ગામનો રોટલો અને રુંગો – એક વાર્તા ધરતી ઉપરની વાસ્તવિકતાની
તે હમણાં આજ બપોરે બાજરાનો રોટલો, ડુંગળી, લાલ મરચાની લસણમાં ખાંડેલી ચટણી ને ટાઢી છાસ ના બપોરા કરીને ટેસથી વાડીએ સૂતો તો, ડાઘીયા ને બેકરીવાલ ના બિસ્કિટ દીધા તા ઈય રાજીનો રેડ હતો.. એટલામાં ક્યાંકથી ઓલ્યો રુગો આવી ચડ્યો, હું કઉ "ક્યાં ગયો તો એલા", ત્યાંતો તકિયા કલામ ગોઠવીને કે' "આપણે તો કાયમ કેવી જ છી આના કરતાં તો શે'ર માં નોકરી કરી લેવી સારી, આ જો ને એલા પંદર દી થયા વાવેતર કરીને રાયખું છે પણ ડોહો વરસાદ આવે તયેં કાંક થાય ને.."
"ભરોસો રાખ એલા, દાદો ખાધા જેવડું દે જ છે ને" મેં પ્રેમથી પંપાળ્યો..
વાવણી અને વરસાદ – આશા અને અનિશ્ચિતતાનો ખેલ
ત્યાંતો માંડ્યો ધુઆપુઆ થાવા, પહાડકાય એનું શરીર માંડ્યો હલાવવા, "પણ કેદી આવશે, આટલા દી થ્યા, હારા બી ય બરી ગયા હયશે હવે તો.." આમતેમ ડોલવા મંડ્યો હો, મનેય ઘડીક થયું, ગોઢલા (બળદ) છોડીને આને ધોસરીએ જોડી દઉં, પણ પછી મને જ જમીન ઉપર દયા આવી ગઈ.. કે આ હાલશે ન્યા અડધા અડધા ફૂટ જમીનમાં ખાડા પડી જાય છે, મન માંડી વાળ્યું ને જવાબ દીધો.. "એતો તારો સગો એને આવવું હોય તો આવે ને નો આવવું હોય તો નોય આવે.. એમાં તારું ને મારું થોડું હાલવાનું છે, વરસાદ માણહ હોત તો સામસામી બાયું ચડાવીને બાથ માં ભરાવીનેય લઇ આવત.."
બાધવાની વાત આવી ત્યાં તો ઢીલો પડવા મંડ્યો, રુગો અમારે ભીમ જેવડું શરીર, વાતું માં ડાલામથાને પાડી લ્યે પણ બાધવાનું હોય તો મીંદડી થઈ જાય..
"પણ મોટા, આપણે કાયમ કે'વી જ છવી ઓલ્યા શેર માં જાવી, નોકરી કરવી તો કાંઈ નહિ તોય મહિને રૂપિયા તો પાકા, આયા હારું વરહ આખી મજૂરી કરવીને બધીય આશા આ આકાશ માથે, ઇ ધારે તો તારે નકર મારે તો છે જ..!!" રુગો ઘણી મોટી વાત કરી ગયો.. બપોરની નીંદર મારીય ઉડી ગઈ તી... હવે હુંય આભ સામી નજર્યું માંડી ને બેઠો છું..!! આયવ બાપા આયવ..!!
#ગામજીવન #GujaratiDiary #RungoniVaat #Bajranorotlo #MannMojhiDiary #VillageRealities #DilawarsinhWrites

