વ્હાલા ચિત્તુને છઠ્ઠા જન્મદિવસની અનેકો શુભકામનાઓ..

0

વ્હાલા ચિત્તુ ! 

છઠ્ઠા જન્મદિવસની અનેકો શુભકામનાઓ દીકરા, અંબાનું રખોપુ તને કાયમ રહે...!

દર વર્ષની જેમ જ આજે પણ ગાયત્રી હવનનું આયોજન હતું. સવારે ચાર વાગ્યાથી ઘરમાં ધૂમધામ હતી. અધૂરી નિંદ્રા સાથે હું ઉઠ્યો, અને તું પણ.. તને તો અનંત ઉત્સાહ હતો, ભલે તને હજી જન્મદિવસ શું, એ નથી ખબર. તને તો બસ તારા નિશાળિયાં મિત્રોના ઉજવાતા જન્મદિવસ યાદ હોય, એટલે તને પણ અભરખા થાય, તારા પોતાના જન્મદિવસના.


હું હજી નાહીધોઈને તૈયાર થાઉં, એટલી વારમાં તો તું પણ તૈયાર થઇ ગયો હતો. હું શિવમંદિરે જતો હતો, અને તું પણ સાથે જવા તૈયાર થયો, બસ એક ચોકલેટની લાલચે. જો કે મેં તને ન લઇ દીધી.


દેશભરમાં શાખાઓ ધરાવતી એ પ્રસિદ્ધ સંસ્થા, ઘરે ઘરે હવન કરાવે છે. જો કે મારો અનુભવ તો સારો નથી રહ્યો, પણ તારા દાદા ની શ્રદ્ધા છે એટલે હું કાંઈ કહેતો નથી. ગત વર્ષના આયોજનમાં એ સંસ્થા થકી ચાર-પાંચ સ્ત્રીઓ આવી હતી, અને એમણે હવન કરાવ્યો હતો. હું આ મામલે ઘણોં જ સ્પષ્ટ છું. જે કામ જેનું હોય એને શોભે. લોઢાનો કારીગર સોનાના આભૂષણોં બનાવી શકે, પણ એક પારંપરિક સ્વર્ણકાર જેટલી સ્પષ્ટતા તેમાં આવશે? 


આ વર્ષે તો એથીય વિચિત્ર વસ્તુ થયી. પોતાને બ્રાહ્મણ કહેનાર એ વ્યક્તિ ને હવન કરાવતા જ નહોતું આવડતું. ચોપડીમાંથી વાંચી વાંચીને પણ અસ્પષ્ટ ઉચ્ચારાતા મંત્રો દ્વારા થયેલો હવન કદાચ તને પણ પસંદ નહીં આવ્યો હોય, કે પછી, તારી બાલિશ હરકત, તે અમારી છેડાછોડી જ છોડી નાખી..! ભારે રમતખોર હો તું..!


હજી આંખોં ઘેરાય છે મારી.. ખબર નહીં, સવારે અર્ધી તૂટેલ નિંદ્રા કે પછી હવન માંથી ઉઠેલ ધૂમ્ર.. 


ઠીક છે, ભવિષ્યનો તાંતણો તો ક્યાંએ હોય.. ઈન્ટરનેટ ને છેડે લખાયેલું આ કાગળિયું તારે હાથ આવે, કે ન આવે.. પણ આજનો તારો દિવસ મેં અહિયાં જરૂર આંકી લીધો છે.


સદાએ સુખી રહે..!

Post a Comment

0Comments
Post a Comment (0)