આનંદની ક્ષણો.. ખરેખર.. આનંદની ક્ષણો તો ગીતો સાંભળવામાં જ ઉભી થાય છે, મોટા !.. આમ તો કેવું છે કે ગીતો સાંભળવામાં મારી કોઈ નિશ્ચિત પ્લેલિસ્ટ તો નથી, છતાં સ્પોટીફાય પર ઘણો ગીતો સિલેક્ટ કરી રાખ્યા છે. ભાષાનું બંધન નડતું નથી મને..! ગીતોમાં આમ તો મારી પસંદ છે લાંબા ઢાળના ગીતો..! હમણાં આ ચાલુ લગનગાળામાં અત્યારે તો લગ્નગીતો જ સાંભળ્યા કરું છું..! 'કોયલ બેઠી આંબલીયાની ડાળ', 'વનરા તે વનમાં મીંઢોળ જાજા..!' મજા જ જુદી છે આ ગીતો ની..! 'આવી રુડી અજવાળી રાત..', પછી 'મણિયારો' સાંભળવાની તો મોજ જ નેક્સટ લેવલ છે. મણિયારો એટલે ઓલું મણિયારો તે હલુ હલુ નહીં.. 'મીઠી બોલી વાળો રે મણિયાર..' ચારણી રમતની ઢબ, બરડો-બારાડીના ઢોલીનો તાલ.. આનંદ આમાં છે મોટા આમાં..!
આમ તો ગુજરાતી ગીતો સૌરાષ્ટ્ર જેવા તો ક્યાંય નથી જ.. પણ છતાં ઢોલિવૂડમાં પણ કોક ક્યારેક સારું નીકળી આવે..! એક તો આપણે ત્યાં દરેક ગીતો મેં તાલ તો એક જ હોય છે, કાં તો ગરબાની એકતાળી, અથવા હીંચ કે તીનતાલી નો તાલ.. દરેક વાયરલ ગીતોમાં..! હાલમાં એક ગીત ઘણું જ વાયરલ છે, પદ્મા... એમાંય આ લગનગાળો.. એક ઠેકાણે દાંડિયારાસમાં લગભગ આઠેક વાર આ ગીત ગવડાવાયું..! છેલ્લે તો હું તોબા પોકારી ગયો..! ગીત સારું છે. પ્રસિદ્ધ માંગડા વાળાના કથાનક સાથે સંકળાયેલું ગીત છે. આપણા સોરઠી સાહિત્ય તમામ પ્રકારની વાતો છે, અગમ અગોચરની પણ..! કહેવાય છે, માન્યતા છે કે ધાતરવડીનો માંગડો વાળો એના મામાને ત્યાં મહેમાનગતે ગયો હતો. એ સમયે ગાયો વાળવી સામાન્ય વાત હતી. જેતે ગામનું ગોધન લૂંટી જતા.. બરોબર માંગડો આંખોમાં દુખાવા ને લીધે આંજણ આંજીને સુતેલ, અને સમાચાર આવ્યા કે એના મામાના ગામની ગાયોનું ધણ લૂંટાયું..! મામાએ સુતેલ ભાણેજને કોઈએ ન જગાડવા ભલામણ કરી અને ગાયોની વ્હારે ચડ્યા, પણ પાછળથી માંગડો જાગ્યો, ગાયોની વ્હારે દોડ્યો.. અને ધીંગાણામાં કામ આવી ગયો. કામ આવવું એટલે યુદ્ધમાં મૃત્યુ થવું. માંગડાને મામાના જ ગામમાં વાણીયાની દીકરી પદ્મા સાથે પ્રેમ હતો. પ્રેમની વાસના રહી ગઈ એટલે ભૂત સર્જાયો..! અને એ વડલાંમાં ભૂત થઇ ને વળગી રહ્યો... સૌરાષ્ટ્રની રસધારમાં આખું કથાનક સારી રીતે વર્ણવેલું છે. એ કથાનકમાં બહુ સરસ દુહાનું ચરણ છે, આપણું સાહિત્યમાં ભૂત કેવું રોવે એ પણ વર્ણવ્યું છે.
'સહુ રૂએ સંસાર, પાંપણીએ પાણી પડે,
ભૂત રૂએ ભેંકાર, લોચનિયે લોહી ઝરે..!'
મનુષ્ય રૂએ છે તો તેની આંખોમાંથી પાણી જેવું પ્રવાહી નીકળે છે, પણ ભૂત રૂએ ત્યારે એની આંખોમાંથી લોહીની ધાર થાય છે. કહેવાય છે કે પ્રીતઘેલો માંગડો ભૂત થયો, અને રોયા કરતો..! બહુ મોડે મોડે એનો છૂટકો થયો હતો. ગીર માં તો આવી ઘણી વાતો છે. હાલ એ માંગડા વાળાનું સ્થાનક આજ પણ મોજુદ છે.
આવું થાય મોટા, ગીતોમાં ઉતપન્ન થતી આનંદની ક્ષણોની વાતો માંથીબીજી વાતોએ વળી ગયા..! તો હું એમ કહેતો હતો કે પદ્મા ગીત ઘણું વાયરલ થયું, મને પસંદ આવ્યું, પણ વચ્ચે જે સાખીઓ મૂકી છે એનો લહેકો વધુ રસપ્રદ નથી..! એ સિવાય, એક વાર તો ગજબ થયું એક ગીત માં..! એક ઘણું પ્રખ્યાત ગીત છે, 'મેં તો તમને જોયા તમારા પિયુજી ની સાથ..' આ ગીત માં તો જબરો તાલ થયો તો મારી સાથે મોટા..! થયું એવું કે આપણે ગુજરાતી ગીતો ના કલાકારો એક તો ઑટોટ્યુન ઘણું વાપરે.. એટલે ગીત ના શબ્દો નું જે ઉચ્ચારણ છે એ અડધું તો સમજાય જ નહીં..! ઠેક-ઠેકાણે દાંડિયારાસ માં એ ગીત ઘણું સાંભળ્યું હતું, પણ ત્યારે મને શબ્દો સમજાતા હતા કે કોઈ સ્ત્રી એવું કહી રહી છે કે, 'મેં તો તમને જોયા'તા મારા પિયુજી ની સાથ..!' કેવો અનર્થ થયો..!
કોઈ સ્ત્રી પોતાના પ્રેમી સાથે બીજા કોઈ પુરુષને જોઈ રહી છે આવી કલ્પના પણ કેમ કરવી.. જો કે સમય ના અભાવે ક્યારે પણ હું મૂળ ગીત સુધી પહોંચ્યો નહોતો. આખરે એક દિવસ યુટ્યુબે સામેથી જ મને એ ગીત મારી ફીડ માં મોકલ્યું.. ત્યારે સમજાયું કે આ તો કોઈ દીલજલો ઘાયલ પોતાની પ્રેમિકા જે બીજા કોઈ ને પરની ચુકી છે તેને કહી રહ્યો છે કે, 'મેં તો તમને જોયા તમારા પિયુજી ની સાથ..' આવું થાય મોટા, જયારે અસ્પષ્ટ ઉચ્ચારણ હોય ગીત નું.. અથવા તો ગાયકના અવાજ કરતા વધુ વાજિંત્રોનો અવાજ હોય.. ગીતોની પસંદગીમાં મને ભાષા નડતી નથી.. હમણાં થોડા દિવસો લગાતાર મારવાડી ગીત 'ભંવરસા થારી મ્હાને ઓળું ઓળું ઘણી આવે..' બહુ સાંભળ્યું..! આખો દિવસ, ટ્રાવેલિંગ દરમિયાન, કામ કરતા હોય ત્યારે.. સતત.. અનહદ આનંદ..! એ સિવાય, રાજસ્થાની ભાષામાં જ 'જલાલ સૈન', હિમાચલ નું 'પિન્ક પલાઝો', ઉત્તરાખંડનું 'ફવા બાઘા', આસામનું 'કોંગ સેંગ'.. ઘણા છે, જે અત્યારે લખતા સમયે યાદ પણ નથી આવતા, પંજાબી માં સતીન્દર સરતાજનું 'ઈકકે મીકકે'.. બોલીવુડના ઠુમરી ગીતો, આ સિવાય વચ્ચે ફરીદ અયાઝની કવ્વાલીઓ નો ચસ્કો પણ ખુબ ચડેલો..!
ખસ્તા હાલત તો ગુજરાતી ગીતોની ઓલા ચાર ફુટીએ કરી હતી.. છપરી જેવો વેશધારી.. મને આજ પણ ઘમંડ છે, એનું એક પણ ગીત કે ફિલ્મ ન જોવાનો. જો કે ગુજરાતી ફિલ્મોમાં પણ છેલ્લે તો જયારે રા'નવઘણ, જાલમસંગ જાડેજા જેવા ફિલ્મો બનતા હતા, એ જોયા છે, તે પછી હમણાં છેલ્લો દિવસ, હેલ્લારો અને રેવા જોયું..! બાકી આજકલ થોડું વધુ ઓપન માઇન્ડેડ થતું જાય છે ગુજરાતી ફિલ્મી જગત પણ..! બાકી મોટા, લગ્નગીતમાં જયારે જયારે દેવલ ગઢવીનું કોઈ ગીત સામે આવી જાય ને ત્યારે તો એમ જ થાય કે ઘોડે ચડયા જ કરીયે.. 'બાગ મેં રાણ્યુ ના ઝાડ, રાણ્યુ પાકી ને જામ્બુડા લળી લળી જાય..' આનંદ નો અતિરેક હો મોટા..! જો કે લગ્નગીત તો કોને નહીં ગમતા હોય? લાંબા ઢાળમાં તો જે ગાઈ શકે એજ ગાય.. એક લાંબો આલાપ અભેસિંહ રાઠોડ લેતા... યુટ્યુબ પર ઘણા બહુ સારા ડાયરા છે એમના..! બે દિવસ થી તો એક ગીત જ લગાતાર સાંભળું છું, 'આંગણિયે અવસર' ભાવેશ આયરે ગાયેલ ગીત, હીંચના તાલમાં મજો જ જુદો છે મોટા..!
જો કે મારી પસંદગીના ગીતોની ઢબ જ થોડી એવી છે, આદિત્ય ગઢવીનું 'મધરાત્યુંના મોર', 'હાજી કાસમ તારી વીજળી..' અને રાસડા ની તો વાત જ શું કરવી..! મોજે દરિયા તો રાસડા માં જ ઉતરે મોટા..!
ઠીક ત્યારે લ્યો.. આટલી આનંદની ક્ષણ ઘણી.. નિજાનંદ છે મોટા.. મને મન પડે એમ કરું...!