ગામડાના કેડા પરથી જીવનના સંઘર્ષ સુધી : એક હૂંફાળું નિહાળણું

0

મોટાભાઈ કહે :- સે'લો નહિ સંઘર્ષનો રસ્તો પસંદ કરવાનો છે..

મનમોજી :-


ઘંટડી, પંખીઓ અને શિવાલયના સૂરો – શાંતિના પળો

તે મોટા આપણે ગામડિયું માણહ, અમારે ગામડામાં તમારા જેવા પાકા સિમેન્ટિયા (rcc) રોડ નો હોય, ધૂળીયા કેડા ને ગાડાં-મારગ હોય. મારગ ને બેય કોર્ય પિલું, ગુંદી, થોર, હાથલા થોર, સરગવા, દેશી બાવળ જેની વાડી/જમીન હોય એણે શેઢે આવી લીલી વાડય કરયી હોય..! ટાઢે પોર્યે ગોવાળિયા પોતાની ભગર્ય ભેંસ્યું લઇ ને પહર ચારવા જાતા હોય, ઇ ધૂળીયે મારગ ભેંસ્યુંના હાલવા થી ઊડતી ધૂળ જાણે આભ થી ઝરતી ઝરી જોઈ લ્યો હો..!! ને ગોવાળિયાના પહાડી કંઠે "હૈ જાગ ને જાદવા, ક્રષ્ણ ગોવાળિયા, તુજ વિણ ધેન માં કોણ જાહે?" નો આલાપ, એમાં ભેંસ્યુને ગળે બાંધેલ ઘંટડીયું સુર પુરાવે, વાયરે ડગમગતી ઝાડવાની ડાળીયું આપસમાં ઘસાઈને તાલ દીયે, કાબર, તેતર, ટીટોડીયું ને પારેવા ય જાણે મગન થઈ વચ વચમાં એના ટૌકા કર્યે જાય..! ને દૂર ક્યાંય પાદર માં બેઠેલ શિવાલય ની આરતી માં રણઝણતી ઝાલર્યું નો મીઠો મલકાટ આંય આ શેઢા સુધી આવતો હોય..!


ચોમાસાના કાદા અને રગડાની કહાણી

     પણ આનું આ જ વાતાવરણ ચોમાસે સંઘર્ષ મા ફેરવાય જાય હો મોટા, કેડા ની બેય કોર્ય ના ખેતર માથાવા (બેય ખેતર વચ્ચે નો રસ્તો ચાર થી છ ફૂટ નીચો હોય) ઊંચા હોય, ચોમાસે વરસાદ પડ્યા પછી આ કેડયાં માં પાણી ની નીકુ વહી જાતી હોય, ભેળા એમાં હોય શેઢા ના સરપ(સાંપ).. રાતાં, પીળા, ચબરખીયા, કાળા કોક જ વાર હોય, શેઢાવ નું સારીપાનું ધોવાણ થાય.. ધીમે ધીમે ઇ સુકાય, પછી ઇ કાદો થાય.. ઓલ્યા બ્લુ પટ્ટી ને સફેદ તળિયા વાળા ચંપલા(ચપ્પલ) પે'રી ને જો એમાંથી નીકળો તો ચંપલા એ કાદો પોતાની પાંહે જ રાખી લે હો..!! એલા ઇ ચંપલા તો બહુ ખતરનાક હો, એ પેરીને તમે પાણી ઢોળાયેલ મારગ હાલો ને તો વાંહા હુધી એની વાંછટયું ઉડે હો..

 રાતના ભેજમાં છુપાયેલી ખતરાની ભૂમિકા

     આડે પાટે..!! તે મોટા ઇ કાદો થોડોક સુકાય, ને એમાં હાલી હાલી ને સારો એવો ચીકણો ને પછી આછો રગડો થાય, ઇ રગડો કાદા કરતાંય ય ભારે સંઘર્ષકારી, એમાં હાલવામાં બોવ ધ્યાન રાખવાનું નકર ઉભું રહેવું હોય અહીંયા ને લપટીને સાત-આઠ ફૂટ આગળ ઉભા રયો..! વાંહા છોલાય ઇ જુદા..! કોક કોક વાર પગ ને હાથ મરડાઈ એ જાય.. તો ય સંઘર્ષ તો કરતો જ રેવાનો..! ઇ રગડો સુકાઈ ત્યારે ય એનો ભરોસો તો નહીં જ હો, વાંહલી રાત્યે ભેંસ્યે મુકેલ પોદળો સવાર સુધી માં જામી ગયો હોય પણ પગ મુકો તયેં અંદર થી લીલો જ હોય, એમ જ આ સુકાયેલો રગડો ઉપર ઉપર થી ને જ સુકાણો હોય પગ મુકો ને તયેં પાછા પડો.. પછી બે તયણ દી સરખો તાપ પડે ને તયેં ધીમે ધીમે આ રગડા ના ઓલ્યી કેડબરી જેવા ચોરસ ચોંસલા પડે.. તયેં ઇ કચડવા ની બોવ મજા આવે હો મોટા.. એ ચોંસલા માથે હાલો ને એટલે "કચરક કચરક" એવો અવાજ આવે..

જીવનમાં પણ આવો જ ચીકણો રગડો હોય છે!

    અમારે ગામડિયાવ ને આવ-આવડા કેટલાય સંઘર્ષ હોય હો..!! ચોમાસે નળિયાં વચાળે કેટલાય છીંડા હેઠે તાંસળીયુ મુકવી પડે, જાજો મેહ પડ્યો તયેં ગાર્ય(છાણનું લીંપણ)ય ધોવાઈ જાય હો.. હવે તો જો કે પાકા ચણતર ના મકાન થાવા મંડ્યા છે તે વાત નોખી છે..!! મેહ વરસ્યે ચચ્ચાર દી તો વાડિયું જોવાની ય જરૂર નો રયે કુદરત એની રીતે વાડીયુના રખોપા કરે, જો કે જાવુંય હોય તોય નો જવાય અગાઉ પરિસ્થિતિ કીધી જ છે ગારો-કાદો-રગડો ખોટો ખૂંદવો..!!

 
તોય મોટા અમારે મન સંઘર્ષ તો રમતવાત જ રિયે હો..!!

***

#સંઘર્ષનોકેડો #GujaratiDiary #VillageLife #DilawarsinhWrites #કાદા_રગડો_જીવન #ગામડાનાંકિસ્સા #LifeLessonsFromVillage #MonsoonMood  

Post a Comment

0Comments
Post a Comment (0)