એલા એય આજ તો મોટેશના નાનકેશને ન્યાથી નોતરું આવ્યું છે..! એય ને આ ટાટા સ્ટીલ ના ઉતરતા ગ્રાફ જેવી ટાયઢમાં બેઠો'તો પીપળ હેઠે. શિયાળામાં નાકાનું કુયતરુંય નાકોડા ઢયડતું સંભળાય હો. આજ વાડીયે કામ તો એવું હતું કે બપોરા ટાણેય નવરાશ નહોતી. માંડ બેક વાગે થોડીક મોકળાશ મળી તે યાદ આવ્યું કે ટ્રેકટર સર્વિસ માંગે છે તે તાલુકે સર્વિસ માં દેવા ગયો તો, એમાં ફોન ની ઘંટડી વાગી..! જાજા દિ એ મોટેશના નાનકેશ જાગ્યા છે આજ તો. કે છે કે પંખી નો માળો વિખાઈ ગયો છે..! સમો કરો.
તે એલા પંખીના માળા સૌથી પેલી તો જોઈએ ઝીણી સાંઠિયું, તણખલા..! પછી તો જે તણખલાની હાર્યનું હોય એવું બધુંય હાલે..! આવડી નવરાશ હતી તો નહીં આજે, પણ થયું કે હાલો માળો બનાવવો છે તે તણખલું તો દેવું જોશે..! તે હું ને ડાઘીયો ઉપડ્યા તણખલું ગોતવા..! સૌની મોર લાલમલાલ રાતાંબમ્બોળ શ્રીમાન રક્તપિપાસુ જ સામા ભટકાણા, ભેળો નંદુ નામધારી વૈશાખનંદન પણ હતો. એટલે મેં વળી સહજતા થી પૂછ્યું, 'કઈ બાજુ ભાઈ?'
'અધ્વગચ્છત'
એટલે મેં થોડા આઘા હટી ને ફરી પૂછ્યું, 'કેડા વનોતા ભા?'
'કિમપિ ન શાશ્વતમ'
એટલે મેં વળી મારા નાકે આંગળી રાખીને ચેક કર્યું, શ્વાસ બરોબર ચાલે છે. મનોમન ગડમથલ થઇ કે 'કિ માપી સાંસ તમ' માપોમાપ જ શ્વાસ હાલે છે તોય શું કામ આવું કેતા હશે? પણ જ્ઞાની માણસ પર શંકા ન કરાય. એટલે નંદુ ને પૂછ્યું, 'શું કે છે સાહેબ?'
ત્યાંતો નંદુ ભૂંક્યો, 'મને ખબર હોત તો ચાર પગ થોડા હોત?'
વાત તો એનીય સાચી હતી. એટલે મેં ડાઘીયા સામું જોયું..! જોંતાવેંત ડાઘીયાએ તો પેલો લાંબો નિસાસો નાખ્યો, ને કે 'હૂંહ, માણહજાત.. મુદ્દાની માંડોને, રક્તપિપાસુ છે ઈ, હમણાં ડોકે દાંત દેશે તો ક્યાંય ના નહીં રહો..!'
એટલે મેં વળી બાબા લાલમલાલ રાતાંબમ્બોળ શ્રીમાન રક્તપિપાસુ સામે ફરી ને કીધું કે 'મોટેશના નાનકેશ પંખી નો માળો બનાવે છે તે તણખલું ભાળ્યું ક્યાંય?'
બાબાએ અર્ધ મીંચેલી આંખો થી, શેર ઠબકાર્યો,
એમ કહીને એમણે પોતાના મોઢા પાસે મુઠી બંધ કરીને કૈક મંત્ર ફૂંક્યો ને નંદુ ના કાન પરથી હાથ ફેરવી ને મુઠી એક તણખલા આપ્યા મને. બસ આપણે રાજીના રેડ..!
બાબાને એમની શેરો શાયરી માં વ્યસ્ત રહેવા દેતા, હું નીકળી ગયો આગળ. એય ને ગુજરાત ઠેકીને કાઠિયાવાડ માં ઠેક દીધી..! ડાઘીયો આમ તો આડોડાઈ કરતો હોય, પણ આવા મદદ ના કામ ઈ એક્કો હો. બાબા લાલમલાલ નું ઠેકાણું એણે જ શોધી આપ્યું હતું, અને હવે કાઠિયાવાડ માં પણ ઈ જ લઇ આવ્યો હતો..! એય ને દરિયાકાંઠે ઘડીક ઉઠતી લહેરો, ને ટાઢોબોળ પવન.. પણ આકાશ માં કાઇંક કાળું કાળું ઉડતું ગયું અચાનક..! ડાઘીયા ને કહું 'જો એલા U.F.O. જાય.. જલ્દી જો..' ડાઘીયા એ જોયું ન જોયું ત્યાં તો એ વસ્તુ જાણે દરિયા માં અલોપ થઇ ગઈ. 'એલા માણહ, UFO આયાં ક્યાંથી હોય?' ત્યાંતો એવુજ ઊડતી રકાબી જેવું વળી પાછું ક્યાંક અમારી પાછળ થી આવ્યું ને દરિયા માં ખાબક્યું. આ વખતે તો ડાઘીયાએ પણ જોયું, પૂંછડી નીચી નમવા માંડી એની..! ભો ભલભલું કરાવે..! અમે પાછળ ની તરફ હાલવા માંડ્યા. તયાંતો ત્રીજી રકાબી ઉડીને અમારી માથે થી ગઈ..! ડાઘીયો પોતેય 'કાઉં કાઉં' કરતા રહી ગયો.. પણ જીગરવાળો ખરો..! જે દિશામાંથી આવતી હતી, એ બાજુ આગળ ડાઘીયો, પાછળ હું..!
'અરે આ તો નિશાબેન છે..' ડાઘીયો કાંક હાશકારા ભેરે બોલ્યો.
મેં પણ જોયું તો નિશાબેન એક આંગળી ઉપર તાવડી ને ગોળ ગોળ ફેરવી ને દરિયા માં છુટ્ટી ઘા કરતા હતા..! 'એલા આ શું કરો છો?' મેં પાસે જઈ ને પૂછ્યું.
'હેં? રોટલો ક્યાંથી આવ્યો?' માથું ખંજવાળતા મેં પૂછ્યું.
મેં મારા બેય હાથ જોયા, ખાલી હતા, તમ્બૂરો તો હતો જ નહીં. પણ થયું, કવિ અને વિચારક છે, કલ્પના કરી હશે. એટલે મેં આખી વાત વિસ્તારથી સમજાવી કે મોટેશના નાનકેશ માળો બાંધે છે, એકાદ તણખલું તમે આપો..! એટલે એમણે એક તાવડી આંગળી ઉપર એવી ચક્કર ચક્કર ફેરવી ને ફેંકી, થોડી જ સેકન્ડમાં પાછી આવી, એમાં ચાર-પાંચ તણખલા હતા..! વિચાર્યું આટલા તો ઘણા, પણ આ બાજુ આવ્યો છું તો થયું રૂપલબેન ના ઘર કોર્ય આંટો મારતો આવું..! થોડું જ ચાલ્યો હોઈશ ત્યાં તો એજ સામા મળ્યા..! મને કે 'હાલો કામ છે, આ થેલો ઉપાડી લો.' ભારે વજની થેલો..! નાખ્યો ખભે ને થયા હાલતા. ચાલતા ચાલતા એટલી બધી કવિતા સંભળાવી દીધી કે હુંય ધરાઈ ગયો..! ધીમે ધીમે થેલા નો ભાર જાણે ઓછો થતો ગયો. એક જગ્યા એ મેં એમને ઉભા રાખી ને મોટેશના નાનકેશ વાળી વાત સંભળાવી..! તો મને કે તમારે ખભે થેલો છે એ જ લેતા જાવ, સારું થયું તમે કહી દીધું, નકર હું બધી કવિતા તમને સંભળાવી દેત તો આખો થેલો જ ખાલી થઇ જાત.
હવે તો ઘણા તણખલા ભેગા થઇ ગયા તા. હવે વિચાર્યું કે પાછા વળી જવાય, નકર ક્યાંક એવું ન થાય કે તણખલા નો ભાર મારા થી જ ન ઉપડે..! પાછો વળતો હતો, ત્યાંજ એક નિરાધાર તણખલું દેખાણું.. પિંકીબેને કદાચ રાખી મૂક્યું હતું. ઇય ભેગું લઇ ને પાછો આવ્યો, ત્યાં ભરત ભાઈ એ ભૂલ માં એક છુટ્ટુ ઈમોજી ઘા કર્યું.. માંડ બચ્યા..!
લ્યો મોટેશના નાનકેશ, બનાવો માળો, આપણાથી આટલા જ તણખલા ભેગા થયા છે, બાકી હવે વળી રેઢી પડી છે તે ઇય જોવી જોશે ને..!
હાલો તયે સૌને રામે-રામ