફૂટતી'તી હજી, દાઢી - એનું તો નામ નિશાનેય નહોતું. ઘરથી ચારસો કી.મી. દૂર.
વડોદરાની વાટે ફરી યાદોનાં પગલાં
વડોદરું શહેર, ખાધે પ્રખ્યાત લીલો ચેવડો, ને બાધે(ઝઘડા) પ્રખ્યાત પાણીગેટ, સુરસાગર ને કાંઠે ન્યાય મંદિર, ઠીક એની સામે લાગતી મંગળવારી, ત્યાંથી ચાલતા થોડેક આગળ વધો, એટલે પાછો સુરસાગરના કાંઠે ઉભેલ પ્રતાપ ટોકીઝ, હજી થોડે આગળ ચાલો એટલે આવે જયુબેલી બાગ...! આ બધી યાદો માથે લગભગ પંદર વરહનું સમયનું ટાયર ફરી ગયું મોટા..! ગૂગલે તો ઘડીક ભારે માંહ્યલો ઉથલો મરવી દીધો.
સમયનું ચક્ર – જગતમાં અને જિંદગીમાં
સમયનું ચક્ર ઘણું ફર્યું છે, ઘણે ફરી વળ્યું પણ છે. બ્રેડ બાસ્કેટ જેવું યુક્રેન માથે આ ચક્ર કાળચક્ર બનીને ફરી વળ્યું. આપણે આયાં ય ઘઉંને બીજા ધાનના ભાવે પણ એકાદ ધુમરો મારી લીધો.
જ્યાં સમય ધીમો લાગે છે...
બસ ખાલી સમયનું ચક્ર એક જગ્યાએ જઈને થંભી જાતું હોય એવું લાગે.. જયારે કોક ઉત્સાહનો અતિરેક હોય અને રાહ જોવાની હોય. ત્યારે એમ લાગે કે જાણે સમયની ગતિ ઘણી ધીમી થઇ ગઈ છે. બાકી આમ તો આ શિયાળાનો દિ જબરી ઝડપ પકડે છે, ઘડીક માં સાંજરી વેળા આવીને ઉભી રહી જાય છે.
હાલો લ્યો.. સમય નું ચક્ર તો ફર્યા જ કરશે, હું થોડોક ક્યાંક ફરવાજોગો મેળ કરતો આવું. સૌને સીતારામ..