"મીઠું બિસ્કિટ અને જીદભર્યું ડાઘીયું: એક વ્યંગયાત્રા"

0

મોટભાઈ :- ક્યારેક જીવનમાં થંભી જવું પડે છે..



મનમોજી :-

મનમોજી અને મોટાભાઈની જુસ્સાદાર ટક્કર

     મોટા ! પાછા ગાયબ થવાના અંદેશા દ્યો છો? જીવનમાં થંભી જવું પડે એટલે? તમારી વાતનું વતેસર બે ઘડી ગમ્મત માટે શરૂ કર્યું હતું.. પણ હવે થંભી જવું જોઈએ એવું લાગે છે..!!

દોડતું જીવન અને ડાઘીયાની જીદ

     પણ લ્યો આજ આદરી છે તો પુરી કરું. તેદી તમને યાદ છે તમે દોડવાનું કીધું ને મેં તમારું માન્યું તે ઓલ્યું ડાઘીયું મારી વાંહે થિયું'તું.. દોડતા દોડતા હું મંગળ ગ્રહે પુગીને પાછો આયવો હો મોટા. તેદુનો હું દોડતો જ તો હો, પણ હવે લાગે છે કે ક્યારેક જીવનમાં થંભી જવું જોઈએ.. 

બેકરીવાલ, રિક્ષાવાળું અને નાસ્તાની ચટાકેદાર કથા

     મંગળથી વળતા દિલ્લી આયવું ને ન્યા ઓલ્યા બેકરીવાલ પાંહેથી બિસ્કિટના પેકેટ લેતો આયવો તો તે અમારે આ ડાઘીયાને બોવ(બહું) ભાયવા(ભાવ્યા). તે હવે જીદ લઇને બેઠો છે કે ખાઉં તો ઇજ બિસ્કિટ નકર પાછો દોડાવીશ.. હવે મોટા જીવનમાં ક્યારેક થંભી જવું જરૂરી છેને તે હું ગામડિયો માણહ, ને પાછો ખેડુ, અમારે રૂપિયાની હાલતા તંગી હોય એટલે ઠેઠ દિલ્લી લગી પાછું દોડવું અઘરું હતું.. તે મેં બેકરીવાલ ને ફોન જોડ્યો હું કઉ બિસ્કિટનો તો મેળ કરી દે એલ્યા, અમારું ડાઘીયું તને બોવ યાદ કરે છે, તારા બિસ્કિટનું શોખીન થઈ ગયું છે...

     બેકરીવાલે સલાહ દીધી, મુરટ સીટી વયા જાવ, ન્યા આપણે તાજી તાજી બ્રાન્ચ ખોયલી છે ન્યા મળી જાહે. તે આપણે તો સાંજ ની ટ્રેન માં ટીકીટ કપાયવી. ટ્રેનનું કામકાજ ગયમુ હો મોટા આપણને, એમાં હારું છે કે કોઈ ઓકતું નથી બોવ. ઍયને સવાર પડી ત્યાં તો મુરટ. ટેશનની બાર નીકળતા જ ક્યાંક થી ગાડાએકની ગાળ સંભળાઈ, આપણને ઉતાવળ હતી તે સામે રીક્ષા-વાળો ઉભો તો તે મેં કીધું બેકરીવાલની દુકાને જાવું છે. બેમાથાની ગાળ બોલીને કે મને કે બેસો, હવે આપણે પેલ-વેલા મુરટમાં પધારેલા.. તે નાસ્તો ભાળી ગયા, (ડાઘીયું ભેળું જ હતું હો..) રિક્ષાવાળાને કહું "રાખ રાખ કાંઈક ઉલારતા જાવી." તે લારી વાળા પાંહે લોચો, રેકડીએ રબડી ઉલાયરી.. ડાઘીયું કતરાય હો ઈકે આ મને ખવડાવવા આયવો કે પોતે ખાડો પૂરવા.. હું કઉ આ પાછો દોડાવશે તે આપણે માયા સંકેલી ને પાછા રીક્ષા માં ચડી ગયા ને ઉપડ્યા બેકરીવાલની બ્રાન્ચે. બે મણ બિસ્કિટ લીધા ને રિક્ષાવાળા પાંહે ગયો તો તે રિક્ષાવાળા ના ગાળમંત્રો ચાલુ જ હો, આ ખાડા ટે લોકો (****) પુળાવટા નથી, મીટરભાડુ સાલા (***) વઢારટા નથી, પેટ્રોલ ટો કેવું મોંઘુ કયરું જોની (***)..

     આપણાં બિસ્કિટનો મેળ પડી ગયો તો એટલે આપણે બહુ ધ્યાન નો દીધું આ બધાય માં ને અમારું ડાઘીયું ય રાજીનું રેડ તે હવે થંભી જવાનું મન નહોતું થાતું.. તે ન્યાથી ઉપડ્યા દિલ્લી..

નાનકડી ભૂલ કે મોટી જનઆંદોલન?

     બેકરીવાલ ને રૂબરૂ મળ્યો ને ધન્યવાદ દીધા કે આપણું કામ થઈ ગયું હો, અમારા ડાઘીયા એ ય ધન્યવાદ કીધા - સીધી પિંડી પકડીને બેકરીવાલની. હું તો ઘડીક સુન્ન થઈ ગયો. માંડ માંડ ડાઘીયું છોડાવ્યું. ડાઘીયા ના મોઢામાં બેકરીવાલના લેંઘાનું કપડું ને થોડો લાલ લોચોય આવી ગયો તો હો, આ શું થઈ ગયું મોટા ! ડાઘીયાના બિસ્કિટ નો જેણે મેળ કરાવ્યો ડાઘીયે એને જ કા બટકું ભર્યું? બેકરીવાલે તત્કાલ મિટિંગ બોલાયવી, અનશનની ચીમકી ઉચ્ચારી, બજારુ બંધ પડાવી ને લાંઘણ્યું લાદી(ભૂખ હડતાળ)..

ડાઘીયાની અંતિમ વાણી: "મફત ખાવું પણ જવાબદારી ન ભૂલવું!"

      મોટા સભા મંડપો યોજાયા. ભીડ એકઠી થઇ, મોટા મોટા ભાષણો થયા. ડાઘીયાનું પૂતળું બાળવામાં આવ્યું, ડાઘીયો બહુ નિરાશ થયો. સીધો ચડી ગયો ટેજ(સ્ટેજ) માથે. બેકરીવાલને મનમાં બીક પેઠી, તરત જ સાઈડમાં હટી ગયો. ડાઘીયા એ માઇક લઇને ભાષણ ચાલુ કર્યું..(આ થોડુંક અતિશયોક્તિ થઈ ગઈ ડાઘીયું ભાષણ દે? પણ દીધું તો હતું હો..) "પ્રિય જનતાજનો, મેં આને બટકું ભર્યું તમે એમાં આવડો હોબાળો મચાવ્યો છે તે મને મારો પક્ષ રાખવા દેશો? આ બેકરીવાલ ભેળસેળીયો છે, અલગ અલગ સ્કીમો ના નામે છેતરે છે, મફતનું આપી ને ચૂનો ચોપડે છે. મોંઘા માયલી પોતાની પબ્લિસિટી કરે છે. હું ડાઘીયું તો રામ ના દરબાર માંય બોલેલું છું. તો કાળા માથા નો માનવી કોણ? મફત મફત કરી ને બધેય બ્રાન્ચું ખોલતો જાય છે, ને પોતાનો ધંધો જમાવે છે, એનાથી વિશેષ કાંઈ નથી. જો બધાંય ને બધું મફત મળવા માંડશે તો સૃષ્ટિ કેમ ચાલશે? ઓલો બીજો દાઢી વાળો બાવોય રાષ્ટ્રવાદ જગાવીને બેઠો છે, પણ આ મધ્યમવર્ગ વાળા પેટ્રોલ કેમ પૂરું પાડશે? ને ઓલા ત્રીજા બાબાની તો વાત જ શુ કરવી? આંખ્યું મારવામાં હુશિયાર હો.. નયાં જાજુ જાવા જેવું નથી.. તો જાવું ક્યાં? એલા હાચુ તમેય ભીડ આખી આવડી મોટી છો તો હાચુ કેજો અહીંયા સુધી આવતા માં તમે કેટલાયે ટ્રાફિક ના નિયમો પાળ્યા હતા? તમે અહીંયા પૂતળું બાળ્યું  તે હવે અહીંયા આ કાળી ગંદકી થઈ છે તે ઇ સાફ કોણ કરશે? આમનમ રેઢું મૂકીને તમે તો વયા જાહો બધા. ને ડાઘીયું ઇ બધાંયને હતપ્રભ મૂકી ટેજથી ઉતરીને પાછું મારી વાડીએ વયુ આયવું.

     આ ડાઘીયું મોટા વાત તો સાચી કરી ગયું હો. પણ એને તમારું કથન યાદ આવી ગયું, ક્યારેક જીવનમાં થંભી જવું પડે છે. તે હવે એ ગુમસુમ મારી વાડીએ આંટા મારે, હજી ક્યારેક ક્યારેક મને દોડાવે છે હો મોટા.

#વાતનું_વતેસર #જીવનનીદોડ #GujaratiSatire #Dilayari 

Post a Comment

0Comments
Post a Comment (0)