પ્રેમનો પ્યાલો: યુવાન પ્રેમની મીઠાશ અને દુઃખદ અનુભવો | Dilawarsinh’s Diary

0

પ્રેમનો પ્યાલો: યુવાન દિલની મીઠાશ અને કઠિનાઈ

મોટાભાઈ :- પ્રેમનો પ્યાલો ચાખ્યો છે કોઈ દી?


કોલેજના દિવસો અને પ્રેમની ભૂમિકા


તે મોટા વાત એમ છે કે આપણે તાજા તાજા જુવાન થયા તા ને એ ટાણેની વાત છે આ.. કોલેજ જાતો હુંય.. અભણ નથી હો, ખાલી બોલવાની-લખવાની સ્ટાઇલ આવી છે મારી.. (અમો પણ શુદ્ધ તથા શિષ્ટ ગુજરાતી ઉચ્ચારણ અને લેખન માં આવડત ધરાવીએ છીએ.) તે વાત હું ઇ કરતોતો મોટા કે હું કોલેજમાં હતો ને તયેં હોસ્ટેલમાં રહેતો.. હવે ત્યારે હજી નવી નવી જુવાની ફૂટતી હોય, આંખ્યુંના મેળાવડા થાતા હોય, નાની નાની ચબરખીયું માં મોટી મોટી વાતો છપાતી હોય, હૈડામાં નિતનવા સંતુર વાગતા હોય, કોઈ અજાણ્યા ખ્યાલો માં ખોવાઇ જવાનું મન થાતું હોય, હાથે કરી ને ઘાયલ-પણાં ની શાયરીયું વાગોળાતી હોય, આવો કાળ હોય હો ઇ મોટા..!!

ન્યા અમારે કોલેજ ની કેન્ટીન, એમાં દાખલ થાતા ડાબી બાજુ બીજું ટેબલ ફિક્સ જ હોય આપણું. અમે તણ-ચાર ભાઈબંધુ નવરાશ ટાણે ન્યા જ હોઈએ. ચાની પ્યાલીઓ સાથે અમારી ત્યાં ચર્ચાયું થાતી.. કોલેજ કેમ્પસ થી માંડીને ઠેઠ અમેરિકા સુધીની વાત્યું એ ટેબલે સાંભળેલી છે..

અમારો ખાસ ભેરુ "ગજો", એ પાછો સાહિત્ય રસિક.. વાતે વાતે શાયરીયું કરે, અને વાત વર્ણન તો ઓહોહો.. દિમાગમાં આબેહૂબ ચિત્ર ખડું કરી દે હો..!! એમાં લખણ(લક્ષણ) વર્ણનનો ઉસ્તાદ હો.. કોઈ પણ પદાર્થ-વસ્તુ કે જીવ-મનુષ્યની શું શું લાક્ષણિકતા ઓ છે એની પાસે તત્કાળ જવાબ હોય હો..!!

પ્રેમનો પહેલો સ્પર્શ અને નવા રંગ


એ વખતે ગજા ને એક દી પ્રેમ પ્યાલો મળી ગયો ક્યાંક થી, સાહિત્યરસિક તે ઇ કે "અહોભાગ્ય મારું, આ નવીન ક્ષણો અનુભવવાનો મને મોકો મળ્યો છે, એ ગુમાવી હું હતાશ થવા ઇચ્છતો નથી, અરે આ દુનિયા એ પ્રેમ પ્યાલો ચાખ્યો નથી, તો મારી નજરે આ દુનિયા રસહીન છે, તેમાં કોઈ પ્રકારના સ્પંદનો મને દેખાતા નથી, અને આ પ્યાલો જે પીએ છે, અલૌકિક આનંદ ને ભોગવતો કોઈ અન્ય સૃષ્ટિના જીવન નો આનંદદાયક લાભ અહીં જ મેળવી શકે છે." આવું ભારી-ભરખમ માંડ્યો બોલવા હો.. અમારી સહનશક્તિઓ જવાબ દેવા મંડી મોટા, અમે ના પાડી રહેવા દે એલા આ જંજાળમાં પડયા જેવું નથી, માથું શેવાળમાં જાહે ને પગ જ બારા રેહે હો..!! પણ ના, માને ઇ ગજો શેનો? મૂળ તો એનું નામ ગજાનન.. પણ અમે એને ગજો જ કે'વી.

તે ભાઈ મોટા, એતો ગજો, એકજ શ્વાસ માં આખો પ્રેમ-પ્યાલો ગટગટાવી ગયો.. એની નજરે હવે દુનિયા રંગીન અને રસ-સભર થવા માંડી, એની આંખો માં કાંઈક અલગ જ તેજ આવવા માંડ્યું હતું, તેના વાણી-વર્તનમાં એક અભૂતપૂર્વ બદલાવ હું જોઈ રહ્યો હતો. તેની ચાલમાં કાંઈક નવીજ છટા ઉમેરાઈ હતી. જાણે પાંખો ફૂટી હોય એમ કંઈક કેફ એ તો ઉડવા માંડ્યો મોટા, માંડ માંડ ઝાલી રાખ્યો અમે..

દિલજલાનો સફર અને યુવાન જીવન


તે વાત નું મૂળ એમ હતું મોટા કે એને અનનૌન નંબરથી મેસેજ આવેલ, પોતાની ઓળખાણ ઇણે ગજાની ક્લાસમેટ તરીકે કરાવેલ. ગજો શાંત સ્વભાવે, પ્રકૃતિ શરમાળ ને રૂબરૂ પૂછવાની હિંમત એને થાય નહિ તે મેસેજ માં જ વાતો કરે, હવે મેસેજ માં એને એમ કે તે પ્રિયા સાથે વાતો કરે છે પણ હકીકતે મેસેજ ની ઓલી બાજુ એન્જલ પ્રિયા હતી, (એન્જલ પ્રિયાને ઓળખો કે નહીં?, અરે દાઢીવાળી પ્રિયા, મતલબ કે પુરૂષ). ગજા પાસે એણે 6-7 રિચાર્જ કરાવ્યા, થોડાક ઉછીના લીધા ને પછી ગજા ને બ્લોક મારી દીધો .. 

પછી તો ગજો દિલજલે થઈ ને 3 વરહ કેમ્પસ માં રખડયો તો હો મોટા..!! એટલે કહું છું આ પ્યાલો બહુ અઘરો હો મોટા..!!

#પ્રેમનોપ્યાલો #GujaratiLoveStory #DilawarsinhDiary #YouthLove #CollegeRomance #GujaratiPoetry #LoveAndHeartbreak #DilawarsinhWrites #GujaratiBlog

Post a Comment

0Comments
Post a Comment (0)