ઘરના છોકરા ઘંટી ચાટે, પાડોશીને આટો.. || Gujarati Dayro | World Affairs | Moral Values |

0

ઘરના છોકરા ઘંટી ચાટે, પાડોશીને આટો..



ભારે કરી.. માંડ માંડ ભુલ્યો હતો ક્યાં યાદ દેવડાવ્યું..! કોઈએ ધ્યાન દીધું હોય તો અચાનકથી કંગ્લાદેશ બાજુના સમાચાર શાંત થઈ ગયા. કારણ બસ આ જ, ઘરના છોકરા ઘંટી ચાટે, પાડોશી ને આટો.. ભારતમાતા પૌત્ર ને ધવરાવે છે. ને ધાવતું બાળક બટકું ભરે તોય માં સહન કરે. બહુ બહુ તો એક ટપલી મારે ઈય વ્હાલની..! જિયોપોલિટિક્સનો મજો જ આ છે.. બહુ ટાઈમ પેલા ડાયરામાં એક વાત સાંભળી હતી.. બહુ ટાઈમ પેલા એટલે કીધું કે હવે ડાયરા સાંભળવામાં રસ રહ્યો નથી.. કૂતરા બાધે એમ આજકાલ સ્ટેજ ઉપરથી બણગાં ફૂંકાય રહ્યા છે. ઓલો આમ કેતો'તો ને ઓલો આમ કરતો'તો.. એલાવ ત્રેવડ હોય તો એક જગ્યા નક્કી કરાય ને, સામસામું ભરી પીવાય.. બાકી હું આમ કરી નાખું ને તેમ કરી નાખું એમ કીધે કાંઈ થાય નહિ ભાઈ. જેટલી બડાશું મારો છો એટલી મેદાન માં દેખાડી દેવાય..! એક બાપ નો દીકરો છે, બીજો ચેલો છે.. ઓમેય હવે આ સ્ટેજ કલાકારો ઉગ્ર, ઉત્તેજક અને આક્રમક વાત્યું ના તડાકા ઝીંકે છે.. પેલા જેવી વાત રહી નથી. પેલા જે આવી વાતો કરતા હતા એ એવું જીવી પણ જાણતા હતા. મોઢેમોઢ કહી દેતા.. હવે કોક ના ડાયરામાં કોક ઉપર નિશાન લે છે.. એલાવ ઘરભેગા થાવ.. અરે વાત કરતો હતો ઘણા સમય પહેલા ડાયરામાં સાંભળ્યું હતું કે, 'ભારત દેશ ને ભારત માતા એટલા માટે પણ કહે છે કે ઇ ભારતમાતા બેઠી બેઠી આજુબાજુવાળા ને પ્રેમથી ધવરાવે છે..' ઘણા વર્ષો પહેલા સાંભળી હતી આ વાત આજે આપણી હયાતી માં પણ કેટલી અક્ષરસહ છે.. માલદીવ ને મબલખ રૂપિયો દીધો, ઈય ટાઢું પડી ગયું.. લૂંટાયેલી લંકા ને પણ ભારતમાતા એ પોતાના પાલવ માં લીધી.. નેપાળ આનું તો શું કહેવું? હાલતા છરી હુલાવે છે, કે પી શર્મા ઓલી.. પણ તોય એના ડેમથી માંડીને વિદ્યુતઉર્જા પણ ભારતમાતા કરી દે છે... તાજેતર માં જ કંગાળ, અને ભૂખમરી ને આરે પહોંચેલું કંગ્લાદેશ.. બાંગ્લાદેશ ને પણ આખરે તો ચોખા માટે પણ ભારતમાતાના ચરણ ચામ્પવા પડ્યા. 2021માં તાલિબાને અફઘાનિસ્તાન નો કબજો લીધો ત્યારે ભારતમાતાની જૂની સાડી નું ચીંથરુ થયેલું પાકિસ્તાન રાજી બહુ થયું'તું કે હવે તો ભારત ના રોકેલા તમામ રૂપિયા અફઘાનિસ્તાન માં ફેલ ગયા.. બે દી પેલા જ ભારતના વિદેશમંત્રી એ અફઘાનિસ્તાન ના મંત્રીઓ સાથે દુબઇ માં મુલાકાત કરી, અને તાલિબાન હવે પાકલા વ ને જ મારે છે ઇ પિંજણ જુદી.. ધાર્મિક સમાનતાથી ભાઈ નો થવાય.. એના માટે નૈતિક મૂલ્ય નામની વસ્તુ ફરજિયાત છે, જે નાપાકિસ્તાન પાસે નથી..!


હવે ભારતમા આંતરિક ગમે એવા ધમપછાડા હાલતા હોય, પણ આપણે બહાર તો મદદ કરવાનું ચુકતા નથી.. જો કે આ મદદ નથી.. આ જરૂરત છે. ઇન્વેસ્ટમેન્ટ સમજો.. કાલ આનું વળતર જરૂરથી મળે. પણ તોય ટૂંકમાં એક રીતે એમ પણ જરૂરથી કહી શકાય કે ઘરના છોકરા ઘંટી ચાટે છે.. કારણ, હરિયાણા માં હજી સુધી ઓલા ખેડૂતો બેઠા છે, બિહાર માં પરિક્ષાર્થીઓ પર આવી ટાઢ માં પાણી છોડવામાં આવ્યું.. મણિપુર માં જેમતેમ થયું હતું? વિકાસ થાય છે, ના નથી.. પણ જે આ બહારના અચાનક કરવા પડતા ખર્ચામા કાપ જરૂરી છે.. રોડ, ટેકનોલોજી, ઉત્ખનન.. આ બધી જગ્યા એ ભારત પાછળ છે. ઉત્ખનન.. વિશ્વ માં સૌથી મોટો સોનાનો ભંડાર ચીનમાં મળ્યો.. કારણ શું? ચીને પોતાની સમસ્ત જમીનો સ્કેન કરી રાખી છે, સતત કરે છે. ભારતનો લગભગ 80% ભુભાગ આપણે જાણ્યો જ નથી કે આપણી પાસે શું શું મિનરલ્સ (ખનિજતત્વો) પેટાળ માં દટાયેલા પડ્યા છે.. ખોદે છે એમ તો સરકાર.. પણ સંભલના કુવા શોધવામાં વ્યસ્ત છે. કૂવે હવે કોઈ પાણી ભરવા નથી જાતી બાયું, સરકાર ને ખબર નથી શું? જોમેટો ને સ્વિગી કરનારી ગિગીને હેલ્ય શું હોય એજ ખબર નહિ હોય, ઈંઢોણી વિશે પણ..!


એલા આપણું ખાતું આવું જ છે, છોકરા ઘંટી ચાટે કે નો ચાટે, આપણે વાત માથી વાત ઉખેડતા ઉખેડતા ઉગમણેથી આથમણે વહ્યા જાઈએ છીએ. ભારતમાંથી એક્સ્ટ્રીમ ગરીબી તો હટી ગઈ છે એવું તો હવે વિશ્વ સ્વીકારે છે, પણ જે હિસાબે આપણા ટેક્સમાંથી રેવડી બાંટાય છે એ પણ બંધ થાવી જોઈએ. વિધવા સહાય ને નામે રૂપિયા આપો છો એ બરોબર છે, પણ સાથે સાથે એને એ સમજણ કોણ આપશે કે પગભર ઉભા થાઓ.. થોડા સમય પહેલા સૌરાષ્ટ્રમાં એક બહેન પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ભરતા હતા, આપણે અહિયાં પેટ્રોલપંપ પર બહેનો કામ ન કરે. એક વ્યક્તિએ કામ કરવાનું કારણ પૂછ્યું, તો જાણવા મળ્યું કે એમના ઘરની સ્થિતિ ઠીક ન હોવાથી કામ કરતા હતા. લોકોએ મદદ કરવા ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે એ બહેને બહુ સરસ જવાબ આપ્યો, આત્મગૌરવપૂર્ણ, 'મારે રૂપિયા નથી જોઈતા, મને બસ એક નાની દુકાન કરી દયો, હું મારી રીતે નિભાવી લઈશ..' નકર આવી અનહદ રૂપિયાની મદદ આવતી હોય તો આજના સમયમાં કોણ ના પાડે? પણ આ સ્વાભિમાન ની વાત છે.. ઇનશોર્ટ, એ બહેને જેમ પોતાને પગભર ઉભા થવાને ઈચ્છા વ્યક્ત કરી, એમ ઘણા લોકો છે જે વ્યવસ્થિત છે પણ સરકારી રેવડી ચગળાવવાનું નથી મુકતા..! 


તમે શું માનો છો? જેણે આરક્ષણનો લાભ લઈને સરકારી નોકરી કરી છે એના રિટાયરમેન્ટ બાદ એના વારસદારને આરક્ષણની જરૂર છે ખરી? આરાક્ષણનો હેતુ શું હતો, સામાજિક સમરસતા અને આર્થિક મજબૂતી..! આરક્ષણના ઓઢણાં હેઠળ એક મજબૂત થયેલ પરિવારને પછી ફરીથી આરાક્ષણની જરૂર પડતી હોય તો તો જે હેતુ હતો એ તો ચરિતાર્થ થયો નહિ.. જે આ ઘરના છોકરા ઘંટી ચાટે છે એમાંય ભેદભાવ છે.. પેલા એક, પછી બીજો, પછી ત્રીજો, અને ચોથા એ ચોંટેલો લોટ ખાલી જોવાનો જ. ઠીક છે ભાઈ, તમે તો કાંઈક બીજું લખવાનું કીધું હતું પણ હવે વાડી નું રેઢું કામ જોવું જોશે તો હાલો સૌને રામ રામ..!


|| અસ્તુ ||


Post a Comment

0Comments
Post a Comment (0)