તી' મોટા મામલો આજ ઇમ છે, કે કાલ્યનો હું તો ગુજરાતી ભાષાના ગાડાં મારગ માથે ધૂળયુની ડમરી ચડાવતો હાલ્યો જાતો'તો..! ઈચ્છાઉં નો ચંદરવો કાલ્ય સળ વિનાનો પાથર્યો ને દી આથમ્યા મોર્ય સંકેલીય લીધો હતો..! તી હજી લગણ લ્યો ને તમારા આ YQ ગામ માં જ આડેધડ આંટા દીધે-દિધ થયો'તો. આજ આ સવારનો આભના આભલાં જેવો સુરજ ઓલી ઉગમણી કોર્ય માથે પોતાની કોર્યું કાઢે ઈ મોર્યનો હું તો આંય તમારા ગામની શેરિયું ફરી લીધી..! કાલના ચંદરવા માથે કમલેશભાઈ ને બંસરીબેન અડકો-દડકો રમતા'તા..! ઘડીક હુંય જોડાયો, પણ મારો દા ઘડીક માં પૂરો થઇ જાય..!
![]() |
Baba Raktpipaasu ko samay dikhate Dilawarsinh.. |
તી મોટા, તમારા ગામની શેરીયું ખૂંદતા ખૂંદતા એક વાવડ મળ્યા, ચાર બાય ચારનું જીપડું જાણે સડેડાટ પસાર થિયું.. આવડી ઝડપમાં જીપડું જાતું હોય તો ઇનો હાંકનાર જણ એક જ હોય, ઓછામાં ઓછા જણ.. કમ અને લેસ.. ટૂંકમાં આપણાં જગજુના કમલેશભાઈ.. એમ સમજો ને કે આ ગામની શરુઆત થી ઇ ભાઈ એ ગામ ગજવવાનું શરૂ કર્યું'તું તે ઠેઠ આજ દી લગી આખા ગામમાં ગમે ન્યા ગોકીરો બોલતો હોય, કમલેશભાઈનું જીપડું ન્યા ઉભું જ હોય..! ક્યારેક તો એમ થાય કે આમને 108 ની સેવામાં જો રાખ્યા હોય તો રસ્તામાં પોતે જ માણહ ઉડાડી ને ભરતી કરી લ્યે.. ભારી ઝડપી માણહ લ્યો ને..! હવે મારું શેરીમાંથી નીકળવું ને, ઇ ચાર બાય ચાર નું જીપડું સામું આવવું..
'કેની કોર્ય મોટા ના નાનકેશ?'
'અરે તમને જાણ થઈ કે નહીં? આજે ચાર ચાર છે..'
'તો એમાં હું? ઈતો વરહે વરહ આવે..'
'અરે, આજ તો એક જણ ને ધામા નાખવાના છે, હાલો ઝટ બેહી જાવ બાજુ માં..'
તે આપણો વછેરો ખીલે બાંધ્યો ને ગોઠવાઈ ગયા આ ઝપટ બોલાવતી જીપડી માં..! 'પણ તમે ચોખ તો પાડો જાવું કઈ બાજુ છે..?'
'એ બધું તમને ત્યાં પહોંચીને સમજાઈ જાશે..'
તી મોટા, આમણે તો મોટર મારી મૂકી, એય ને વા નું વંટોળ જાય ને વાંહે કોથળીયું આભમાં ચકરાવે ચડે એમ ધૂળના ગોટ ઉડાડતું જીપડું YQ ગામના ધૂળિયા માર્ગે ધોડ્યે જાતું'તું..! સાવેય સોપો પડેલું ગામ.. જુનવાણી આ ગામના જણ તો કેદુના આધાર કાર્ડ માં નવું અડ્રેસ અપડેટ કરાવી ને વયા ગયા'તા.. પણ કમલેશભાઈ આજ દિ લગી જાણે ધૂણો જગાવી ને બેઠા છે.. બસ બે-ચાર મારા જેવા પ્રવાસી ક્યારેક ક્યારેક આવી ચડે, ઘડીક આમ તેમ આંટા મારે ને પાછા વહ્યા જાય. આવી આવી વિચારમાળા મારા મગજ માં હાલતી'તી. કમલેશભાઈ એની આ 'દીદી ની દયા' લખાવેલી જીપડી માથે જરીય રે'મ રાખ્યા વિના રોડના ખાડાથી માંડીને ખાબોચિયા ઠેકાડે જાતા'તા..! કોણ જાણે શું મુદ્દો હોય ને શું એવી ઉતાવળ હોય.. લગભગ અડધા પંથનું ફિંડલું વાળી નાખ્યું'તું, મોટેશના નાનકેશે..! અચાનક જ બ્રેક મારી ને જીપડું ઉભા રોડે ખીલો થઇ ગયું. 'મારી વિચારમાળાના બધાય મણકા ન્યાં ને ન્યાં જ વેરાઈ ગયા.. રોડ વચ્ચે એક પડછંદ નારી ઉભા ઉભા વાંસળી વગાડતા હતા.. હું હજી જાણું-સમજુ, કાંઈ પૂછું એ પહેલા જ કમલેશભાઈ બોલ્યા, 'અરે બંસરી બેન, જલ્દી બેસો, હાલો, એક જગ્યા એ ધુબાકા બોલાવવાના છે.' બંસરીબેન જીપડીની પાછળની સીટ માં ગોઠવાતા બોલ્યા, 'ધીમે હાંકજો હો ભાઈ, નકર આ વાંસળી ને સાંબેલા ઘોળયે તમારા જ માથા માં ઝીંકતા વાર નહીં કરું..'
હું બેઠો બેઠો મારી રોડ ના અવલોકનો કરતો હતો, એય ને YQ નું સાંકડું એવું શહેર, એમાંય એક બાઈ બેઠી બેઠી અધૂરા વાક્યો બોલ્યા કરે, લોકો એને પુરા કરે, વાહવાહી લૂંટે, એક ગુજરાતી લોંઠકો જણ તો ખાલી એક શબ્દ જ બોલે, તોય પબ્લિક - ગાંડુ પબ્લિક - અધૂરો બોલ ઝીલી લે ઈ માહ્યલું હો..! પણ હવે આ શેરનો સીમાડો આવી ગયો હતો. અચાનક જ આખુંય વાતાવરણ જાણે બદલી ગયું.. શહેરની ભીડભાડ થી દૂર, એકદમ શાંત પણ સાવેય અલગ તાસીર ની જગ્યા.. ચારેકોર જાણે જોગણી રમી ગયી હોય ને રક્તના રેગાડા વહ્યા જાતા હોય એવો મારગ, જીપડી ના ચારેય પૈડાં લાલ લૉંદા ઉડાડતા સરકતા જાતા'તા. વાતાવરણમાં પણ એક લાલ પ્રકાશ રેલાયો હતો. મને થોડોક થોડોક ઝબકારો થાવા મંડ્યો હતો, કઈ બાજુ જાય છે આ રસ્તો..! વળી પાછી અચાનક ઉભી બ્રેક મારી કમલેશભાઈ એ.. 'મેં અકળાઈને પૂછ્યું હવે શું થયું?'
તો કમલેશભાઈ કે આમ રોડ ઉપર જોવો, મારી નજર રોડ ઉપર પડી, એક ગધેડો.. લાલ રંગનો ગધેડો.. હું તો ઘડીક જોઈ જ રહ્યો.. કમલેશભાઈ કહે આ તો નંદુ છે..! મનેય જ ઝીણું ઝીણું યાદ આવ્યું.. બાબા રક્તપિપાસુનો જોડીદાર એક નંદુ નામે હતો..! કહેવાય છે કે બાબા રક્તપિપાસુનો કાળજાનો કટકો છે આ..! નંદુ હોય ના બાબા હોય, બાબા હોય ન્યાં નંદુ હોય..! અમે આમતેમ નજર ફેરવી, પણ નંદુ હાવેય એકલો ઉભો હતો..! અમને જોતાવેંત નંદુ ઘૂરક્યો, 'એય માંણહજાત, આમ કઈ બાજુ?'
એટલે અમારાવતી શ્રી કમલેશભાઈ કમાન સાંભળતા બોલ્યા, 'કઈ બાજુ એટલે શું? ઇન્વિટેશન લેટર છે, બાબા રક્તપિપાસુ નું..' ને કમલેશભાઈ એ ખીસામાંથી એક કાગળ નંદુ તરફ ફેંક્યો..! નંદુ નું ધ્યાન હટ્યું કે તરત જ જીપડી દોડાવી મૂકી..! થોડેજ આગળ એક વિશાળ જાસુદ ના વૃક્ષ હેઠળ એક સરસ મજાનો ઓટલો.. કરામત એવી જોઈ લ્યો કે જાસુદ ના ફુલ તો રાતાં પણ એના પાંદડાંય રાતાં.. ભઠ્ઠામાં ધગેલ સળીયો જેવો રાતો હોય એવા રાતાં પાન.. ઓટલા ઉપર એક ફૂટતી મૂછ નો જુવાન, દખ્ખણના અભિનેતા જેવી સ્ટાઈલિશ વધારેલ દાઢી, માથે થી કાળા કેશ ઠેઠ ખભા સુધી વિખરાયેલા, ને એય ને અલ્મસ્તાન થઈને ઓટલા ઉપર આડો સુતેલ.. હાથ એક કાંચના ગ્લાસ માં લોહિયાળ રસનું પાન કરતા સુતેલ એ જ વિખ્યાત રક્તપિપાસુ બાબા..! આંખો જાણે આ ફાની દુનિયાથી ઉપર કોઈ કેફ માં નિહાળી રહી હતી.. અમે પહોંચ્યા, જીપડી માંથી ઉતર્યા જ હતા કે વાંહોવાંહ નંદુ ધોડમધોડ પહોંચી આવ્યો.. બાબા બેઠા થયા, ને જોતા રહી ગયા કે આ શું ધમાલ છે બધી..!
બાબાએ ઓટલા ઉપર જ અમને બધાય ને એક એક આસન આપ્યું, નંદુ ને ઈશારો કર્યો તો એ એક લાલ થાળીમાં લાલ સફરજન, લાલ ચણીયા-બોર, રાતા શેતુર, ને સ્ટ્રોબેરીના ફળો મૂકી ગયો, બાબાએ પોતાના હાથે એક એક ગિલાસમાં પોતાની પાસે રાખેલ ખોપડી આકારની કાંચની બોટલ માંથી રાતું લોહી જેવું પ્રવાહી પીરસ્યું..! અને બોલ્યા, 'કરો હરિહર, બહુ લાંબે થી આવ્યા લાગો છો..'
કમલેશભાઈ અને બંસરીબેને તો ફળો પર ધ્યાન દીધું, અને ઓલા પ્રવાહીથી નાક મચકોડ્યું..! આરોગવાનું આટોપી લીધા બાદ તુરંત જ કમલેશભાઈ અને બંસરીબેન ને સારી પેઠે ઘેન ચડી ગયું, માંડ્યા નસકોરા બોલાવવા, આ બધા વચ્ચે હું તો મુદ્દો જાણવા જ બસ બેઠો બેઠો તાલ જોઈ રહ્યો હતો.. થોડું ઘણું કાંઈક સમજાતું હતું, પણ સ્પષ્ટતા આવતી નહોતી.. હજી હું તો ઈજ ગડમથલમાં હતો કે આ થયું શું? કમલેશભાઈ આવ્યા, મને સાથે લીધો, કાંઈક કામ હતું, ધુબાકાવાળું, બંસરીબેન જોડાયા, ને હવે જેને ધુબાકા બોલાવવા હતા ઈ તો પોઢી ગયા.. બચ્યો હું એકલો, ને આ બાબા ને ઓલો દાંત દેખાડતો લાલ ગધેડો નંદુ..! એટલે મેં જ બાબા ને પૂછ્યું, 'મામલો શું છે મહારાજ?'
'એલા ભાઈ મુદ્દા માં કાંઈ માલ નથી, તમે તો આ ગિલાસ ગટગટકાવો..!' ઓલા બેયની હાલત જોયા પછી મેં ગિલાસ હાથમાં લીધો ને હોઠે અડાડવા ને બદલે નાકે ચડાવ્યો, સુગંધ તો તીવ્ર હતી.. ત્યાં તો બાબા એ અટ્ટહાસ્ય કર્યું.. હું વળી પાછો અસમંજસ માં..! બાબા બોલ્યા, 'અરે ચિંતા કરો માં, ચાખો, મજા આવશે..' અને પોતે પોતાનો ગિલાસ ભર્યો અને પી ગયા..! હવે આયાં સલવાણા જ છીએ તો પછી થાય ઈ જોયું જાય એમ ધારી ને મેં પણ ગિલાસ થી એક ઘૂંટડો ભર્યો.. અરે આ તો રેડ વાઈન છે.. આખો ગ્લાસ ગટગટાવી ગયો..! બાબાએ બીજો ગિલાસ ભરી દીધો, 'અલ્યા એન્જોય કરો..' હું એ પણ ગટગટાવી ગયો. પછી બાબાએ દાંત કાઢતા કાઢતા કીધું, 'અલ્યા ભઈ, મુદ્દામાં કશું નહીં, ચેવુ સ થોડા દિવસો અગાઉ આ કમલેશભાઈનો જન્મદિવસ હતો તે વખતે મેં ખબર લીક કરી દીધેલી. આ વખતે આ ભઈ મારી જન્મદિવસની ઉજવણી કરવા આયા સ..! જુઓને કેવા ઊંઘે સ.. મને થોડું થોડું ત્રિકાળજ્ઞાની જેવા જંતર-મંત્ર આવડ સ, તે મી તો જોઈ લીધેલું કે તમે લોકો આવતા હતા એ.. આ ઘેન નો ઇસ્પેસીયલ ફળ તૈયાર કરાવડાવેલા..' એમ કહીને એમણે મારો ત્રીજો ખાલી થયેલો ગ્લાસ પણ ભરી આપ્યો..!
'તો હું બચી ગયો એમ ને ટૂંકમાં..'
બાબાએ જવાબ ન દીધો, પણ દાંત દબાવીને મલકાયા, બસ એટલું મને યાદ છે, પછી તો મને પણ આ રેડ વાઈનનો કેફ ચડી ગયો'તો. પાર્ટી-બાર્ટી કાંઈ થઇ કે નહીં, આપણને કાંઈ ખબર નથી..!
#GujaratiVarta #DeshiBoli #FunnyStory #Gujarati #BirthdayParty