"તાપણાંની જ્યોતમાં ઝાંખી એક શિયાળાની સવાર"

0

રાતના તાપણાંની ઉજાસ

શિયાળાની સવાર એમ ને મોટા..! નહીં બાકીની સવાર 'ને શિયાળાની સવારમાં શું તફાવત ભાળ્યો તમે મોટા? કે પછી મોટાભાભી એ સવાર સવારમાં ઘઘલાવ્યા નથી ને? જુઓ મોટા એવું બધું તો હાલ્યા રાખે, એમાં તમે YQ ગાંડુ નો કરો, કે શિયાળાની સવાર..!



તાપણું: ઠંડીની વિરુદ્ધ એક સ્થાનિક ક્રાંતિ

હમણાંથી મોટા રાતે અગિયારેક વાગ્યા સુધી તો અમારે જૂનો ચોક છે ન્યાં તાપણું જ બાળતો બેઠો હોઉં છું. લગભગ તો અગિયાર વાગે ત્યાં સુધી તાપ સળગતો હોય, એટલે શિયાળાની જાજી અસર લાગતી નથી. મોટા, સવાર તો રાત પછી પડે એટલે પેલા રાતની માન્ડુ. થયું એવું કે અમારા ચોકમાં જુના નવરાત્રીના મંડપના લાકડાના થાંભલા પડ્યા હતા. એટલે નવરાત્રી ચાલતી હતી ત્યારે વિચાર આવ્યો હતો કે, વાહ, આ વખતે તાપણું કરવા માટે લાકડાનો ભરપૂર સ્ટોક પડ્યો જ છે, કોઈ ચિંતા નથી. પણ આવો જ વિચાર કોક બીજું આજમાવી ગયું. બે-ચાર દિ પહેલા ગયો, તો જોયું કે બધે બધે લાકડા ગાયબ. કોક હાળું બટકાવી ગયું. હવે એક તો ટાઢ, ઉપર થી તાપણું કરવાની પુરેપુરી ચાનક.. એટલે બાજુ માં એક મકાન છે. એ ડોશી એ ઘણા લાકડા ભેગા કર્યા છે. કોક મારા લાકડા બટકાવી ગયું, અને હવે રોજ રાતે હું આ ડોશીના લાકડા બાળુ છું. કાલ રાતે તો ડોશી વાત કરવાના બહાને ચેક કરવાય આવી'તી, એનેય અંદાજો તો છે જ લાકડા ઓછા થાય છે એના..! પણ કોલસા થી તો કેમ ખબર પડે કે એનું લાકડું હતું કે નહીં. મોટા, મજા જ અલગ છે આવું તાપણું કરવાની. એક વખત પહેલા પણ અમે આવી રીતે કોક ના લાકડે ભડકો કર્યો'તો. જૂની યાદીઓ તાજી થઇ આવે. એ વખતે એક મકાન બનતું હતું તો એના સેન્ટીંગ ના અડધા થી વધુ ટેકા અમે બાળી નાખ્યા હતા. પાછું નાનું એવું તાપણું તો ચાલે નહીં અમને, મોટો ભડકો જ હોવો પડે. હવે આમનમ રાતે બારેક ક્યારે વાગી જાય ખબર નો રે.

શિયાળાની સવાર: તળપદી તસવીરો

એટલે સવારે કુંવર, સુંવર, ને કુતરા ઘોળે પા-દિવસ ચડે પછી જ માંડ આંખ્યું ખુલે મોટા. હવે સવાર કેવી હોય એની આદરું..! જો, બા'રની તો ખબર નથી, પણ સવા આઠે પહેલો ઘરબાર પગ મુકું છું. આજકાલ સહેજ ધુમ્મસ જેવું હોય છે. સુરજદાદો બળ તો પૂરું કરતો હોય પણ એનો તાપ આ ધુમ્મસ આપણા સુધી પુગવા નથ દેતી. જેકેટ સોંપટ થોડોક ઠુંઠવાટ તો અનુભવાય છે. પણ નોકરિયાત માણહ ટાઢ ને ગણકાર્યા વિના પોતપોતાને કામ-ધંધા હાટુ દોડતા જોવા મળે. શિયાળાની સવારમાં આમ તો સવાર નો પોર સાવ શાંત હોય, પણ તોય ઓલા પ્લાસ્ટિક, ડબ્બા, લોખંડ કા ભંગારવાળા ફેરિયા નો સાદ તો અણનમ જ છે હો. હા, એકાદ નાળિયેર વાળો ઓછો થઇ ગયો છે. બાકી આળહ મરડતા ગલૂડિયાં, કોઈએ રાતે કરેલા તાપણાના ભઠ્ઠા પાસે બેઠેલી નધણિયાત ગાયું, ધોળી જાર માથે ચાંચુ મારતા ઢગલો એક કબૂતરાં, ને થાંભલે ઘૂઘવતો હોલો, દીવાલ ની પાળી ઉપર પાણી ભરેલ કુંડામાં નાતી ચકલી. મારી દિનચર્યાની શિયાળાની સવાર આવી છે મોટા.


જાજુ લખવાની ઈચ્છા નથી. એટલે ગાગર માં સાગર તમે જ ગણી લ્યો, ભલે તયેં રામ રામ ને સીતારામ..!!!


#શિયાળાનીસવાર #GujaratiDiary #Dilayari #તાપણાંવાતો #સાંજસવારનાકિસ્સા

Post a Comment

0Comments
Post a Comment (0)