"ફૂલ અને કાંટા: ગુલાબ ડોશી ની ઝીણવટભરી જીવનયાત્રા"

0

ફૂલ અને કાંટા – ગુલાબડોશી ની વાત


મોટભાઈ : "ફૂલ અને કાંટા" ઉપર કાંઈક કહો મનમોજી.


મનમોજી :-
એ રામ રામ હૌને..

ગુલાબડોશી – નામ ફૂલનું, સ્વભાવ તો ઝાંઝાવાત જેવું


     મોટા ફૂલ અને કાંટા હાંભળીને મને તો ગુલાબ યાદ આવે છે, ગુલાબ નું ફૂલ નહિ હો, અમારા ગુલાબ ડોશી.. અમારે ન્યા તયણ ઘર મેકીને ચોથું એમનું.. ઉંમર એમની લગભગ સીનતેર વટી ગઈ હશે હો.. મોઢે મબલખ કરચ્લીયું, આંખ્યું અંદર વઇ ગઈ, હાડપિંજર જેવું શરીર.. પાંદયે એકલા જ જીવતા પરિવાર તો દીકરો-દીકરી હતા નહિ ને ડોશા વેલાય ગુજરે ગેલા.. પણ ચોખા ઘી દૂધ ખાધેલા દોશીએ એટલે જીવ જાજો હો.. આપણે તો આજ ભેળસેળીયું ખાવી, ભેંસ્યું ના ઘી માં થોડીક હળદર મેળવી દ્યો એટલે દેશી ગીર ગાયનું ઘી તૈયાર.. તે મોટા વાત હું ઇ કરતોતો કે અમારા ગુલાબડોશી રયા ને ઇવડા ઇ ભલભલા જણ ને ય પાછો પાડી દીયે હો. આવડી ઉંમરે ય છાણ-વાસીદુ હાથે કરે, ઢોરને સગા જણ્યા જેવી માવજત રાખે હો.. અમારા ગુલાબડોશી મોજીલા બૌ હો, વાર્તાયું અલક મલક ની માંડે.. પરસોત્તમ મહિનો આવે ને તયેં ઇ માડી જોવા જેવા હોય હો, રામ જાણે કઈ શક્તિ એમને બળ આપે છે.. ભક્તિ રસ માં કરતાલ લઈને જે ઠેકડા દે.. જોવા જેવાનો લ્હાવો હોય હો મોટા.. 

જિંદગીના તપોભૂમિમાં સર્જાયેલા નાટકીય દ્રશ્યો


     એક વાર ગુલાબડોશી રાતે એકલા હશે ને કંટાળ્યા હયશે તે અડધી રાતે ચોર-ચોર કરીને ગામ ભેગું કયરું, બધા કે ચોર ક્યાં તો કે તમારી અંદર જ છે જુઓ, ગામ મુંજાણુ, ડોશીની ડાગળી ચસકી હો, પણ ગુલાબડોશીએ સમજાવ્યું કે જો તમારી નીંદર એક અવાજ થી ઉઘડી જાતી હોય, સારી નીંદર નો આવતી હોય તો તમારી અંદરેય ચોર જ છે ને મિલકત ઉપર ડોળા જમાવી ને બેઠો છે.. ડોશી ની શિખામણ હામભળી ને સૌ પોતપોતાને ઘરે ઉપડ્યા.. 

    થોડાક દી થયા, વળી અડધી રાતનો મજર થયો હશે ને ડોશીએ રેગડો તાણ્યો, આ ફેરે ચોર ચોર નહિ પણ "ડુંગળી લ્યો ભાઈ વિસ ની કિલો" ને પાછા ગામે દોટ દિધીયુ, ડોશીને કે કોણ વેચવા આવ્યું છે વીહ ની કિલો..? ડોશી કે નીંદર સુધારો નીંદર, તમારો લોભ તમારી આછી નીંદર નું કારણ છે.. માણહ ઘસઘસાટ સુવે... ભગવાને રાત સુવા દીધી છે તોય ડુંગળી લેવા ધોયડા આવો છો..!!

     મહીનોક વીત્યો હશેને પાછી એક વાર રાતે ડોશી એ દેકારો કર્યો, પાછું ગામ ભેળું થયું કે આ ડોશી સખે સુવાય નથી દેતી, કાંટાળી ડોશી છે ને નામ ફુલનું ગુલાબ રાયખું છે.. એક બે જણા એ ડોશીને સંભળાવીય દીધું કે ડોશી નીંદર નીંદર કરો છો પણ તમે પોતે જ સુતા નથી ને સુવા દેતાય નથી.. અહીંયા ડોશી એ સોટી ઉપાયડી, મોટા હારે કેમ વાત કરાય ખબર નથી પડતી? તમારો ક્રોધ છે આ એ તમારી નીંદર ખરાબ કરે છે, ક્રોધને જીવનમાંથી કાઢી નાંખો.. 

સમજણથી ભરેલું “ફૂલ અને કાંટા” નું તાત્વિક અર્થઘટન


     હવે ગામ સલવાણું કે આ ડોશી નું કાંક કરવું જોહે, થોડા ને થોડા દીયે આનું કારસ્તાન ઉભું ને ઉભું.. પછી તો ગામ વાળાવે ઠરાવ કર્યો ગમે ઇ એક માણહ રોજ રાતે ડોશીને ઘર સુવા જાવાનું ને ડોશી કાંઈ ધમાલ નો કરે એનું ધ્યાન રાખવાનું.. 
મથલ ડોશીને મૂળ એકલા બીક લાગતી ઘરે એકલાને, તે નીંદર આવે નહિ, ફળિયામાં ઢોર બાંધેલા, રખેવાળી કોણ કરે? એટલે થોડાક દી આવા નાટક કર્યા'તે કાયમની શાંતિ થઈ ગઈ.. આવા છે અમારે ગુલાબ ડોશી..!!

#ફૂલઅનેકાંટા #GujaratiLekh #GulabDoshi #MannMojhiDiary #VillageTales #LifeLessonsInHumor  #DilawarsinhWrites

Post a Comment

0Comments
Post a Comment (0)