ધ રામબાઈ – જીતેશ દોંગા | નવલકથા રિવ્યુ
ધ રામબાઈ - જીતેશ દોંગા
તો વાત એમ છે, આપણે હતા ભારે વ્યસ્ત. પોરો ખાવાનોય પ્રમેય મળે નહી..! કે'વુ કાંક હોય, ને બોલાય કાં'ક જાય, એવડી બડી વ્યસ્તતા, ટૂંકમાં વ્યસ્તતાનું ગાડું જ સાજુ ઉતાર્યું'તું એમ રાખો ને. એટલે એમાં એવું છે કે હમણાં હાલે છે માર્ચેન્ડિંગ. તે લપ નો પાર નથી. એમાંય ઓણ નો માર્ચ તો ભારે જબરો નીકળ્યો.. હોળી-ધુળેટી વચ્ચે ધોકો, ને પાછો લગન-ગાળોય ખરો.. માર્ચ હજી ઉગે ઇ પેલા તો પચ્છમ માં ભડાકા ફૂટવા માંડયા. ઈરાન ને ઇઝરાયેલ, બેય એક રાશિ ના બાખડયા, તે હજી ય બઘડાછટી બોલે જ છે. આ માર્ચ માં રખડપટ્ટીય સારી થઈ. ભાવનગર જઈ આવ્યો, ઠેઠ માઉન્ટ આબુય જઈ આવ્યો. માઉન્ટ આબુ તો ઓમેય ગુજરાતીનું કાચું સરનામું તો છે જ ને..! પેલા બાયુંના રણમેદાનના અણુબોમ્બ જેવો બાટલો ખૂટયો, હવે આદમીના ઘોડા ના ચારા જેવું ઇંધણ ખૂટયું. તાવડીયું ટૂંકમાં ટેકો લેવા માંગે છે.
નવલકથાનો પરિચય
ઘણા દિ થયા, કાંઈ ગુજરાતી ચોપડીમાં આંખ્યું ઘોળી ન્હોતી. છેલ્લે સટોરી વાંચી'તી. તે ઈન્ટરનેટની અભેરાઈએ થી જીતેશ દોંગાની ધ રામબાઈ હાથે ચડી ગયી. સાવ સાચું કહું ને તો હમણાં છેલ્લા દોઢેક વર્ષથી તો હું હિન્દીની પૂનમો ભરતો'તો. જો કે હજીય હિન્દી માં જ આરદ શરૂ છે, પણ આ વળી ધ રામબાઈ વાંચી, તે થયું કે હાલો જરીક માં ની ય ખબર્યું કાઢી લેવી. આમ તો એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી માં ધ રામબાઈ ના પેલા-વેલા વખાણ વાંચ્યા'તા. હું પાછો ભૂલકણો ય ભારી. તે હમણાં દસ-બાર દિ પેલા યુટ્યુબ માં રમતી ભમતી રામબાઈ ની ઓડિયો બુક સામી આવી..! 3-4 એપિસોડ સાંભળ્યા, એટલે વળી થોડીક મોજ વછૂટી, ને ઇન્ટરનેટમાં ખાંખાખોળા કરતા-કરતા આખી ઇ-બુક મળી ગઈ. પછી શું, ખાંડણી, દસતો ને મસાલો ત્રણેય સામા હોય તો ફૂટી જ નાખવાનું હોય, એમાં કાંઈ ટીપણું નો જોવું પડે.
તો હવે ધ રામબાઈ નો રીવ્યુ લખું ઇ પેલાની થોડીક લપ બીજી લઈ લઉં, આતો શું છે કે ગુજરાતી માં લખવા બેઠો છું, તો બધી કોર્ય બખોણીયા ભરી લેવાનું મન થાય છે. બુક વાંચીને પુરી કરી એને આમ તો પાંચ દિ થઈ ગયા. રોજે થોડી થોડીક વાંચી ને ત્રણ દિ માં પુરી કરી. અચાનક આબુ-અંબાજીનો પ્લાન બની ગયો, 19 તારીખે રાતે અઢી વાગ્યે નીકળવાનું હતું. તો એ પેલા વાંચી ને પુરી કરી. 19 ને 20, ઇ બે દિ આબુમાં જલસાને અંબાજીમાં ભક્તિ કરી. પાછો આવ્યો, તે આ માર્ચેન્ડિંગ તો ઉભું ને ઉભું..! એમાં આ રીવ્યુ ય પેટ્રોલ પંપ ની બારે જ પેટ્રોલ ખૂટયા વાહન જેવો મનમાં ઘોળાયેલો પડ્યો'તો.
કથાનક શું કહે છે?
હાં તો "ધ રામબાઈ".. આ નવલકથા આમ તો સત્યઘટના પર આધારિત છે. પણ લેખકે થોડો ઘણો કલ્પનાનો મોણ પણ ઉમેર્યો છે. અમરેલી જિલ્લાના ચલાલા અને હામાપુર ગામની વાર્તા છે. વાર્તાની શરૂઆત થાય છે આઝાદી ના ચાર વર્ષ પહેલાં, તેર વર્ષની કન્યા રામબાઈ થી. રામબાઈ જ આ કથાનકની મુખ્ય સૂત્રધાર. સાવ સાચું કહું તો આ વાર્તા અડધી વાંચી, ત્યાં સુધી મજા આવતી હતી. ધ રામબાઈ-૧ ઘણું રસપ્રદ, રોમાંચકારી, અને ભાવસભર લાગતું હતું. પણ ધ રામબાઈ-૨ ની શરૂઆત થોડી કંટાળાજનક ખરી. વચ્ચે પણ થોડું થોડું બાળવાર્તા વાંચતા હોય તેવું લાગતું હતું. રામબાઈ નો એક સ્ત્રી તરીકે નો સંઘર્ષ જરા પણ ઉતરતી કક્ષાનો, કે પછી હતોત્સાહી કરનારો નથી. પણ એક તણખો/ચિનગારી જેવું મને સતત ખૂટતું લાગ્યું. લેખકે જ્યારે પોતાનો પરિચય જાહેર કરી દીધો, ત્યાર પછીની વાતો ખાસ કરીને બાળ-સાહિત્ય જેવું ખરું. જો કે લેખક પોતે એ સમયે બાળક જ હતા.
રામબાઈનો સંઘર્ષ અને પ્રેરણા
કુલ આઠ ભાગો માં અઠ્ઠાસી ચેપટર માં લખાયેલ આ નવલકથા, એક સ્ત્રીના સંઘર્ષની કહાની છે. તેર વર્ષની ઉંમરે માં અને બાપ નો આશ્રય ગુમાવેલી રામબાઈ પોતાના ભાઈ-બહેનો નો માં અને બાપ બંને બને છે. ઇ તેર વર્ષની ઉંમરે ઢીંગલા-પોતિયા રમવાને બદલે ખરેખર પ્રૌઢની જેમ ઘર સાચવતી રામબાઈના એક દિવસ લગન થઈ જાય છે. અછતમાં ઉછરેલી ઇ કન્યા, એક સમયે જાહોજલાલી પણ જુએ છે. પણ દુઃખ ક્યારેય એ રામબાઈ નો પાલવ છોડતું નથી. છૂટક-મજૂરી થી માંડીને પોતાનું ખેતર સંભાળવા સુધીનો એનો સંઘર્ષ આજની પેઢીએ વાંચવો જ જોઈએ. રડવું કે રોળવવું.. આ બે માંથી ખરા સમયે સાચો વિકલ્પ પકડાઈ જાય તો બેડો પાર છે. નાનપણ માં અનાથ, ઉતરતી યુવાનીમાં વિધવા, અને પછી વાંઝણી.. એક સ્ત્રી તરીકે એણે બધું જ સાંભળ્યું, બધું જ સહયું, બધું જ જીવ્યું..! આજે જ્યારે નાનકડી નજીવી વાતો માં માણસો આપઘાત જેવા અઘરા નિર્ણયો ઘડીક માં લઇ લે છે, ત્યારે રામબાઈ જેવું જીવન સાંપડ્યું હોય તો શું થાય?
દુનિયા તો બેય કોર હાલે ભાઈ, ખોડો કહેનારા ખોડાભાઈ પણ કહે. મતલબ ને સ્વાર્થ ની કોઈ સીમા છે ખરી? ક્યાંય નથી. રામબાઈ ગઢે-ગઢપણ વાંચતા-લખતા શીખી હતી. રામબાઈ ને માનસિક અસર પણ થઈ હતી, છતાં એકલવાયું આયખું એણે ટપાલ લખી લખી ને કાઢી નાખ્યું હતું. એણે આભના નરી આંખે દેખાય એટલા તારા ગણ્યા હતા. હરિભક્તિ ને નામે કરતાલું ખખડાવવાને બદલે એણે વિજ્ઞાન વડે આભનો છેડો માપવા ટેલિસ્કોપ માંથી અવકાશ ખંગાળ્યું હતું. જીજીવિષા હોય ને, એને બધે સકારાત્મકતા જ હોય. નકર રામબાઈ ને એક આંખે સુજવાનું તો વેલું બન્ધ થઈ ગયું હતું. તોય એક આંખે એણે આંખી જિંદગી જીવી.
મારી વ્યક્તિગત લાગણી (Review)
હું પોતેય ઘણી વાર સંતોષી થઈ ને અકર્મણ્ય બની જાઉં છું. એક દ્રષ્ટિકોણ થી જોઈએ તો સંતોષ નામનો ભાવ, વિકાસના મારગ માં હનુમાનની જેમ સુઈ જાય છે. સંતોષ ત્યારે જ લવાય, જ્યારે એમ થાય કે હવે આ દિશા માં આગળ વધવાની કોઈ તાતી જરૂરિયાત નથી. મને મોટો બંગલો જોઈએ છે, તો બંગલો ન મળે ત્યાં સુધી નાની એવી ઓરડી માં સંતોષ તો ન જ રાખવો. એક વાર ઓરડી માં સંતોષ આવી ગયો, તો પછી બંગલો સુધી નો મારગ ઝાંખો થઈ જાશે. પગે થી સાયકલ, સાયકલ થી મોટર સાયકલ, મોટર સાયકલ થી કાર, કાર થી હવાઈ યાત્રા સુધી, સતત અસંતોષ હોય તો અભરખા પુરા થાય. રામબાઈએ એક પછી એક જીવતર ના તમામ પ્રસંગો જે જીવ્યા છે, એ વાંચતા સમયે આપણને પોતાને પણ એવી પરિસ્થિતિ માં જોવા માત્રથી બીકનો પંજો ફડાકો મારી લે છે.
નવલકથાની મજબૂતી અને કમજોરીઓ
નવલકથાનો ૮૦મોં ભાગ - પંખીડું વાંચતો'તો, ત્યારે ઘડીક તો એમ જ થયું, કે આ તો મારી જ વાત છે. લેખક ની જેમ જ હુંય એક ટાઈમે એન્જીનીયર બનવા નીકળ્યો હતો, આજ આવક-જાવક ને સિલક, ઘાલખાદ સિવાય આ લાંબા લાંબા ફકરા લખું છું. ભલે મને આ નવલકથાનો ઉત્તરાર્ધ એવડો આકર્ષક નથી લાગ્યો, પણ વાંચવા, સમજવા, અને જીવનમાં ઘોળવાલાયક તો છે જ. રામબાઈ નો ઘણી વિરજી, રામબાઈ ને કેટલું ચાહતો હશે, જ્યારે એ કહેતો હશે કે, 'બાઈ તું મારો ભગવાન છો.'.. પ્રેમમાં સમર્પણ ભાવ આ જ તો છે. ભગવાન એટલે સર્વસ્વ, જ્યારે કોઈ પુરુષ પોતાની સ્ત્રી ને પોતાનું સર્વસ્વ માની લે, ત્યારે એનાથી મોટું સમર્પણ, કે એનાથી મોટો પ્રેમ આ ફાની જગતમાં ક્યાંય ન મળે..!
|| અસ્તુ ||
પ્રિય પાઠક !
👉 તમે “ધ રામબાઈ” વાંચી છે?
તમારો અનુભવ કમેન્ટમાં જરૂર શેર કરો!
👉 આવી જ ગુજરાતી બુક રિવ્યુ માટે મને ફોલો કરો અને પોસ્ટ શેર કરવાનું ભૂલશો નહીં.
દિલાયરી વાંચતા રહો, નવા પત્રો સીધા આપના Inbox માં આવશે :
સંબંધિત પુસ્તક સમીક્ષાઓ
ગુજરાતી સાહિત્ય અને વાંચનની યાત્રા દરમિયાન મેં અગાઉ લખેલી કેટલીક પુસ્તક સમીક્ષાઓ અહીં રજૂ કરું છું. જો આપને ઉપરની સૂચિમાં ઉલ્લેખિત પુસ્તકોમાં રસ પડ્યો હોય, તો નીચેની સમીક્ષાઓ પણ જરૂર વાંચશો:
સટોરી – નિમિત્ત ઓઝા (પુસ્તક સમીક્ષા)
https://www.dilawarsinh.com/2025/08/nimit-oza-satori-book-review-gujarati.htmlઅતરાપી – ધ્રુવ ભટ્ટ (પુસ્તક સમીક્ષા)
https://www.dilawarsinh.com/2022/11/blog-post_5.htmlઅઘોર નગારા વાગે – મોહનલાલ અગ્રવાલ (પુસ્તક સમીક્ષા)
https://www.dilawarsinh.com/2022/11/blog-post.htmlલદ્દાખ યાત્રા ડાયરી અને ‘સજ્જનસિંહ’ પુસ્તક સમીક્ષા
https://www.dilawarsinh.com/2025/07/laddakh-yatra-diary-sajjansingh-book-review.htmlવરસાદી દિવસ અને મુઅનજોદરો વાંચન અનુભવ
https://www.dilawarsinh.com/2025/06/rainy-day-moenjodaro-book-reading.htmlThe Alchemist અને હું – એક વ્યક્તિગત વાંચન અનુભવ
https://www.dilawarsinh.com/2024/12/alchemist-and-myself.htmlગુંનાહો કા દેવતા – ધાર્મવીર ભારતી (પુસ્તક સમીક્ષા)
https://www.dilawarsinh.com/2024/11/book-review-of-gunaho-ka-devta-by.htmlવરદાન – પ્રેમચંદ (પુસ્તક સમીક્ષા)
https://www.dilawarsinh.com/2024/10/book-review-of-vardaan-by-premchand.htmlકિતને પાકિસ્તાન – કમલેશ્વર (પુસ્તક સમીક્ષા)
https://www.dilawarsinh.com/2024/10/book-review-kitne-pakistan-kamleshwar.html

