મધુર વાણી અને હથોડા: એક ગામડી વાર્તા જે ભાવે ભરે દિલ

0

મધુર સંવાદ અને હથોડા - ગામડાની એક યાદગાર વાર્તા




અમારે મોટાભાઈની મધુર વાણી અને ગજાના હથોડા..

શું હાલે મોટા, સમી સાંજે મધુર વાણી લઈ આયવા છો તે હારો વરસાદ થયો લાગે તમારે.. અમારે તો હંધુય કોરું ધાકોર આભ છે હો મોટા..!!

પ્રાચીન ભાવનાઓ અને ગામડાનું જીવન


તે મોટા આ ઓણ દાદો વરહતો નથી તે વાડીએ એની જ ચંત્યા માં બેઠો'તો.. મારે લીમડે હડમાન બેહાડયા છે તે સાંજરે ધૂપ-દીવા કરી ને ઘડીક ફરતે શેઢે આંટો માર્યો, જેસીબી હરખા પાર્ક કર્યા. ડાઘીયું બિસ્કિટ ખાઈને પોરો ખાવા આડું પડ્યું છે. ને વાડીયેથી ઘર ભણે નીકળતો'તો ન્યા જ ગજો ખાબક્યો..!!

     "કઈ દિશાએ જાઓ છો મિત્ર?" આવતાંવેંત શિષ્ટ ગુજરાતી સંભાષણ ચાલુ કર્યું.

     "તેલ લેવા, આવવું છે તારે?" મેં તોછડાઈ આદરી.

     "હા, તેલ તો આજકાલ મોટા માણસો જ લાવી શકે, જેને ત્યાંથી ભૂમિના ગર્ભમાં રહેલું પ્રાચીન ચરુ નીકળ્યું હોય, તથા જેને પેઢીઓ ગર્ભશ્રીમંત રહી હોય તે જ લઈ શકે ને, અન્યથા આજ તો આ સામાન્ય જન-જીવન તેલ જેવી નજીવી વસ્તુઓ લેવા પણ ક્યાં સમર્થ રહી છે?" ગજા નો ગંભીર પ્રત્યુત્તર મારે માથે હથોડા ના ઘા જેવો રહ્યો.

ધ્વનિગ્રહણ યંત્રથી રેડિયો સુધીની યાત્રા


     આપણને ક્યાં આવું શિષ્ટ આવડે. "સીધે-સીધું કે ને એલ્યા કામ હું છે?"

     "કશું નહીં મિત્ર, ધ્વનિગ્રહણ યંત્રમાં સમાચારો.."

     "કિયું જંતર?"

     "ધ્વનિગ્રહણ યંત્ર"

     "ઇ હું એલા?

     "એક પ્રકારનું તારવિહોણું ઉપકરણ, જેનો ઉપયોગ સંગીત, સમાચાર, વાર્તાઓ આદિના પ્રસારણાર્થે થાય છે, તથા લોકપયોગી સાધન છે જે આજ જવલ્લે જ જોવા મળી રહયું છે."

     માથું ખંજવાળતા મેં પાછું પુયછું, "એ કાબા, મને હમજાય એવું કે ને"

      "રેડિયો" એણે મહામહેનતે અંગ્રેજી શબ્દ ઉચ્ચાર્યો.

     "તયેં એમ ચોખ્ખુને ચટ રેડિયો કે ને હારા, ક્યુંનો જંતર મંતર કરે છો તે"

સંબંધો અને સંવાદમાં છુપાયેલા સ્નેહના રાગ


     "ભાષા પ્રત્યે સભાન હોવું એ આપણું પ્રથમ કર્તવ્ય છે, તથા એ કર્તવ્યનું પાલન આપણે જ કરવું રહ્યું, અન્યથા આ ઉતાવળિયા વિશ્વમાં ગુજરાતી શબ્દો વિસરાઈ જશે, જે આપણે જીવંત રાખવા જોઈએ.

          "ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી,
           પ્રેમ શૌર્ય અંકિત;
           તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને,
           પ્રેમ ભક્તિની રીત
           ઊંચી તુજ સુંદર જાત,
           જય જય ગરવી ગુજરાત - નર્મદ

      "પણ એલ્યા માન્યું બાપા તારું હંધુય, પણ અટાણે હું છે ઇ માંડ્ય ને એલા." એની મધુર વાણી થી મને ટાઢા શેરડા પડતા'તા પણ હેવી ડોઝ આકરો પડે મોટા.

હથોડાના ઘા અને શબ્દોના સંગીત


      "હાં હું એજ કહી રહ્યો હતો, તમે મને અન્યત્ર વિષયે વાળ્યો હતો, ધ્વનિગ્રહણ યંત્ર પર હું સમાચારો સાંભળી રહ્યો હતો ત્યારે મને અચાનક જ યાદ આવ્યું, આપશ્રીએ કહેલ કે આપ ઉર્જા રૂપાંતરણ ચતુશ્ચકરી વાહન વેચવા ઇચ્છુક છો."

     "ઇ કિયું વાહન? જેસીબી નથી દેવું હો એલા" આ ફેરે થોડોક ટપ્પો પડ્યો તો.

     "પણ આપે જ તો વિજ્ઞાપન દ્વારા સર્વ વિદિત કરાવેલ."

     "હા હયશે એલા, પણ હવે નથી દેવું."

     "ચાલો વાંધો નહિ, જેવી આપની ઈચ્છા. હું એ વાહન લેવા ઇચ્છુક હતો. પણ હવે આપ ના પાડી રહ્યા છો તો વાંધો નહિ."

     "એલા વાંધો બાંધો કાંઈ નહિ, ઘર ભેગો થા, ને મને થાવા દે, ક્યુનો હથોડા ઝીંકા-ઝીંક થયો છો તે, ભાયગ નકે પાવડો હગો નહિ થાય"

     અને ગજો ગયો ગામ ગજવતો.. ને આપણેય ઘરે - ખાધું પીધું ને મોજ.. અખંડ મોજ.



#GujaratiStories  #VillageLife  #GujaratiLiterature  #HeartfeltNarrative  #DilawarsinhBlogs  #EmotionalWriting  #CulturalHeritage  

Post a Comment

0Comments
Post a Comment (0)