"ભાગ્ય ભટાકતું અને ભાયગા રાયખ: એક ગામડિયાની ગાથા શબ્દોમાં છુપાયેલી"

0

મોટાભાઈનું માર્ગદર્શન – "ભાગ્ય પર લખો"

અમારે મોટાભાઈ કહે ભાગ્ય પર કાંઈક લખો..




મનમોજી :-
એ રામ રામ મોટા, હૌ ડાયરા ને રામ રામ..

     તે વાત એમ છે કે આજ મોટાએ ભાગ્ય માથે લખવાનું કીધું છે, ઈય પાછું પ્રિય ભાગ્ય, તે મોટા મામલો કાંક એવો છે કે મને તો મારું ભાગ્ય પ્રિય છે, પણ ભાગ્ય ને હું પ્રિય નથી, ભાગ્ય ના જોરે જ્યાં જ્યાં મેં હાથ નાખ્યો ન્યા આપણે મોઢાની જ ખાધી છે.

હર્ષદ મેહતા, મોબાઈલ ફિલ્મ અને ગામડાનો ભાવ


     હમણાં એક દી ઓલ્યા હર્ષદ મેહતા વાળી ફિલમ જોઈ'તી, ઇસકેમ ઓગણીસ્સોને બાણું, આપણે ગામડિયું માણહ ટોકીજુ માં ફિલમું જોવા નો જાવી, મોબાઈલ માં આવે તયેં જોઈ લેવી, તે ઓલ્યા હર્ષદે દિમાગ વાયપરું'તું, ને આપણે ભાયગ, તે માછલાં ધોવાઈ ગ્યા હો મોટા, આપણાં ચાર જેસીબી હતા, બે બયચા.. આ મારું પ્રિય ભાયગ..!!

     એતો હાલો હયમજા(સમજ્યા), રૂપિયા હાથનો મેલ છે તે નાવા ટાણે નવા ઉભા કરી લેહું, પણ ભાયગ (ભાયગ=ભાગ્ય) એને કેમનું ઉભું કરવું કરવું ? ઓલું કોક કેતુતું ને "સોતે કા સોતા, બેઠે કા બેઠા ચલતે કા ચલતા હી ભાગ્ય હોતા હૈ" આપણું તો મોટા ઉભડક સૂતું લાગે છે, હારું હમજાતુ જ નથી..!

     તેદી ઓલ્યું કન્યા જોવા ગ્યા તયેં ન્હોતું ભાગવું પયડું? મારું તો ભાયગ(ભાગ્ય) જ કે છે ભાયગા (ભાગ્યા) રાયખ..!!

લગ્ન અને લાઈફ


     લગનનો હરખ મને તે મોટા ઉપાડે લગન કયરા, ધામધૂમ થી, પણ એમાં ય કાંઈ ખાટયો નહિ હો, માથાભારે મળી છે, દી કે તો દી ને રાત કેતો ધોળા દી ને ય રાત માનવી પડે હો મોટા, મારા જેસીબીના પાવડા જેવા તો એના હાથ છે મોટા, જમડાનેંય ગોઠણ હેઠે દાબીને ઘંટલા દળી જાણે હો, (એલા ઘંટલા તો ખબર્ય છે ને? અનાજ દળવાના મોટા મોટા ગોળ પાણા હોય ઇ, તમારે ન્યા શું કે એને?) પણ કામઠી બહુ હો મોટા, પંદર-વીહ માણહનું રાંધવાનું હોય તો એ એકલી બસ થઈ પડે હો.. અન્નપૂર્ણા જોઈ લ્યો..!! 

મેમાનો, ખેતર અને યાદશક્તિની હાર


     પણ એક દી અન્નપૂર્ણા આકરી થઈ પડી તી હો, હું ગયો તો શે'ર, તે સવારના પોર માં ચાર-પાંચ જુના ભાઈબંધુ મળી ગયા, તે મેં તો દઈ દીધું નોતરું, ઘરે ફોન કરીને કઈ દીધું કે પાંચેક મે'માન આવે છે રાંધી રાખજો, ને હું વ્યો ગયો વાડીએ, એક-બે જણાનું ખોદવાનું હતું, આપણે ગમે એનું ખોદી નાખીએ હો એય એની જ નજર સામે.. જેસીબી મોટા જેસીબી.. મારા જેસીબી છે ખોદવાનું જ કામ..!! તે આપણે ખોદવામાં એટલા મગન થઈ ગયા તે સાંજે સાડા છ સુધી ખોયદા જ રાયખું.. સાંજે કામ પૂરું થયું ને ઘરે ગયો ત્યાં ઓલી બાર્યહાખ (બારણાની ફ્રેમ - બારસાખ) માં જ બેઠી'તી હો. હું કઉ "કા હું થયું?" તે ઇ કે "કયા તમારા મેમાન?" 

     આપણે હાવ મામલો જ ભૂલી ગ્યા'તા મોટા, ને પછી તો મને ભાણે બેહાડીને પોતે બાજુમાં હાંબેલું(સાંબેલું/મુસળ-ડાંગર વગેરે ખાંડવાનું લાકડાનું સાધન) લઈને બેઠી હો, પછી તો મોટા રાતની સવાર સુધી પાંચ માણહનું ભોજન મેં એકલે ખાધું, (ખાધું શેનું ઓલી એ ધરાર ખવડાવ્યું). 

     આવું આપણું ભાયગ મોટા.. મોટા આવા તો કેટલાય દાખડા(દાખલા) છે.. તયેં હાલો લ્યો હવે હૌને રામ રામ.. 
વાડીએ જાવું છે આવડું પચાવવુંય જોહે ને..!!


#GujaratiBlog #BhagyaNiMajak #Dilaayari #DilawarsinhWrites #GujaratiHasya #DesiGujarati #VillageLifeHumor #GujaratiKahani #BiwiAurBhagya #GujaratiStoryBlog #JCBLife #GujaratiFunRead

Post a Comment

0Comments
Post a Comment (0)