ઈચ્છાઉંનો ચંદરવો...

0

આમ તો હું મૂળે આળસું જીવ, પણ કોણ જાણે ક્યાંક રખડપટ્ટી કરવાની હોય તો ઉજમનો અંબાર ઉતરી પડે છે મારા માં..! જો કે ફરવું તો કોને ન ગમે? કાયમના કીડી કેડામાં હાલતા હોઈએ એટલે ક્યાંક નવો ચીલો કોતરવાનો થાય તયેં તો જાણે ગોળના ગાડા ઉતર્યા..! બળબળતી ને લૂ ઓકતી બપોર હોય તોય ભલે, ને જાડી ધારે મીઠો મીં (વરસાદ) વરસતો હોય તોય ભલે. આ રખડપટ્ટીનું મારું તંત્ર જુદું છે..! મને જે જગ્યા એ જાઉં છું ઈ જગ્યાથી જાજું તો મારગનું માત્યમ. એય ને ક્યાંક ખાબોચિયાળો, ક્યાંક નમણી નાર્યના લિસા ગાલ જેવો, તો પાછો ક્યાંક તો શીળીના ચાઠાં જેવો ખરબચીયાળો કેડો હોય, પછી તમે એને નેશનલ હાઇવે કે'તા હોય, સ્ટેટ હાઇવે કે પછી ગાડાં-મારગ..! મારે મન ઈ રસ્તા જ સૌથી મોટા. એય ને ઈ મારગની બેય કોર્ય કાં તો ખુલ્લો પટ પથરાયેલો હોય, કાં તો વનરાયુંની ઓથ લીધી હોય. કાં તો દરિયાની વાડ્યમાં જાણે છીંડું પાડ્યું હોય, ને કાં તો સારા દરજીડે ડુંગરાની કોતર્યું સડેડાટ કાતરી હોય એવો અડાભીડ રસ્તો..



કોણ જાણ્યે મનેય એવી કેવી ચળ ઉપડે છે, તે ઠેઠ કચ્છના રણને કાંઠે ખીરસરાથી માંડીને, આમ આથમણે માતાના મઢ, ઓલી કોર્ય - નહીં ઉગમણું ને નહીં દખણાદું - એમ ચોટીલા લગી મારા વાંછટીયા વછેરા જેવા યામાહા માથે પલ્લો કાપું તયેં જ ઈ ચળ જાણે ટાઢી પડે. જો કે આ વાંછટીયો વછેરો તો નવો નકોર છે.. એની મોર્ય મારું સદાબહાર ઠઠડીયું જુગ જુના ભેરુ માહ્યલું હતું.. પણ વરહના વાણલા ઘડીકમાં વહયા જાય, એ થોડુંક ગઢુ થિયું'તું. જાજુ જોર કરવામાં ઝઝકી જાતું'તું. એના સંભારણામાં તો અંતરના ઊંડાણથી સોરઠાં ઉકલે ક્યારેક..


કરામાત્યું કરી, કેડો કાપી નાખતું,
વેળાસર વળી, પુગાડી દેતું અનંત..


ભાગે છાંડી ભો, સાતક મણ લે સામવી, 
ખિસ્સે નો દે ખો, જ્યાં-ત્યાં લઇ જાતું અનંત..


વરહ બારની વાડ્ય, ઠેકી મારે ઠઠડીએ, 
રત્તી ન પડવી રાડ્ય, આખર લગી અનંતને..


ઈ ઠઠડીયા ને તો દઉં એટલા રંગ ઓછા વ્હાલા..! માળું ભારી લોંઠકું હતું.. ખીરસરાની ઓતરાદે રણનો કાદો એણે ખુંદયો'તો, આમ આથમણે તો માતાના મઢ, પુંઅરેશ્વરથી લઈને ચાડવા રખાલ, ને માંડવી સુધીનો પલ્લો તો રમતા રમતા કપાય જાતો.! માઈલેજ હાટુ તો મોઢું ખોલવાપણું આવતું જ નહીં ને..! એક દી હાવેય એમનમ માટેલને વાંકાનેરની દશ્યે ચડી ગયો..! એને લઈને નાનું રણ ખૂંદવું;તું, પણ ઈ મોર્ય એને વળાવવાનો દી આવી ચડ્યો. આપણે આયં મજા શું છે ખબર? એય ને તમે રોડ માથે હાલ્યા જાતા હોય ને તયેં પ્રકૃતિ'ય તમારી ભેગી જાણે રમવા નીકળી પડે.. બસ તમારે નજર નાંખવાની હોય..! મારી નજરે હું જોતો હોય તો મને, લીલી વનરાયુંથી માંડી ને સૂકા ભટ્ઠ ઝાડવાના ઠૂંઠા દેખાતા હોય છે. ટીટોડીયું ને તેતર તો હોય જ.. ઈ સિવાય કોક આ કાળઝાળ તડકા ને અવગણતો માલધારી પોતાના મબલખ ઘેટાં-બકરા લઈને નીકળ્યો હોય, ને સિટિયુંથી એકે-એક ની સાન રાખતો હોય. એક દી તો શિયાળવું સામું થયું'તું. પેલા તો રોડ વચાળે આવી ને ઉભું રહી ગયું, ને એની બાજુમાંથી નીકળ્યો, ત્યાં તો વાંહે થયું.. મૂળ શ્વાન પ્રજાતિ નું જીવ રહ્યું ને..! એક બાર એક ભીંહે (ભેંસે) ભીંહ પાડી દીધી હતી, ઇય મારી જેમ આળસુ જીવ, તે રોડ વચાળે અવળી ફરી..! ઠઠડીયું જૂનું થયા પછી તો એનો મેં હારેલા જુગારીની જેમ બમણો લાભ લીધો હતો. હબાયની રોડ વિનાની ટેકરી ઠેઠ ચડી ગયું હતું.. સારા સારાની ભૂખ ભાંગી નાખે એવો કુકમા ટેકરીનો વરસાદ પછીનો રોડ.. કંડલાના અગરના ક્ષારનો સ્વાદ પણ એણે સારો એવો ચાખેલો..! રણ, ડુંગર, દરિયાનું અગર, કે ભેખડ હોત (સમેત) ઈ મારા ઠઠડીયાએ હેમખેમ પાર કરાવેલા..!


બે-ચાર દી અગાઉ આ નવા વાંછટીયા વછેરા માથે પાંચાળમાં ઉતર્યો, આય ભારી લોંઠકો. વછેરો એમનમ નથી કે'તો એને, માળું ધ્યાન નો રે તો ગોથું મરવી દે એવો છે..! વજનેય નરવો છે. પણ હાલવામાં અદ્દલ ગોળી હો..! સડેડાટ કરતાંક ને કેટલોય પંથ રૂમાઝુમા વહ્યો જાય. હજી ઘણી ઈચ્છાયું છે અનંત.. આ કોડિયું જેવી આંખ્યુંનાય કોડ ઘણા છે.. ઝારાનું એ મેદાન જોવું છે, જેને 'કચ્છજો કુરુક્ષેત્ર ઝારો' કે' છે, કાળના પેટાળને પાટુ મારીને પ્રગટેલું ધોળાવીરા જોવું છે.. નાના રણનો મેળકબેટ, ને ઈ રણ ઉતરીને ઠેઠ બરડાની કાંખમાં બેઠેલ જાજરમાન નવલખો કેમ વિસરાય? ને પછી આ હંધુંય સોરઠ પાર કરીને સરવૈયાવાડને સીમાડે કદમગીરી.. કળા કરેલો કલાપી જોઈ લ્યો ચોમાસે તો..! ઓતરાદી કોર્ય મોઢેરાથી માંડી ને ગબ્બરગઢ, સિદ્ધપુરનો સોલંકી કાળ નો શણગાર સમો રુદ્રમહાલય, ને પોળોના જંગલો.. ઈચ્છાઉં અનંત છે, અનંત..!


હાલો લ્યો, આ તો અપાર થાતું જાય ઈ પેલા ઈચ્છાઉંનો ચંદરવો સંકેલી લેવો સારો..! રજા દ્યો વાલીડાવ..!

(03/04/2024, 19:51)


#Desires #Gujarati #BikeTrip #Gujarat #Soratha

Post a Comment

0Comments
Post a Comment (0)