"વ્યાજની ડાયરીમાંથી ઉતરતી લાગણીઓ"

0

"મારી જિંદગીને હું પ્રેમ કરું છું."



#વાતનું_વતેસર

એ રામ રામ મોટા..!! 

કેટલું સરસ વાક્ય છે ને મારી જિંદગીને હું પ્રેમ કરું છું. આજે તળપદી ને માળીયે મૂકી છે અને ટેબલ ઝડતું નથી એટલે થોડુંક ચોખ્ખું ચોખ્ખું લખીએ..

મોટાભાઈને પત્ર: એક વાક્યથી ઊગેલો વિચાર

     હાં તે મોટા વાત એમ છે, હું પણ મારી જિંદગીને પ્રેમ કરું છું. અમુક અમુક વખત તો એટલો બધો પ્રેમ ઉમડી પડે છે કે ઢગલો ખડકાઈ જાય છે પછી, એમાંથી તોલના ભાવે જિંદગી લઇ જાય છે. હવે બન્યું હતું એવું કે મારો ધંધો વ્યાજવટાનો. આ વ્યાજ નો ધંધો એવો છે કે એમાં જો તમે લાગણીઓ નિરખવા બેસો તો મૂડી ખોઈ બેસો. મારો પણ એક વખતે જમાનો હતો. સવારથી બુલેટ લઇ ને નીકળી પડું, ડાયરીમાં જે તે તારીખ પ્રમાણે જ્યાં જ્યાં વસુલાત હોય ત્યાં ત્યાં ઉઘરાણી કરવાની.

વ્યાજવટાનો વ્યવસાય: નિયમિત પણ નિર્મમ

     એ સમયે મારા નામની ધાક બોલતી. ધંધામાં મારો નિયમ હતો, મારો વ્યાજવો ભાવ બજાર કરતા બે ટકા ઓછા પણ વસુલાત ની તારીખ પહેલા હું લોકો કનડતો નહિ, પણ જે દિવસે વસુલાત હોય એ દિવસે મને મારા પુરા રૂપિયા વ્યાજ સાથે જોઈએ. એમા હું ઢીલ ચલાવતો નહિ. લોકો ને પણ આ રીત ગમતી, તેથી આપણો ધંધો ખૂબ જામ્યો. વ્યાજવે લેનાર વેપારીઓ, સામાન્ય લોકો પણ વ્યાજવે ધિરાણ લઈ જતા અને સમયસર ચૂકવી પણ દેતા, તેથી કોઈ જાત ની માથાકૂટ કે ઝઘડાનું કારણ ઉભું થતું નહિ. હું પણ ધિરાણ લેનાર ની પણ પૂરેપૂરી ઉલટતપાસ કરીને જ આગળ વધતો. 

પથાના પાન અને પ્રથમેશની પીડા

      બીજા વ્યાજવાળાઓ આ કારણે ઈર્ષ્યા અને વેર રાખતા. એક - બે વખત ખોટા કેસ-કબાડામાં મને સાલવ્યો પણ હતો. પણ કોર્ટે મને નિર્દોષ જાહેર કર્યો હતો. એક વાર સવાર સવાર માં બુલેટ ની કીક મારી ડાયરીના અનુસંધાને નીકળી પડ્યો. બજાર પહોંચ્યો. જૂનો ને જાણીતો પથાના પાન ના ગલ્લે બ્રેક કરી. મારે ને પથાને ખાલી મોઢે ઓળખાણ. હું એના વિશે વિશેષ જાણું નહિ. આછો ચૂનો પાંત્રીસનું પાન નો ઓર્ડર કર્યો. પથો કાંઈક મૂંઝવણ માં હતો ને પાંત્રીસ ને બદલે એકસોવીસ તમાકુનું પાન બનાવ્યું. યુવાની કાળમાં ક્રોધ આમ પણ એના ચરમ પર હોય છે. મેં ક્રોધના અતિરેકને માંડ કાબુ માં લાવી એને એની ભૂલ જણાવી. માફી માફી કરતો તરત એને મારુ સ્પેશિયલ પાન બનાવી આપ્યું. મેં એને પ્રેમથી પૂછ્યું "કેમ ભાઈ? કાંઈ તકલીફ માં છો?" એણે વિસ્તારથી આખી વાત માંડી.

જ્યાં ભાવના જીતે છે વ્યવહાર પર

     "મારુ નામ પ્રથમેશ છે, મારા માબાપે પેટે પાટા બાંધીનેય મને ગ્રેજ્યુએટ કરાવ્યો હતો. ભણવામાં હું હોશિયાર એટલે આખી કોલેજમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયો હતો. સારું ભણેલ એટલે વિવાહ પણ સારી જગ્યાએ સારી રીતે થઈ ગયા. પણ નોકરી ? નોકરી કેમેય ક્યાંય મળે જ નહીં. છેલ્લે ગ્રેજ્યુએટ છતાં મજૂરી કામે વળગ્યો. એમાં તનતોડ મહેનત કરી. કાયમના બબ્બે બોજા - કામ અને ઘરની જવાબદારીઓ ઊંચકી ઊંચકીને મારું શરીર જવાબ દેવા લાગ્યું હતું. ઉછીના પૈસા ભેગા કરી આ ગલ્લો કર્યો છે પણ કર્મ માઠા હશે ને પિતા ગયા અઠવાડિયે સ્વર્ગવાસી થયા. બચત મૂડી એમની પાછળ વપરાઈ ગઈ. મેં વ્યાજવે લીધેલા બે લાખ ના ચાર લાખ પરત કર્યા, પણ એ લોકોનું વ્યાજ કે મુદ્દલ કાંઈ પૂરું થતું જ નથી. જયારે મેં ત્યારે એ લોકો ઘરમાં આવી ધમકાવી જાય છે. ઘરવખરીમાં પણ મારી પાસે કાઈ બચ્યું નથી.. નખ્ખોદ જાય આ વ્યાજ વાળાવનું."

જિંદગીનો સાચો અર્થ

     મેં તાત્કાલિક મારી ડાયરી કાઢી, ખાલી નામ અને મુદ્દલ રાખી, બધી તારીખો અને વ્યાજને ચેકા મારી દીધા. મારી પાસે મારા આજીવનનિર્વાહનું બધું છે હવે જેની પાસે જ્યારે મેળ થાય ત્યારે મુદ્દલ ચૂકવી જાય. મને જો મારી જિંદગીથી પ્રેમ હોય તો ધિરાણ લેનાર ને પણ હોય ને..

#જિંદગીનેપ્રેમ #Dilayari #વાતનુવતેસર  #GujaratiDiary  #માનવીયલાગણીઓ

Post a Comment

0Comments
Post a Comment (0)