સટોરી પુસ્તક સમીક્ષા || નિમિત્ત ઓઝાની જીવનદર્શનયુક્ત નવલકથા

4

ડૉ. નિમિત્ત ઓઝાની સટોરી... 


જો માનસિક શાંતિ અને પ્રસન્નતા જ આપણું અંતિમ લક્ષ્ય હોય, તો ત્યાં સુધી પહોંચવાનો રસ્તો આત્મ સુધાર નહિ, આત્મ સ્વીકાર છે.

- નિમિત્ત ઓઝાના પુસ્તક 'સટોરી' માંથી..


“સટોરી” પુસ્તક કેમ ખાસ છે?

    આજ આકાશમાં ઝાકમઝાળ વિજળીયું ચમકે છે. ઘણી દૂર હોવી જોઈએ. કેમકે ચમકાર બાદનો દુન્દુભીનાદ નથી ગરજતો. હું ઘણી વાર આ મેદાનમાં એકલો બેઠો બેઠો બસ સ્ક્રોલિંગ કરતો હોઉં છું. કારણ બસ એટલું જ, કે મને એકાંત ગમે છે. હું અને મારો ફોન સાથે હોઈએ, તો બસ વાત પૂરી..! આવો જ હાલ અત્યારના તમામ યુવાનોનો છે. કોઈ જ નવાઈ નથી. ઘણા તો એટલા મગ્ન થઈ જાય છે કે બાજુમાં કોઈ ઢોલ વગાડી ગયો હોય તો પણ ખબર ન પડે. જીવન સાથે જોડાયેલી દાર્શનિક વાતો માં મને કોઈ જ રસ નથી.. ઉદાસી કે ઉદ્ધાર.. વિશ્વાસ કે દગો.. પ્રેમ કે પ્રપંચ.. મને ઘણી વાર નથી સમજાતું કે શા કારણે આટલી લપ માં પડવું જોઈએ કે આ પ્રેમ છે, અને આ પ્રેમ નથી..! એક જણની પ્રેમની વ્યાખ્યા, અભિગમ અલગ હોય શકે, તો બીજા વ્યક્તિનો પ્રેમનો પરિચય પણ અલગ હોય શકે. બંનેમાંથી કોનો પ્રેમ ઊંચો અને કોનો નીચો એ તુલના કરવી જરૂરી છે? દાર્શનિક વાતોમાં એવી એવી વ્યાખ્યાઓ જ હોય છે, જાત સાથેની લડત, આત્મઉદ્ધાર, આભાસી વિશ્વમાં લાગણી.. વગેરે વગેરે.. મને ભારે કંટાળો આવે આવું બધું ફિલોસોફીકલ વાંચવામાં.. જ્યાં નકરા ઉપદેશો જ હોય છે. વાર્તાની વચ્ચે વચ્ચે જ્ઞાનની ગંગા વહાવી દેવામાં લેખકોને શો રસ ઝરતો હશે? 


Book review of ‘Satori’ by Nimit Oza – a Gujarati novel on love, depression, self-acceptance and life lessons. A thoughtful literary journey.

    ગઈ કાલે સટોરી બુક વાંચી. આ બાબત થોડું ઘણું મારી રોજનીશી 'દિલાયરી' માં લખી ચુક્યો છું. પણ નક્કી કર્યું, કે આ પુસ્તક વિશે સવિસ્તૃત એક અલગથી ગુજરાતી પોસ્ટ બનાવી તેમાં જ લખવું. તો ઇન્સ્ટાગ્રામને આંગણેથી બાલાએ બળપૂર્વક એક દિવસ કહ્યું કે, ચોપડીઓ વાંચો છો કે બસ મનફાવે એમ હિન્દીમાં ઝીંકાઝીક જ કરો છો..? હમણાંથી કંઈ ખાસ વાંચ્યું નહોતું એટલે મેં ના પાડી. તો એમણે તરત કહ્યું કે, નિમિત્ત ઓઝાની સટોરી વાંચો. મને ખૂબ ગમી, તમને પણ ગમશે.. સાથે સાથે બુકની લિંક પણ મોકલી આપી. હવે તો સીધો સિમ્પલ તૈયાર રસ્તો હતો.. મારે તો બસ ચાલ્યા જવાનું હતું. થોડાક પન્ના વાંચ્યા, રસ પડ્યો, એટલે પછી તો પુરી બુક વાંચી નાખી..! હાં એક બેઠક માં તો ન વાંચી શક્યો. 


નિમિત્ત ઓઝાના જીવનદર્શનનાં સંદેશો

    પુસ્તકની પ્રસ્તાવનામાં જ ભારે-ભરખમ વાતોનો ખડકલો કરી દીધો હતો. ઉપદેશોથી ભરપૂર પ્રસ્તાવના વાંચીને એટલું તો સમજાઈ ગયું હતું, કે પુસ્તકમાં પણ ઠેક-ઠેકાણે સંવાદોમાં ઉપદેશો, અને જ્ઞાન ગૂંથેલું હોવું જોઈએ. મોટા ભાગે પુસ્તકની પ્રસ્તાવનામાં, પુસ્તકનો શું ઉદ્દેશ છે? શું ભાવ છે તે જણાવી જ દેવામાં આવે છે. પુસ્તકની વાર્તા જૂની અને જાણીતી પારિવારિક સદસ્યો વાળી જ છે. એક છોકરી હોય છે, એને પોતાનું કદરૂપ પસંદ ન હતું.. કોને પસંદ હોય? એને એમ થયા કરતું કે મારો પણ એક બોયફ્રેન્ડ હોય જે મને ચાહે. યુવાવસ્થામાં આ ભાવના ઘણી સામાન્ય છે. ખાસ કોલેજ કાળમાં. એ સમયે વિપરીત લિંગ પ્રત્યે આકર્ષણનો ઉદભવ સામાન્ય અને જરૂરી છે. આત્મવિશ્વાસની જેનામાં ઉણપ હોય એ તો સુંદર હોય તો પણ પોતાને કદરૂપી જ માનતા હોય છે. એ છોકરીનો પિતા, જેને દીકરી પ્રત્યે જરા પણ સભાનતા નહોતી. ઘણા પિતા એવા હોય છે જેઓ પોતાના કામમાં એટલા બધા મશગુલ રહે છે, કે તેઓ પોતાના પરિવારને પૂરતો સમય નથી આપતા.


વાર્તાની કથાવસ્તુ અને પાત્રોની મનોદશા

    એ છોકરીની માતા, થોડી વધુ પડતી પ્રેમાળ હતી. વધુ પડતા પ્રેમાળ લોકો બસ ચોંટી જ પડે છે. ચિંગમની જેમ. શું કરે છે, ક્યાં છે, ક્યારે આવીશ, આટલો સમય કેમ લાગ્યો, વગેરે વગેરે એટલું બધું વધારે ધ્યાન રાખે છે કે સામે વાળો વ્યક્તિ કંટાળવા લાગે. નિજી એકાંત પણ છીનવી લે છે એવા પ્રેમાળું લોકો. પિતાને પડી નથી, અને માતાને અતિ કાળજી છે.. એટલે એ છોકરી પોતાના તમામ પ્રશ્નોનું પોતે જ સમાધાન કરવા મથે છે. એક બહેનપણી છે, જે તેનો સાથ દે છે, પણ ભણવા વિશે, કરિયર વિશે.. જેમાં આ છોકરીને રસ ઓછો હોય છે. આખરે ડિપ્રેસનનો શિકાર થાય છે. છતાં એ દવાખાનામાં ભરતી થવા નથી માંગતી. આખરે તેની કોલેજ સામે એક લેખક આવે છે, તેની સાથે આ છોકરીની મુલાકાત થાય છે. ધીરે ધીરે એ છોકરી, એ લેખક ના પ્રેમ માં પડે છે. એ લેખક એની પિતાની ઉમરનો હતો.


પ્રેમ, ડિપ્રેશન અને આત્મસ્વીકારનો સંઘર્ષ

    ઘણી વાર પ્રેમની ઝંખના ઘણુંખરું અજુગતું અને દુનિયાની વ્યાખ્યાથી પરનું કોઈ કાર્ય કરાવી જાય છે. એ લેખક ધીરે ધીરે આ છોકરીને ડિપ્રેસનમાંથી બહાર કાઢી લે છે, અને તે છોકરીની ભીતરના લેખકને જગાડે છે. એ છોકરી ડિપ્રેસનમાંથી બહાર આવે છે, પ્રેમની વ્યાખ્યા સમજે છે. હવે તેને એ લેખકમાં બોયફ્રેન્ડને બદલે ઉદ્ધારક અને ગુરુના દર્શન થાય છે. એના મનમાં ઉદ્દભવેલા તમામ વંટોળ શમી જાય છે. આ વાર્તાના અંત ભાગમાં એક ઘણો સારો ટ્વિસ્ટ હતો, જે વાર્તા વાંચતા વાંચતા અરધેથી અનુમાન કરી શકાય એમ છે. શરૂ શરૂમાં તો વાર્તા વિચિત્ર લાગી હતી, કારણ કે મેં પહેલા ક્યારેય કોઈ એવી નવલકથા વાંચી નહોતી, જેમાં એક કન્યા પાત્ર આટલું બધું તોફાની હોય. શરૂઆત જ વન નાઈટ સ્ટેન્ડ થી થઈ હતી..!


ફિલોસોફીકલ ઉપદેશો કે જીવનનાં પાઠ?

    સાચું કહું તો નિમિત્ત ઓઝાએ વાર્તામાં બહુ સારા સારા ઉપદેશો ઝીણવટથી સંવાદોમાં સમાવી લીધા છે. જીવનજરૂરિયાતના એ તમામ રિવાજો, ઉક્તિઓ ઘણી સિફતથી સમજાવી છે. આમ તો મેં નિમિત્ત ઓઝાનું નામ જ પહેલી વાર સાંભળ્યું હતું. હજુ પણ લેખક વિશે વિશેષ કોઈ પરિચય ક્યાંય વાંચ્યો નથી. ગૂગલ કરવાનો સમય પણ મળ્યો નથી, અને ઈચ્છા પણ થઈ નથી. હું ક્યારેક ક્યારેક આંબા ગણવાને બદલે કેરી ખાવામાં માનું છું. બસ એજ કારણ છે. હા, લેખક ના અમુક યુટ્યુબ શોર્ટ્સ એક મિત્ર એ દેખાડ્યા'તા. કેમકે એનું માનવું છે કે મારે મારા બ્લોગ લેખનમાં એ લેખક જેવી વાતોને આવરવી જોઈએ.


વાંચક પર “સટોરી” નો પ્રભાવ

    ઘણા પુસ્તકોં એવા હોય છે જે તમને જકડીને રાખે. ઘણા દિવસો સુધી એના વિચારોંમાં જ મન રાચતું રહે. સટોરી પણ એક એવું જ પુસ્તક છે. સમયના અભાવે આ પુસ્તક સમીક્ષા લખતા લખતા આજ ચાર-પાંચ દિવસ વીતી ગયા છે. પુસ્તક પૂરું કર્યાને બીજે દિવસે જ સમીક્ષા લખવા બેઠો હતો. પણ પૂરું ન કરી શક્યો. છતાં પણ મનમાં હજુ પણ એમ જ છે કે બસ ગઈ કાલે જ તો પુસ્તક વાંચ્યું હતું. બહું ઓછા પુસ્તકો આવો કમાલ કરી શકતા હોય છે. મેં બહુ બધા પુસ્તકોં તો નથી વાંચ્યા, પણ મારી વાંચન યાત્રા શરુ થઇ હતી કનૈયાલાલ મુન્શીની પાટણની પ્રભુતા થી. આમ તો ખરેખર શાળાના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવતી વાર્તાઓએ મને વાંચતો કર્યો હતો. પણ પાઠ્યપુસ્તકથી ઈતર તો પાટણની પ્રભુતાએ રંગ લગાડ્યો, અને એ પાયા પર ચણતર થયું ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારનું.

    જેને એક મોટિવેશન જોઈતું હોય, ઉદાસીથી ઉદ્ધાર તરફનું, એક આશાનું કિરણ શોધતા હોય, કે હતાશા ઘેરી વળી હોય, તેમણે આ પુસ્તક અચૂક વાંચવું જોઈએ.

    શુભરાત્રી.
    19/08/2025

।। અસ્તુ ।।


પ્રિય પાઠક !

તમે “સટોરી” વાંચી છે? તમને કયો વિચાર સૌથી વધુ સ્પર્શી ગયો? તમારો અનુભવ કમેંટમાં જરૂર લખજો.

મારી દૈનિક ડાયરી, જેને મેં 'દિલાયરી' નામ આપ્યું છે, તે પ્રતિદિન તમારા ઇમેઇલ માં મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો,
Subscribe via Email »

મારી 30 દિવસની ભાવનાત્મક ડાયરી વાંચવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
Read my eBooks on Dilawarsinh.com »

તથા ઇન્સ્ટાગ્રામ પર જરૂર જોડાશો.
@manmojiiii

તમને કહેવા માટે ઘણું બધું છે.


મારી અન્ય પુસ્તક સમીક્ષાઓ નીચે આપેલ લિંક્સ પરથી જરૂર વાંચશો..!


#SatoriBookReview #NimitOza #GujaratiBooks #BookReviewGujarati #Satori Novel #SelfAcceptance #GujaratiReaders #DilayariReads #LifeLessonsThroughBooks #GujaratiLiterature

Post a Comment

4Comments
Post a Comment