નવા વાંચકો માટે ગુજરાતી સાહિત્ય : વાંચનની શરૂઆત કેવી રીતે કરવી?
પ્રિયમ્વદા !
જાણું છું હું, ઘણા લાંબા વિરામ બાદ આજ ફરી થી માતૃભાષા ગુજરાતીમાં પાછો વળ્યો છું. આજની પોસ્ટ જ કૈંક એવી છે. ગુજરાતી સાહિત્યમાં કોઈ ને શોખ હોય અને વાંચનની શરૂઆત કરવી હોય, તો કઈ રીતે.. મતલબ ક્યા ક્યા પુસ્તકોથી વાંચનમાં રસ લેતો કોઈ થાય? જો હું મારી જ વાત કરું, તો મૂળે તો હું ભણતરમાં ઠીકઠાક હતો. પણ વાર્તાઓનો શોખીન ખરો. ખાસ અવનવું જાણવાની તાલાવેલી જબ્બર. નવા ધોરણમાં આવ્યા બાદ સૌથી પહેલું કોઈ પાઠ્યપુસ્તક હું જે વાંચતો, એ હંમેશા ગુજરાતી ભાષાનું જ રહેતું. કારણ બસ એમાં વાર્તાઓ પાઠ તરીકે ભણાવાતી.
ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો મારો પ્રથમ પ્રેમ
હવે પાકું તો યાદ નથી, પણ કદાચ મેં સૌથી પહેલા પાટણની પ્રભુતા વાંચેલ. કનૈયાલાલ મુનશી મારા સાહિત્ય જગતના પ્રથમ માર્ગદ્રષ્ટા બન્યા. એ બાદ તો એમની સોલંકી રાજવંશ પર લખેલ તમામે ઐતિહાસિક નવલ વાંચ્યા હતા. એન્જીનીયરીંગ કોલેજમાં ગયા બાદ કોલેજ લાયબ્રેરીમાં ઝવેરચંદ મેઘાણી મળ્યા. સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા.. ઇતિહાસમાં રુચિ હોવાને કારણે સવિશેષ ઐતિહાસિક નવલો વાંચ્યા. ધૂમકેતુ દ્વારા સોલંકી રાજવંશ પર લખાયેલ નવલકથાઓની શૃંખલા, કલાપીનો કેકારવ, અઘોર નગારા વાગે, અર્ધી રાત્રે આઝાદી..
નવા વાંચકો માટે વિચારું છું કે વાંચન ની શરૂઆત કરવા લાયક પુસ્તકોંની એક સૂચિ બનાવી આપું. કારણ કે ઘણા સાહિત્ય રસિક મેં જોયા છે, જે પૂછતાં હોય છે કે કયું પુસ્તક વાંચું?
નવા વાંચકો માટે વાંચવા લાયક 10 ગુજરાતી પુસ્તકો
1. સૌરાષ્ટ્ર ની રસધાર - ઝવેરચંદ મેઘાણી
મારી આ સાહિત્ય નવલકથાઓની સૂચિ માં સૌથી પહેલા પુસ્તક તરીકે સૌરાષ્ટ્રની રસધાર રાખવાનું કારણ બસ એટલું જ, કે આ પુસ્તક માં એ તમામ નીતિઓ છે, જેના દ્વારા એક આદર્શ સ્થાપી શકાય. માનવજીવનનું સર્વશ્રેષ્ઠ મૂલ્ય તો એની નીતિ જ છે. આપણે કઈ નીતિ ને અનુસરી ને જીવીએ છીએ, એજ આપણું ચરિત્ર નિર્માણ કરે છે. સૌરાષ્ટ્ર ની રસધાર માં અલગ અલગ ઐતિહાસિક પ્રસંગો દ્વારા દાતારી, વીરતા, વચનબદ્ધતા, ભક્તિ, શૌર્ય જેવા તમામ ગુણોં ને જીવી ગયેલા લોકો ની કથની જણાવીને મેઘાણીએ એ તમામ રસિકો ને સાહિત્ય માં રસ લેવા મજબુર કર્યા છે. હું ઘણા દિવસો સુધી આ પુસ્તક ને મારા વિચારોં માં મમળાવતો રહ્યો હતો.
2. પાટણની પ્રભુતા - કનૈયાલાલ માણેકલાલ મુન્શી
એક સમયે ગુજરાતની સત્તાનું કેન્દ્ર પાટણ હતું. મૂળરાજ થી સ્થાપિત થયેલ સોલંકી રાજવંશે પાટણને વિશ્વખ્યાતિ અપાવી હતી. અને ગુજરાત નું ગૌરવ સમું પાટણ - રાજ્યની ભીતર ચાલી રહેલ રાજનીતિ ને સવિસ્તાર વર્ણવતી આ ઐતિહાસિક નવલકથા, અને આ આખી શૃંખલા એક વાર વાંચ્યા પછી લાંબા સમય સુધી વાચક ને બાંધી રાખે છે. મેં પોતે આ એક પુસ્તક વાંચ્યા પછી આખી શૃંખલા શોધી-ખોળીને વાંચી હતી. અને આ વાંચ્યા બાદ મને ધૂમકેતુ દ્વારા લખાયેલ સોલંકી રાજવંશ પર ની નવલ શૃંખલા વાંચવા પ્રેરણા થઇ હતી.
3. અઘોર નગારા વાગે - મોહનલાલ અગ્રવાલ
અગોચર વિશ્વ માં અઘોરીઓ પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. કુમ્ભ તથા શિવરાત્રી જેવા પાવન પર્વ પર જ જોવા મળતા અઘોરી સાધુઓ બાકી સમય પોતાની સિદ્ધિ પ્રાપ્તિ ની સાધના માં રત રહેતા હોય છે. આ પુસ્તક બે ભાગો માં છે. મેં બંને વાંચેલ. પેહલો ભાગ વાંચ્યા બાદ ઉત્કંઠા એટલી તીવ્ર હતી, કે બીજો ભાગ શોધવા માટે મેં ઘણા ઉધામા કર્યા હતા. અઘોરીઓની સિદ્ધિ, એ સિદ્ધિ પ્રાપ્તિ માટેના પ્રયાસો, એમનું જીવન, અને એ અલૌકિક પ્રસંગોના વર્ણન.. ખરેખર આ પુસ્તક વાંચતા એવું જ લાગે, કે જાણે આપણી નજર સમક્ષ આ બધું ઘટી રહ્યું હોય.
4. માનવીની ભવાઈ - પન્નાલાલ પટેલ
છપ્પનિયો કાળ - આ શબ્દ જ એવડો ભયાવહ થઇ ગયો છે, કે આનું નામ પડતા જ મન માં અનેકો ચિંતા વ્યાધિઓનું વંટોળ ઉઠે. ખેડૂતજીવન માં જો દુષ્કાળ પડે તો.. અન્ન માટેનો સંઘર્ષ, પરિવાર ને પોષવાનું ઉત્તરદાયિત્વ, અને જીવતા રહેવાની અડગ આસ્થા.. આ ભાવના ને અનુભવવી હોય, તો માનવીની ભવાઈ વાંચવું પડે. માનવીની ભવાઈ વાંચી હોય, એ જીવન ટૂંકાવવાની વાતને વિચારી જ ન શકે. જીજીવિષા શું હોય એ અક્ષરસહ આ પુસ્તક માં છે. હવે દુનિયા ઢૂંકડી થઇ છે, નહીંતો પહેલા તો એક ગામ થી બીજે ગામ વચ્ચે કલાકોનો સફર હતો, એ સમય માં દુષ્કાળ જાણે જીવનને ગળવા આવ્યો હોય એમ મોઢું ફાડી ને ઉભો રહેતો. માનવીની ભવાઈ એજ દુષ્કાળના દાનવની કથા છે.
5. ભગવાન પરશુરામ - કનૈયાલાલ મુન્શી
મેં પેહલા જ કહ્યું એમ, કનૈયાલાલ મુન્શી એ મારા સર્વોપરી પ્રિય લેખક રહ્યા છે. ભગવાન પરશુરામ, લોમહર્ષિની, લોપામુદ્રા... જેવી કથાઓ દ્વારા એમણે મને લાંબા સમય સુધી આ જ વિષય માં જકડી રાખેલ. ભગવાન પરશુરામ એ રામની - પરશુરામ અને બાદમાં ભગવાન પરશુરામ બનવાની કથા છે. હૈહયવંશી ક્ષત્રિયોનો સમૂળો નાશ કરવા એમણે ઉપાડેલ ફરસો એમને ભગવાન પદ અપાવે છે. સતત અશ્વારોહી રહીને તેઓ ભગવાન બન્યા, જમદગ્નિનો પ્રતિશોધ લીધો, સહસ્ત્રાર્જુનનો નાશ કીધો, આ વર્ણનો ખરેખર એક વાંચક ને બાંધી રાખવા માટે સશક્ત છે.
6. અતરાપી - ધ્રુવ ભટ્ટ
સોશ્યિલ મીડિયા પર એક મિત્રએ મને આ અતરાપી નામક પુસ્તકનો પરિચય કરાવ્યો હતો. હું હમેશાથી ઐતિહાસિક નવલકથાઓનો રસિક રહ્યો છું. જે પાત્રો મને આકર્ષિત કરે છે, એ હમેશા વિરોચિત આદર્શ સ્થાપિત કરેલા હોય છે. પણ આ નવલકથાનો મુખ્ય નાયક એક શ્વાન છે, એક કૂતરો.. પેહલા-વહેલા તો મને થયું કે બસ.. નહીં વાંચું, પણ વાંચનની શરૂઆત કર્યા બાદ તો અંતિમ પન્ના સુધી ધ્રુવ ભટ્ટે બાંધી રાખ્યો હતો. શ્વાનમુખે થી એમને એવી એવી આદર્શ વાતો કરી છે, કે મારી ઐતિહાસિક નવલકથાઓ સિવાય ના પુસ્તકો પ્રત્યેનો અણગમો મિટાવી દીધો. સારમેય નામના શ્વાને તો સાધુ સમાન વાતો કહી છે. ખરેખર આ પુસ્તક વાંચ્યા પછી મન એ સારમેય ની વાતોને , ઉપદેશોને સ્મરતું રહે છે.
7. અર્ધી રાતે આઝાદી - અનુ. અશ્વિની ભટ્ટ
મૂળ લેરી કોલિન્સ અને ડોમિનિક લેપાઈર દ્વારા લિખિત અને અશ્વિની ભટ્ટ દ્વારા ગુજરાતી માં અનુવાદિત આ પુસ્તક ખરેખર વાંચવા લાયક છે. મો. ક. ગાંધી પ્રત્યેનો અમુક અણગમો આ પુસ્તક માં જરૂર થી ભાંગી જશે. ભારત વિભાજન સમયે જયારે પંજાબ સળગતું હતું, ત્યારે બંગાળ ને ગાંધીએ એકલા હાથે શાંત રાખ્યું હતું. મને ખુદને ગાંધી પ્રત્યે અણગમો ખરો, પણ એ વાણીયાની અમુક બુદ્ધિ મને પ્રશંશનીય જરૂરથી લાગે છે. આ પુસ્તકના નામ પ્રમાણે જ અર્ધી રાત્રે આઝાદી મળેલ અને ત્યારે શું શું પરિસ્થિતિ હતી, એ સવિસ્તાર જાણવા લાયક છે.
8. તત્વમસિ - ધ્રુવ ભટ્ટ
થોડા વર્ષો અગાઉ એક ફિલ્મ આવી હતી, રેવા. એ ફિલ્મ આ પુસ્તક પરથી જ બની હતી. નર્મદા પરિક્રમા એ એક આસ્થાનો વિષય છે. પણ માનવીય મૂલ્યો, હતાશાના અંધકારમાંથી બહાર નીકળવા, કે પછી નાસ્તિકતા થી આસ્તિકતા તરફ ખેંચી જતી કથા એટલે તત્વમસિ. કશુંક કરી છૂટવાની પ્રેરણા એટલે તત્વમસિ. સરળ ભાષામાં ધ્રુવ ભટ્ટ સાહેબે ખૂબ સુંદર રીતે વર્ણિત પ્રસંગો દ્વારા મન માં એક સુંદર ચિત્ર નિર્મે છે. ફિલ્મ જોયા પછી વાંચો તો પણ મનની કલ્પના માં એક અનેરું ચિત્ર નિર્માણ પામે. તત્વમસિ એ વિશેષ ઉપદેશો કે વિચારધારા ને સ્થાપિત કર્યા સિવાય બસ એક વાર્તા ચાલે રાખે છે, અને મન ને એ પાત્રની પાછળ પાછળ ભમાવ્યા કરે છે.
9. સટોરી - નિમિત્ત ઓઝા
આ પુસ્તક પણ સોશ્યિલ મીડિયા પર એક મિત્રએ સજેસ્ટ કર્યું હતું. ઘણી બધી રીતે આ પુસ્તક રેલેટેબલ લાગે છે. ખાસ કરીને યુવાવસ્થા પર કસાતી લગામ પર નિમિત્ત ઓઝાએ એક ગાંઠ બાંધી છે. છેલ્લે એક સસ્પેન્સ છે, પણ એ પેહલા થી જ અંદાજો લગાવી ને જાણી શકાય એવું છે. મહદંશે ઘણું સારું પુસ્તક છે, અને મેં એક સમીક્ષા પણ લખેલ છે આ પુસ્તક પર. યુવાવસ્થામાં શું શું બન્ધનોં પાળવા જોઈએ, અને ક્યાં ક્યાં વિશેષ ધ્યાન રાખવું જોઈએ, વાલી તરીકે પોતાના બાળક પર કેટલી હદે નિયંત્રણ રાખવા અને ક્યાં ખુલો દોર દેવો, એ જાણવું હોય તો સટોરી જરૂરથી વાંચવી. માત્ર વાલી જ નહીં, એ તમામ યુવાવસ્થા એ આ પુસ્તક વાંચવું જોઈએ, જેઓ માતા-પિતાને બંધન ગણે છે.
10. ઊર્મિ નવરચના, સફારી જેવા સામયિકો
હા ! હવે તો બંને બંધ થયેલા સામયિકો છે, પણ જ્યાંથી પણ મળે, જરૂર થી વાંચવા જોઈએ. ઊર્મિ નવરચના તો દુર્લભ છે. પણ સફારી તો હજી હમણાંનું જ છે. સરળતાથી લાયબ્રેરી માં મળવા પાત્ર છે. સફારીના વિજ્ઞાન લેખો ખરેખર અચંબિત કરનારા છે. દુનિયાની તમામ અજાયબ વાતો સરળતા થી સમજાવતું એકમાત્ર સામયિક સફારી હતું. નગેન્દ્ર વિજય સંપાદક હતા. હાલ તેઓ યુટ્યુબ વિજ્ઞાન સંબંધી અવનવી વાતો સફારીના લેખની જ રીતે ઓડિયો વિડિઓ મારફત લોકો સુધી પહોંચાડી રહ્યા છે. હવે વાત ઊર્મિ નવરચનાની, તો ઊર્મિ આઝાદી પહેલાનું છે. કરાંચી થી પ્રકાશિત થતું હતું. ત્યારબાદ નવરચના સાથે સંલગ્ન થઇ ને ઊર્મિ નવરચના નામે પ્રકાશન થયું. જયમલ્લ પરમારે જયારે તંત્રીપદ લીધું, એ પછી ના તમામ ઊર્મિ નવરચના ના અંકો સાહિત્ય નો ખજાનો બની રહ્યા છે. PHD થીસીસ કરતા લોકો ઊર્મિ નવરચનાનો સંદર્ભ આપે છે આજ પણ.
હા, સૂચિ અહિયાં સમાપ્ત તો નથી થતી, કારણ મારી નજરે તો હજી ઘણા પુસ્તકો છે, પણ મેં અહીં દસ પુસ્તકો વિશે લખવાનું જ ધાર્યું હતું, એટલે સૂચિ પુરી કરું છું. પણ હા, જે પેહલા થી સાહિત્ય રસિક છે, તે જરૂર થી આ સૂચિ માં એક નામ ખોળતા હશે. એ છે ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્ર. મેં આ પુસ્તક ને આ સૂચિ માં સ્થાન નથી આપ્યું એનું એકમાત્ર કારણ એટલું જ, કે હું સરસ્વતીચંદ્રને સાહિત્યજગતમાં નવલકથા શ્રેણીનું શિખર માનું છું. મેં જયારે સરસ્વતીચંદ્ર વાંચ્યું હતું, ત્યારે કેટલાયે દિવસો સુધી આ મહાનવલ ની નાયિકા કુમુદસુંદરી અને નાયક સરસ્વતીચંદ્ર ના પ્રેમ ને બિરદાવતો રહ્યો હતો. મારી નવલકથાઓ પ્રત્યેની તમામ તરસ એકમાત્ર આ મહાનવલે છીપાવી દીધી હતી. આ એકમાત્ર નવલકથા છે જેને હું ઈચ્છું છું કે કોઈ પણ વાંચે તો પૂર્ણ એકાંત માં ગંભીર થઈને વાંચવું જોઈએ.
|| અસ્તુ ||
પ્રિય પાઠક !
તો આ પોસ્ટ તમારા મિત્રોને મોકલો,
ટિપ્પણીમાં તમારું પ્રિય ગુજરાતી પુસ્તક જણાવો,
અને વાંચનની આ યાત્રામાં બીજાને પણ સાથી બનાવો.
કારણ કે સાહિત્ય એકાંતમાં વાંચાય, પણ આનંદ વહેંચવાથી વધે છે.
દિલાયરી વાંચતા રહો, નવા પત્રો સીધા આપના Inbox માં આવશે :
સંબંધિત પુસ્તક સમીક્ષાઓ
ગુજરાતી સાહિત્ય અને વાંચનની યાત્રા દરમિયાન મેં અગાઉ લખેલી કેટલીક પુસ્તક સમીક્ષાઓ અહીં રજૂ કરું છું. જો આપને ઉપરની સૂચિમાં ઉલ્લેખિત પુસ્તકોમાં રસ પડ્યો હોય, તો નીચેની સમીક્ષાઓ પણ જરૂર વાંચશો:
સટોરી – નિમિત્ત ઓઝા (પુસ્તક સમીક્ષા)
https://www.dilawarsinh.com/2025/08/nimit-oza-satori-book-review-gujarati.htmlઅતરાપી – ધ્રુવ ભટ્ટ (પુસ્તક સમીક્ષા)
https://www.dilawarsinh.com/2022/11/blog-post_5.htmlઅઘોર નગારા વાગે – મોહનલાલ અગ્રવાલ (પુસ્તક સમીક્ષા)
https://www.dilawarsinh.com/2022/11/blog-post.htmlલદ્દાખ યાત્રા ડાયરી અને ‘સજ્જનસિંહ’ પુસ્તક સમીક્ષા
https://www.dilawarsinh.com/2025/07/laddakh-yatra-diary-sajjansingh-book-review.htmlવરસાદી દિવસ અને મુઅનજોદરો વાંચન અનુભવ
https://www.dilawarsinh.com/2025/06/rainy-day-moenjodaro-book-reading.htmlThe Alchemist અને હું – એક વ્યક્તિગત વાંચન અનુભવ
https://www.dilawarsinh.com/2024/12/alchemist-and-myself.htmlગુંનાહો કા દેવતા – ધાર્મવીર ભારતી (પુસ્તક સમીક્ષા)
https://www.dilawarsinh.com/2024/11/book-review-of-gunaho-ka-devta-by.htmlવરદાન – પ્રેમચંદ (પુસ્તક સમીક્ષા)
https://www.dilawarsinh.com/2024/10/book-review-of-vardaan-by-premchand.htmlકિતને પાકિસ્તાન – કમલેશ્વર (પુસ્તક સમીક્ષા)
https://www.dilawarsinh.com/2024/10/book-review-kitne-pakistan-kamleshwar.html
#GujaratiSahitya #GujaratiBooks #ReadingHabits #BooksForBeginners #GujaratiLiterature #VanchanPrem #SahityaPrem #BookRecommendations #IndianLiterature #GujaratiReaders #Dilayari

