એ જ વ્યક્તિ આપણો કહેવાય..!!!
શહેરી મહેમાનનો અજાણી વાડીએ આગમન
તે વાત એમ છે કે આપણે બેઠા તા તેહડે થી ટાંગા લાંબા કરીન વાડીએ.. વરસાદ તો છે નહીં, બે ઝાપટા પડે ઇ કાંઈ પડ્યો થોડો કહેવાય? ઓણ તો સાંબેલાધાર પડે તયેં કાંક રૂઝ વળે એમ છે.. હારી ગરમી તો જો..!!
ડાઘીયાની દોડ અને બેકરીના બિસ્કિટનું રહસ્ય
સામે શેઢે ડાઘીયું કાંક દેકારો કરે છે, કોક લઘવઘર વેહ(પહેરવેશ)માં માણહ આનીપા થી ઓનીપા દોટયું દેય છે ને ડાઘીયું વાંહોવાહ..!! આપણે તો દાતેળુ(દાંતરડું) હોત દોટ દીધી છે કોણ ઇ? ઓલ્યો લઘરવઘર જણ, વધી ગેલી દાઢી, કોડી જેવી આંખ્યું માથે ફ્રેમલેસ ચશ્મા, હાથી જેવા કાન ને શહેરી સૂટ-બુટ વાળો પોશાક. પણ ઇન્સર્ટ નીકળી ગયેલું, પાયસા ઉપર મોજા ચડી ગેલા.. ટાઈ તો જાણે કૂતરા ના ગળામાં પટ્ટો દીધો નો હોય..!! પણ આ આવો શહેરી જણ આયાં વગડા માં હું લેવા આયવો?
ડાઘીયા ને પુચકારી ને શાંત કર્યો, બેકરીવાલના બિસ્કિટ નો નવો સ્ટોક આવી ગયો તો ને ઓણ પંજાબ માં એની બ્રાન્ચ થાય એમ છે તે ન્યાથી મંગાયવા..!! પણ બેકરીવાલ બેકરીવાલ છે હો.. ઇ રયો ઇ નસ જાણી ગયો છે.. મફત દ્યો એટલે માણહ ગમે ઇ કરે..!! તે ડાઘીયા ને બિસ્કિટ દીધા એટલે ટાઢું પયડુ, ઓલ્યા આગંતુક મે'માનને કહું, "કા આંય, વગડા વચ્ચે હેનો ખજીનો કાઢવા આયવા ભાઈ? કાંક હોટી-બોટી(સોટી) ભેળી રખાય, નકે અવાર(અત્યારે) ડુંટીએ ઇન્જીકશન દેવા પડત..!!"
ટોયલેટ નો ટેન્શન – ખુલ્લામાં એક અનોખી અજમાયશ
ઈને ધોડી ધોડી ને ગળે સોશ પડેલ, માંડ માંડ બોલ્યો "પાણી.." આપણે બોર વહેતી કરી ધરાઈને પાણી પાયું.. આંબલી હેઠે ઢોલિયો ઢાળયો, બેહાડયો.. મેમાન ની આવભગત કયરી છાશ્યું પાઈને. શહેરી જણ તે રોટલો, લસણ મરચાની ચટણી, થુલી ને ભગર્ય ના દૂધની છાશ જીરવી નો શયકો તે પેટ માં ગડબડ ઉપડી. "ટોયલેટ ક્યાં છે?" હવે આંય આ વગડા માં ટોયલેટ હોય કોઈ દી? હું કહું "જો હામે ખૂંટે ડોલચુ ટીંગાય, ને હામે સાડા તયણ લાખનું ખારસુ(જ્યાં કંઈ ઉપજ ના આવે એવો પટ) છે, ન્યા વયા જાવ ને ટેસ થી કાર્યક્રમ પતાવો હું આય જ આંબલિયે બેઠો છું."
"પણ હું કોઈ દી બહાર ખુલ્લામાં ગયો નથી."
"તે એમાં હું ટેનશન લેવાનું એલા, હંધુય હરખું જ છે ટોયલેટ જેવું, ખાલી ફરતી તયણ દીવાલ ને સામો દરવાજો નથી એટલો જ ફરક. પણ હા ડોલચાનું ધ્યાન રાખવાનું ઢોળાઈ નો જાય નકે રેહો ગોબરા.."
"આતો અઘરું છે." એની મૂંઝવણ.
"એમાં હું અઘરું એલા, તમને શેર વાળાવ ને ઓમેય ઓલ્યું હું કે ઇડવેનચર ગમે જ તે ને.. તે ઇમ માનજો કે આય ઇડવેનચરસ ઇસ્પોટ સે.."
ઓલ્યો ભારી મૂંઝવણ સાથે ગયો. ને આપણે આંબલી હેઠે ટેસથી ટાઢી હવાની લહેરખી માણતા ઢોલિયે આડા ઢળયા..
કાર્યક્રમ પતાવી આવી ને કે સૉપ હશે. હું કઉ એલા આ ધૂળ્યમાં હાથ ઘહીંને પાણી થી ધોઇલે ઇ જ સૉપને સરફ આય મળે ..
મનમોજી સાથે શહેરી મહેમાનનો સહજ સંવાદ
"હું નામ તમારું?" તો ઇ કે "નામ તો નહીં કઉ પણ એક પ્લેટફોર્મ ઉપર હું કામ કરૂં છું. સાહિત્ય નું સર્જન કરાવું છું ને બધાય ને વ્યસ્ત રાખું છું."
"એલા ગજાના ગામનો છો મેમાન? ને આવું કામ કરે તોય આમ લઘરવઘર કાં?"
"શુ કહું ભાઈ, હું જ્યાં કામ કરૂં છું એ કંપની Why Q વાળા પગાર આપતા નથી. દશા સાવ બેસી ગઈ છે. એક દી પૈડ પોસ્ટ આપી હતી, સાવ એક જ રૂપિયો ભરવાનો તોય એક નાનાભાઈ છે એમણે રૂપિયો ય પાછો માંગી લીધો હતો. બે-ત્રણ જણા તો ખાલી મારી પૂછ-પરછ કરવા જ why q માં આવે છે, એક કોઇક મનમોજી છે એની ભૂલ થી કમેન્ટ ડીલીટ કરી તે દિવસથી તેની દરેક પોસ્ટ માં મને સંભળાવે છે. ઉપરથી કંપની વાળા એવું કહે છે કે તેઓ ડૂબ માં છે એટલે નવા ગ્રાહકો લાવો. બહુ ખરાબ હાલત છે."
આખરે… રસ્તો બંધ થયો કે સંપર્ક ખુલ્યો?
હવે ઇને ખબર જ નથી કે ઇ મનમોજી ની જ વાડીએ બેઠો છે. ઘડીક થયું લ્યો નિંદામણ હાટુ મજૂર જડી ગયો હો, ઘડીક થયું ડાઘીયા ને આની વાંહે દોડાવી મુકું.. પણ વળી એમ થયું કે આમેય આ મોટો પેલે થઈ આટલો પરેશાન છે નવી ઉપાદિયું ક્યાં દેવી..!!
"એતો બધું ઠીક છે પણ આંય આ વગડા માં કેમ ભુલા પયડા ઇ તો કયો?"
"કંઈ નહિ હું તો વિષય/ચેલેન્જ શોધવા નીકળ્યો હતો કોણ આપણું કહેવાય ને કોણ નહિ પણ અહીં રસ્તામાં મારી કાર ખરાબ થઈ ગઈ ને હું મદદ શોધવા નીકળ્યો હતો."
રુગા ને ગજા ને બોલાવી આની ગાડી હરખી કરીને વળાવ્યો હો મોટા ને..!!
***
#WhyQWaloMeman #GujaratiSatire #VillageVibes #DilawarsinhWrites #સાહિત્ય_સંવાદ #ગામડાનીવાડી #મનમોજીનાઆંખે #HumorWithHeart